શુક્રવારે ચાહકોને ખુશખબર આપતાં BCCI સેક્રેટરી જય શાહે (Jay Shah) કહ્યું કે આવતા વર્ષે આઈપીએલ (IPL 2022) ભારતમાં યોજાશે. IPL 2021 નો પ્રથમ તબક્કો ભારતમાં આયોજિત કરવામાં આવ્યો હતો. પરંતુ કોરોના રોગચાળાના વધતા જતા કેસને કારણે તેને અધવચ્ચે જ અટકાવવો પડ્યો હતો અને ત્યારબાદ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં તેનું આયોજન UAEમાં કરવામાં આવ્યું હતું. અગાઉ IPL 2020નું પણ આયોજન UAEમાં જ કરવામાં આવ્યું હતું.
IPL 2022 માટે મેગા ઓક્શન ટૂંક સમયમાં થવા જઈ રહ્યું છે. આવતા વર્ષથી લીગમાં આઠની જગ્યાએ 10 ટીમો ભાગ લેવા જઈ રહી છે. અમદાવાદ અને લખનૌ બે નવી ટીમો છે જે આગામી સિઝનથી લીગમાં ભાગ લેશે. આવી સ્થિતિમાં જય શાહે કહ્યું કે, તે આગામી સિઝન માટે ખૂબ જ ઉત્સાહિત છે. તેમને આશા છે કે 10 ટીમોની આગામી સિઝન ચાહકો માટે ખૂબ જ રોમાંચક રહેશે.
ભારતમાં ટી-20 મેચ પરત આવી છે. ન્યુઝીલેન્ડ હાલમાં ભારતના પ્રવાસે છે કિવી ટીમ ત્રણ મેચની ટી20 શ્રેણી અને બે ટેસ્ટ મેચ રમવા જઈ રહી છે. આ મેચો દરમિયાન ચાહકોને સ્ટેડિયમમાં પ્રવેશવાની છૂટ આપવામાં આવી છે. ત્યારથી એવી અપેક્ષા હતી કે આવતા વર્ષે IPL પણ ભારતમાં યોજાશે અને હવે જય શાહે તેની પુષ્ટિ કરી છે. ચેન્નાઈ સુપર કિંગ્સના વિશેષ કાર્યક્રમમાં BCCI સેક્રેટરી જય શાહે કહ્યું, હું જાણું છું કે તમે ચેપોકમાં ચેન્નાઈ સુપર કિંગ્સને રમતા જોવા માંગો છો અને તે ટૂંક સમયમાં થવા જઈ રહ્યું છે.
તેમણે કહ્યું, ‘આગામી આઈપીએલની 15મી સીઝન હશે. ભારતમાં આયોજન અને બે નવી ટીમોના ઉમેરા સાથે, તે પહેલા કરતા વધુ રોમાંચક હશે. અમે મેગા હરાજી કરવા જઈ રહ્યા છીએ અને આવી સ્થિતિમાં નવા સમીકરણો જોવું રસપ્રદ રહેશે.
તે જ ઇવેન્ટમાં, સુકાની ધોની (MS Dhoni) એ અગાઉ સ્પષ્ટતા કરી હતી કે તે ઓછામાં ઓછી એક વધુ સીઝન માટે તેની મનપસંદ પીળી જર્સી પહેરશે અને ચાહકો ચોક્કસપણે તેને તેમના મનપસંદ ચેપોક સ્ટેડિયમમાં તેમની ‘વિદાય મેચ’ રમતા જોશે. ધોનીએ કહ્યું, ‘મેં હંમેશા મારા ક્રિકેટનું આયોજન કર્યું છે. મેં મારી છેલ્લી મેચ રાંચીમાં રમી હતી. વનડેમાં છેલ્લી હોમ મેચ મારા હોમટાઉન રાંચીમાં હતી, તેથી આશા છે કે મારી છેલ્લી ટી20 મેચ ચેન્નાઈમાં હશે. તે આવતા વર્ષે હશે કે પાંચ વર્ષના સમય પછી, અમને ખબર નથી.
Published On - 8:44 am, Sun, 21 November 21