ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) ની ટીમ માટે છેલ્લી સીઝન નિરાશાજનક રહી હતી. જો કે, આ વખતે મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) ના ડૈડી આર્મી એ શાનદાર વાપસી કરી. સાથે જ દરેકને યાદ અપાવ્યું કે, તેમને આ લીગના રાજા કેમ કહેવામાં આવે છે. IPL 2021 માં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) પ્લેઓફમાં સ્થાન મેળવનારી પ્રથમ ટીમ બની. અત્યારે ચેન્નાઈની ટીમ ભલે ટેબલ ટોપર રહી હોય, પરંતુ તેનો સ્ટાર ખેલાડી સુરેશ રૈના (Suresh Raina) આ સિઝનમાં ફ્લોપ રહ્યો છે.
લાંબા સમય સુધી ચેન્નાઈ માટે રન બનાવનાર સુરેશ રૈનાનું બેટ આ સિઝનમાં શાંત રહ્યું છે. રૈનાએ ટીમને પોઈન્ટ ટેબલમાં ટોચ પર લઈ જવા માટે કોઈ ખાસ ભૂમિકા ભજવી નથી. પ્રથમ મેચને બાદ કરતાં તે મોટાભાગે રન માટે સંઘર્ષ કરતો જોવા મળ્યો છે. તેનો ફ્લોપ શો શનિવારે રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) સામે પણ ચાલુ રહ્યો.
શનિવારે રાજસ્થાન રોયલ્સની ટીમે ટોસ જીતીને ચેન્નાઈ સુપર કિંગ્સને પ્રથમ બેટિંગ માટે કોલ આપ્યો હતો. ફાફ ડુ પ્લેસિસના આઉટ થયા બાદ બેટિંગ કરવા આવેલા રૈનાને પણ ખાસ કંઈ કરી શક્યો નહોતો. તેને પાંચ બોલમાં માત્ર ત્રણ રન મળ્યા હતા. સ્પિન બોલર રાહુલ તેવાટિયાના બોલ પર તે શિવમ દુબેના હાથે કેચ આઉટ થયો હતો.
આ સિઝનમાં તે પ્રથમ વખત સ્પિનરનો શિકાર બન્યો છે. અગાઉ વર્ષ 2019 માં તેને મુંબઈ ઇન્ડીયન્સના રાહુલ ચાહરે આઉટ કર્યો હતો. આ સિઝનમાં આ પાંચમી વખત છે, જ્યારે રૈના ડબલ ફિગર પણ પાર કરી શક્યો નથી.
તેણે અત્યાર સુધીમાં 12 મેચ રમી છે, જેમાં તેણે 20 ની સરેરાશથી 160 રન બનાવ્યા છે. આ દરમ્યાન તેનો સ્ટ્રાઇક રેટ 125.98 રહ્યો છે. 13 સીઝનમાં અત્યાર સુધી રૈનાની આ સૌથી ખરાબ સરેરાશ છે. ગયા વર્ષે રૈનાએ અંગત કારણોસર લીગમાં ભાગ લીધો ન હતો. તે યુએઈ આવ્યા બાદ થોડા દિવસોમાં જ ભારત પરત ફર્યો હતો. વર્તમાન સીઝનની પ્રથમ મેચમાં તેણે દિલ્હી કેપિટલ્સ સામે 54 રન બનાવ્યા હતા. આ સિઝનમાં આ તેનો સર્વોચ્ચ સ્કોર હતો.
રૈના વારંવાર ફ્લોપ હોવા છતાં મહેન્દ્ર સિંહ ધોનીએ તેને ટીમમાં વારંવાર તક આપી છે. ભારતના ભૂતપૂર્વ સ્ટાર ઓપનર વીરેન્દ્ર સહેવાગે મીડિયા રિપોર્ટનુસાર વાત કરતા આનું કારણ સમજાવ્યું હતું. તેણે કહ્યું, ધોનીને રૈનાના બેટિંગ ક્રમ પર કોઈ શંકા હશે. તે સારી રીતે જાણે છે કે રૈના સારું પ્રદર્શન કરી રહ્યો નથી, પરંતુ તે રૈનાની જગ્યાએ બીજા કોઈને લેવાનું વિચારશે નહીં.
આગળ કહ્યુ, ધોની જાણે છે કે તેની ટીમના બેટિંગ ક્રમમાં ઉંડાણ છે અને જો શાર્દુલ ઠાકુર સુધી તેમની બેટિંગ હોય, તો તે તેની ચિંતા નહીં કરે. સહેવાગે કહ્યું કે ધોની હાલમાં રૈનાને પહેલા બેટિંગ માટે મોકલી રહ્યો છે, પરંતુ તે ખરાબ શોટ રમીને તેની વિકેટ ગુમાવી રહ્યો છે.