IPL 2022 સિઝન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) માટે બહુ સારી રહી નથી. સતત ચાર મેચ હાર્યા બાદ ટીમને પ્રથમ જીત મળી હતી. જોકે, આ પછી પણ ટીમની હાલત બહુ સારી દેખાઈ રહી નથી કારણ કે ટીમની બોલિંગ પાછલી સિઝનની સરખામણીમાં નબળી છે. તેનું મુખ્ય કારણ દીપક ચાહરની ગેરહાજરી છે. ચેન્નાઈની સફળતામાં મોટી ભૂમિકા ભજવનાર જમણા હાથના ઝડપી બોલર ચાહર ઈજા (Deepak Chahar Injury) ના કારણે ટુર્નામેન્ટની શરૂઆતમાં ટીમનો ભાગ બની શક્યો ન હતો અને હવે તે આખી સિઝન માટે બહાર છે. આવી સ્થિતિમાં CSK માટે આવનારા દિવસો મુશ્કેલ બનવાના છે. તે જ સમયે, ટૂર્નામેન્ટમાંથી બહાર થયા પછી પણ, ચહર પોતાનું દુઃખ અને નિરાશા છુપાવી શક્યો નહીં.
શુક્રવાર, 15 એપ્રિલના રોજ, IPL દ્વારા એક સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે ચહર ઈજામાંથી સાજો થઈ શક્યો નથી અને તેના કારણે તેને સમગ્ર ટૂર્નામેન્ટમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. ચહરને ફેબ્રુઆરીમાં ભારત-વેસ્ટ ઈન્ડિઝ T20 સીરીઝ દરમિયાન ઈજા થઈ હતી, ત્યારબાદ તે નેશનલ ક્રિકેટ એકેડમીમાં મેડિકલ ટીમની દેખરેખ હેઠળ તેની ફિટનેસ પર કામ કરી રહ્યો છે. મળતી માહિતી મુજબ, હેમસ્ટ્રિંગની સમસ્યા પર કામ કરતી વખતે તેને પીઠમાં ઈજા પણ થઈ હતી, જેના કારણે મધ્ય સિઝનમાં તેની વાપસીની આશા ખતમ થઈ ગઈ છે અને તે લાંબા સમયથી ક્રિકેટના મેદાનની બહાર છે.
સત્તાવાર જાહેરાત પછી, ચાહરે ચેન્નાઈ સુપર કિંગ્સ અને તેના ચાહકો સાથે સીધો સંપર્ક પણ કર્યો અને તેમના માટે ભાવનાત્મક સંદેશ આપતાં મજબૂત પુનરાગમનનું વચન આપ્યું. પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક નિવેદન જાહેર કરતા ચહરે લખ્યું કે, મને માફ કરજો મિત્રો. કમનસીબે હું ઈજાના કારણે આ આઈપીએલ સિઝનમાંથી બહાર થઈ જઈશ. હું આ વખતે રમવા માટે ઉત્સુક હતો પરંતુ દર વખતની જેમ હું મજબૂત વાપસી કરીશ. તમારા પ્રેમ અને શુભેચ્છાઓ સાથે મને ટેકો આપવા બદલ આભાર. તમારી પ્રાર્થનાની જરૂર છે.
— Deepak chahar 🇮🇳 (@deepak_chahar9) April 15, 2022
ચાહરને CSK દ્વારા આ વર્ષની મેગા ઓક્શનમાં રૂ. 14 કરોડની ભારે કિંમતે ખરીદ્યો હતો. આ રીતે તે IPL ઓક્શનના ઈતિહાસમાં સૌથી વધુ કમાણી કરનાર ભારતીય બોલર બની ગયો. ચહર ચેન્નાઈના સૌથી સફળ બોલરોમાંથી એક છે. 2018માં ચેન્નઈએ તે સીઝનનું ટાઈટલ ચાહરની મદદથી જીત્યું હતું, જે વખતે જ તે બધાની નજરમાં આવી ગયો હતો. છેલ્લી સિઝનમાં ચાહરની બોલિંગ ચેન્નાઈને ચોથું ટાઇટલ જીતવામાં મદદરૂપ રહી હતી. તેણે અત્યાર સુધીમાં IPL માં CSK માટે 58 વિકેટ ઝડપી છે.
Published On - 8:53 pm, Fri, 15 April 22