ગુજરાત ટાઈટન્સે શુભમન ગિલને બનાવ્યો કેપ્ટન, હાર્દિક પંડયાની વિદાય બાદ લીધો નિર્ણય

ગુજરાત ટાઈટન્સે તેમના નવા કેપ્ટન તરીકે શુભમન ગિલની પસંદગી કરી છે. 24 વર્ષીય ગિલ ગુજરાત ફ્રેન્ચાઇઝીમાં આ ભૂમિકામાં હાર્દિક પંડ્યાનું સ્થાન લેશે. પંડ્યાનો મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા ટ્રેડ કરવામાં આવ્યો છે. ગુજરાત ટાઈટન્સ IPL ઈતિહાસની નવી ટીમોમાંથી એક છે અને આ તેની ત્રીજી સિઝન હશે.

ગુજરાત ટાઈટન્સે શુભમન ગિલને બનાવ્યો કેપ્ટન, હાર્દિક પંડયાની વિદાય બાદ લીધો નિર્ણય
| Updated on: Nov 27, 2023 | 2:50 PM

ગુજરાત ટાઈટન્સે શુભમન ગિલને મોટી જવાબદારી સોંપી છે, જે અંતર્ગત ગિલ હવે આ ટીમનો નવો કેપ્ટન હશે. શુભમન ગિલ IPL 2024માં તે ભૂમિકામાં જોવા મળશે જે હાર્દિક પંડ્યાની વિદાય બાદ ગુજરાત ટાઈટન્સમાં ખાલી પડી હતી. ગિલ પર બે સિઝન જેવુ જ પ્રદર્શન કરવાની અને ટીમને ફરી ચેમ્પિયન બનાવવાનું દબાણ અને જવાબદારી હશે.

હાર્દિક પંડ્યાની ગુજરાત ટાઈટન્સમાંથી વિદાય

હાર્દિક પંડ્યાના મુંબઈ ઈન્ડિયન્સમાં જવાની અફવા ત્યારથી જ શરૂ થઈ ગઈ હતી જ્યારે ગિલને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો અને એવું જ થયું, એક તરફ હાર્દિક પંડ્યાના મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાવાના સમાચાર સત્તાવાર બની ગયા અને બીજી તરફ આ સમાચારને પણ સમર્થન મળ્યું કે શુભમન ગિલ ગુજરાત ટાઈટન્સનો નવો કેપ્ટન બનશે.

IPL 2024માં શુભમન ગિલ ગુજરાતનો કેપ્ટન

ગુજરાત ટાઈટન્સ આઈપીએલની નવી ટીમોમાંની એક છે. IPL 2024 આ ટીમની ત્રીજી સિઝન હશે અને શુભમન ગિલ આ ટીમનો બીજો કેપ્ટન હશે. અગાઉ હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં ગુજરાત ટાઈટન્સે શાનદાર પ્રદર્શન કર્યું હતું. છેલ્લી બે સિઝનમાં અથવા તો આઈપીએલની અત્યાર સુધી રમાયેલી તમામ સિઝનમાં આ ટીમ ફાઇનલમાં પહોંચી હતી.

પંડ્યાના વારસાને આગળ વધારવાનું દબાણ

હાર્દિક પંડ્યાએ તેની કપ્તાની હેઠળ ગુજરાત ટાઈટન્સને તેની પ્રથમ IPL સિઝનમાં ચેમ્પિયન બનાવ્યું હતું. જ્યારે બીજી સિઝનમાં એટલે કે ગયા વર્ષે આ ટીમને ફાઈનલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ગિલ હાર્દિકની જગ્યાએ ગુજરાતનો કેપ્ટન બન્યો છે. હાર્દિકની કપ્તાની હેઠળ ગુજરાત ટાઈટન્સે બે સિઝનમાં બે ફાઈનલ રમી છે. એવામાં IPL 2024માં હાર્દિકના વારસાને આગળ વધારવાનું ગિલ પર દબાણ હશે.

પોતાને સાબિત કરવાનો મોટો પડકાર

ગિલની વાસ્તવિકતા પણ હાર્દિક પંડ્યા જેવી જ છે. જેમ હાર્દિક પંડ્યા જ્યારે કેપ્ટન બન્યો ત્યારે તેને કેપ્ટનશિપનો બહુ અનુભવ નહોતો, તેવી જ રીતે ગિલ પાસે પણ કેપ્ટનશિપનો અનુભવ નથી. આવી સ્થિતિમાં તેના માટે આ રોલમાં પોતાને સાબિત કરવાનો મોટો પડકાર હશે. ટીમની કેપ્ટનશિપની અસર તેની બેટિંગ પર પણ પડી શકે છે, જેનું પણ ગિલે ધ્યાન રાખવું પડશે.

રાશિદ ખાન કેપ્ટન કેમ ન બન્યો?

આશ્ચર્યની વાત એ છે કે ગુજરાત ટાઇટન્સે ટીમના વાઈસ કેપ્ટન રાશિદ ખાનને પોતાનો કેપ્ટન બનાવ્યો ન હતો. હાર્દિકની ગેરહાજરીમાં તેણે ઘણી મેચોમાં ગુજરાતની કમાન સંભાળી છે અને ટીમને જીત તરફ પણ દોરી હતી. આમ છતાં ફ્રેન્ચાઈઝીએ ગિલને પોતાનો કેપ્ટન બનાવ્યો છે. કદાચ તેનું એક મોટું કારણ રાશિદ IPLની આગામી સિઝનમાં નહીં રમવાને લઈને છવાયેલો સસ્પેન્સ છે. તમને જણાવી દઈએ કે રાશિદ ખાને હાલમાં જ ઘૂંટણની સર્જરી કરાવી છે, જેના કારણે તે હાલમાં ક્રિકેટથી દૂર છે.

આ પણ વાંચો: હાર્દિક પંડયાના ગુજરાતને રામ-રામ, આગામી IPL માં મુંબઈ તરફથી રમશે

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 2:09 pm, Mon, 27 November 23