ભારતીય મહિલા ટીમે પાંચમી વન-ડેમાં ન્યુઝીલેન્ડને હરાવ્યું, સ્મૃતિ મંધાના અને હરમનપ્રીત કૌરનું શાનદાર પ્રદર્શન

NZWvINDW: સ્મૃતિ મંધના આઉટ થયા બાદ સુકાની મિતાલી રાજ અને હરમનપ્રીત કૌરે ભારતની ઈનિંગ સંભાળી અને બંનેએ 71 રનની ભાગીદારી નોંધાવી ભારતની જીત પાક્કી કરી.

ભારતીય મહિલા ટીમે પાંચમી વન-ડેમાં ન્યુઝીલેન્ડને હરાવ્યું, સ્મૃતિ મંધાના અને હરમનપ્રીત કૌરનું શાનદાર પ્રદર્શન
Indian Women Team (PC: BCCI)
| Edited By: | Updated on: Feb 24, 2022 | 4:09 PM

ભારતીય મહિલા ટીમ (India Women Team)એ ન્યુઝીલેન્ડ (New Zealand Women Team)ને પાંચમી અને અંતિમ વન-ડે મેચમાં 6 વિકેટે હરાવી દીધું. પહેલા બેટિંગ કરતા ન્યુઝીલેન્ડે 50 ઓવરમાં 9 વિકેટે 251 રન નોંધાવ્યા હતા. જવાબમાં ભારતીય મહિલા ટીમે આ લક્ષ્યાંકને 46 ઓવરમાં 4 વિકેટના ભોગે જીત મેળવી લીધી. ભારતીય મહિલા ટીમે આ ન્યુઝીલેન્ડના પ્રવાસમાં પહેલી જીત મેળવી છે. વર્લ્ડ કપ પહેલા મળેલી આ જીતથી ટીમમાં આત્મવિશ્વાસ વધ્યો છે.

ન્યુઝીલેન્ડના સુકાની સૌપી ડિવાઈને ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય હતો. ઓપનિંગ જોડી માત્ર 17 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. ત્યારબાદ સુકાની સોફી ડિવાઈન અને અમેલિયા કેર વચ્ચે બીજી વિકેટ માટે 68 રનની ભાગીદારી નોંધાઈ હતી. સોફી ડિવાઈને 34 રન બનાવ્યા હતા. મિડલ ઓર્ડરમાં એમી સૈદરવેટ અને કેટી માર્ટિન મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહી હતી. જોકે અમેલિયા કેર એક છેડે ટકી રહી હતી અને 66 રનની શાનદાર ઈનિંગ રમી હતી. લોરેન ડાઉન અને જેનસને 30-30 રનનું યોગદાન આપ્યું છે. જોકે ભારતે ન્યુઝીલેન્ડને 251 રનમાં જ રોકી દીધું હતું.

 

સ્મૃતિ મંધાના, હરમનપ્રીત કૌર અને મિતાલી રાજની શાનદાર ઈનિંગે ટીમને જીત અપાવી

લક્ષ્યાંકને પહોંચી વળવા મેદાન પર ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત સારી રહી ન હતી. શેફાલી વર્મા માત્ર 9 રન બનાવી આઉટ થઈ ગઈ. ત્યારબાદ સ્મૃતિ મંધના અને દીપ્તિ શર્મા વચ્ચે બીજી વિકેટ માટે 60 રનની ભાગીદારી નોંધાઈ હતી. દીપ્તિ 21 રન બનાવી આઉટ થઈ હતી. ત્રીજી વિકેટ માટે મંધના અને હરમનપ્રીત કૌર વચ્ચે 64 રનની ભાગીદારી નોંધાઈ હતી. સ્મૃતિ મંધનાએ 71 રનની શાનદાર ઈનિંગ રમી હતી.

સ્મૃતિ મંધના આઉટ થયા બાદ સુકાની મિતાલી રાજ અને હરમનપ્રીત કૌરે ભારતની ઈનિંગ સંભાળી અને બંનેએ 71 રનની ભાગીદારી નોંધાવી ભારતની જીત પાક્કી કરી. હરમનપ્રીત કૌરે 66 બોલમાં 63 રનની ઈનિંગ રમી હતી. જ્યારે સુકાની મિતાલી રાજે પણ 57 રનની મેચ વિનીંગ ઇનિંગ રમી હતી.

આ પણ વાંચો : IND vs SL: શ્રીલંકા માટે ભારતને રોકવું અશક્ય, ટીમ ઈન્ડિયા ઘરઆંગણે ‘અજેય’ છે, જાણો સંપૂર્ણ રેકોર્ડ

આ પણ વાંચો : IND W vs NZ W: ભારતીય ટીમ પર લટકી રહી છે ક્લીન સ્વીપની તલવાર, જીત સાથે સિરીઝનો અંત કરવાનો ઇરાદો