
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની સૌથી સફળ ટીમોમાંની એક મુંબઈ ઈન્ડિયન્સની (Mumbai Indians) આ સિઝનમાં ખરાબ હાલત છે. 5 વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ તેની પ્રથમ 8 મેચ હારી ગઈ છે. જે કોઈપણ સિઝનમાં તેનું સૌથી ખરાબ પ્રદર્શન છે. મુંબઈ આ સિઝનમાંથી બહાર થવાની અણી પર છે. જો ટીમની હાલત ખરાબ છે તો સુકાની રોહિત શર્મા દરેકના નિશાના પર છે.
રોહિત શર્માના નેતૃત્વમાં મુંબઈ ઈન્ડિયન્સ 5 વખત આઈપીએલ ટાઈટલ જીતી ચૂક્યું છે. તો હવે સતત 8 મેચમાં હારવું એ બધા માટે આશ્ચર્યજનક છે. રોહિત શર્મા પર ખરાબ કેપ્ટન્સી અને ખરાબ બેટિંગનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. પરંતુ જો મુંબઈ ઈન્ડિયન્સની વાત કરીએ તો લીડરશિપ ગ્રુપમાં રોહિત શર્મા એકલો નથી. પરંતુ ટીમના સપોર્ટ સ્ટાફમાં અનુભવીઓની ફોજ છે.
આવી સ્થિતિમાં માત્ર રોહિત શર્મા પર દોષનો ટોપલો ઢોળવો કેટલી હદે યોગ્ય છે. તેવો સવાલ પણ ઉઠી રહ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સના સપોર્ટિંગ સ્ટાફમાં કુલ 18 સભ્યો છે. જેમાં મહાન બેટ્સમેન સચિન તેંડુલકર, શ્રીલંકાના દિગ્ગજ ખેલાડી મહેલા જયવર્દને જેવા મોટા નામ સામેલ છે. ટીમમાં દરેક પ્રકારના લોકોને અલગ-અલગ બાબતો પર ફોકસ કરવા માટે રાખવામાં આવ્યા છે. ઘણી વખત એવું પણ કહેવાય છે કે જો એક જ જગ્યાએ ઘણા બધા મન ભેગા થાય તો એક જ વસ્તુનો અમલ કરવામાં ગડબડ થઈ જાય છે.
લખનૌ સુપર જાયન્ટ્સ સામેની હાર બાદ મહેલા જયવર્દનેએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેણે કહ્યું હતું કે અમારા બોલરોએ છેલ્લી 2 મેચમાં સારું પ્રદર્શન કર્યું છે. પરંતુ અમે સંપૂર્ણ સાતત્ય સાથે બોલિંગ કરી નથી. આ સિઝનમાં મોટાભાગની ટીમની બોલિંગ સારી રહી છે. પરંતુ અમે શરૂઆતની ક્ષણોમાં વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યા છીએ.
બેટિંગ અંગે પણ તેણે કહ્યું કે મારે બેટ્સમેનોના પ્રદર્શનનું મૂલ્યાંકન કરવું પડશે. ટીમ માટે આ ચિંતાનો વિષય છે. તે સિનિયર ખેલાડીઓનું જૂથ છે અને અમારે અમારા બેટ્સમેનોને સતત પ્રદર્શન કરવા માટે પ્રોત્સાહિત કરવા પડશે. અમે ઈચ્છીએ છીએ કે તે પોતાની બેટિંગથી ટીમ માટે સતત રન બનાવે.
સુકાની રોહિત શર્માએ પણ 25 એપ્રિલે એક ઈમોશનલ ટ્વીટ કરીને ચાહકોનો આભાર માન્યો હતો. રોહિત શર્માએ લખ્યું કે અમે આ ટૂર્નામેન્ટમાં અમારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું નથી, પરંતુ આવું થાય છે. રમતગમતની દુનિયામાં ઘણા દિગ્ગજો આ તબક્કામાંથી બહાર આવ્યા છે. પરંતુ હું મારી ટીમ અને તેના વાતાવરણને પ્રેમ કરું છું. હું અમારા શુભેચ્છકોનો પણ આભાર માનું છું જેમણે અમારામાં વિશ્વાસ દર્શાવ્યો અને ટીમ પ્રત્યે અતૂટ વફાદારી દર્શાવી.
રોહિત શર્માના આ ટ્વિટ પછી અટકળો લગાવવામાં આવી રહી છે કે શું રોહિત ટીમની કેપ્ટન્સી છોડી રહ્યો છે. કારણ કે તે IPL ની સફળતાના આધારે ભારતીય ટીમનો કેપ્ટન બન્યો હતો. હવે રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના ત્રણેય ફોર્મેટનો કેપ્ટન છે. પરંતુ આ પછી જ્યારે તે IPL માં પાછો ફર્યો તો તે પ્રથમ 8 મેચ સતત હારી ગયો. જે મુંબઈ ઈન્ડિયન્સનું આઈપીએલ ઈતિહાસમાં સૌથી ખરાબ પ્રદર્શન છે.
આ પણ વાંચો : IPL 2022 Mumbai Indians માટે સફેદ હાથી બન્યો ઈશાન કિશન?
આ પણ વાંચો : IPL 2022: Rohit Sharma મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટન્સી છોડશે, કીરોન પોલાર્ડ સંભાળશે કમાન?
Published On - 6:12 pm, Tue, 26 April 22