ઇંગ્લેન્ડ (England) સામે શુક્રવારથી શરૂ થનારી ભારતીય ટીમ (Indian Cricket Team) ની ટેસ્ટ મેચ રદ કરવામાં આવી છે. માંચેસ્ટર ટેસ્ટ (Manchester Test) પહેલા જ ભારતીય ટીમમાં કોરોના વાયરસના ચેપને કારણે તેને રદ કરવી પડી હતી. આવી સ્થિતિમાં હવે તમામની નજર ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) પર છે. BCCI ની આ ફ્રેન્ચાઈઝી લીગનો બીજો ભાગ, આ મહિનાથી શરૂ થવા જઈ રહ્યો છે.
ઇંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણીના ભાગરૂપે, ઘણા ભારતીય અને ઇંગ્લીશ ખેલાડીઓને પાંચમી ટેસ્ટ બાદ સીધા યુએઈ જવાનુ હતુ. જ્યાં IPL 2021 મેચો રમાવાની છે. પરંતુ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની સિરીઝની છેલ્લી મેચ રદ થવાને કારણે ઘણા ખેલાડીઓ સમયથી વહેલા યુએઇ પહોંચી શકે છે.
એમએસ ધોની (MS Dhoni) ના નેતૃત્વમાં ચેન્નઈ સુપર કિંગ્સ ફ્રેન્ચાઈઝી (CSK) શનિવાર, 11 સપ્ટેમ્બરે તેના ખેલાડીઓને ઈંગ્લેન્ડથી યુએઈ લાવવાની વ્યવસ્થા કરી રહી છે. આ વિશે મીડિયા સાથે વાત કરતી વખતે, ફ્રેન્ચાઇઝીના સીઇઓ, કાશી વિશ્વનાથે પુષ્ટિ કરી છે કે, ટેસ્ટ શ્રેણી સાથે સંકળાયેલા સીએસકે સાથે સંકળાયેલા તમામ ખેલાડીઓને શનિવાર સુધીમાં દુબઇ પહોંચાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વર્તમાન ટેસ્ટ શ્રેણીમાં ભારત અને ઇંગ્લેન્ડના 5 ખેલાડીઓ છે, જે આ સીઝનમાં CSK નો ભાગ છે.
ખેલાડીઓએ ગાળવો પડશે ક્વોરન્ટાઇન સમય
યુએઈ પહોંચ્યા બાદ ખેલાડીઓને 6 દિવસ માટે ક્વોરન્ટાઇન રહેવું પડેશે. જેના કારણે CSK ખેલાડીઓને વહેલી તકે UAE માં લઈ આવવા માટે પ્રયાસ શરુ થયા છે. ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચેની ટેસ્ટ મેચ રદ થવાનો આમ લાભ લેવાનો પ્રયાસ ટીમો દ્વારા થવા લાગી રહ્યો છે.
મીડિયા રીપોર્ટનુસાર CSK ફ્રેન્ચાઈઝીના સીઈઓ કાશી વિશ્વનાથને ટાંકીને કહ્યું કે, અત્યારે ચાર્ટર્ડ ફ્લાઈટ શક્ય નથી. અમે તમામ ખેલાડીઓની આવતીકાલની કોમર્શિયલ ફ્લાઇટ માટે ટિકિટ બુક કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. જ્યારે તેઓ પહોંચશે, ત્યારે તેમને બાકીના ખેલાડીઓની જેમ 6 દિવસ માટે અલગ રાખવા પડશે.
અન્ય ફ્રેન્ચાઇઝી પણ ઉઠાવી શકે છે આવા પગલા
CSK સાથે સંકળાયેલા 5 ખેલાડીઓ હાલમાં ઈંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણીનો ભાગ છે. આમાંથી ભારતીય ટીમના બેટ્સમેન ચેતેશ્વર પૂજારા અને ઓલરાઉન્ડર જોડી-રવિન્દ્ર જાડેજા અને શાર્દુલ ઠાકુર. આ સાથે જ ઈંગ્લેન્ડના બે ઓલરાઉન્ડર મોઈન અલી અને સેમ કુરન પણ ટેસ્ટ શ્રેણીનો ભાગ છે. CSK આ બધાને દુબઈ લાવવાના પ્રયાસો કરી રહ્યું છે.
CSK ની માફક અન્ય ફ્રેન્ચાઇઝીઓ પણ આ પગલાં લઇ શકે છે. જેથી ટૂર્નામેન્ટ ફરી શરૂ થાય ત્યાં સુધી તમામ ખેલાડીઓ મેચો માટે ઉપલબ્ધ રહી શકે. 19 સપ્ટેમ્બર થી શરુ થઇ રહેલી ટૂર્નામેન્ટની પ્રથમ મેચ CSK અને મુંબઇ ઇન્ડીયન્સ વચ્ચે રમાનારી છે.