વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC) ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હાર બાદ ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ વેકેશન પર છે. અનેક સ્ટાર ખેલાડીઓ વિદેશમાં પરિવાર સાથે રજાઓ મનાવી રહ્યા છે, ત્યારે ટીમ ઈન્ડિયાનો ચાઈના મેન બોલર કુલદીપ યાદવ વૃંદાવનમાં ભગવાન કૃષ્ણના દર્શન કરવા પહોંચ્યો હતો.
કુલદીપ યાદવે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર વૃંદાવનના ફોટો અને વીડિયો શેર કર્યા હતા. તેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા અને ફેન્સે તેના પર અનેક કોમેન્ટ પણ કરી હતી. વૃંદાવનમાં કૃષ્ણની ભક્તિમાં કુલદીપ યાદવ લીન જોવા મળ્યો હતો.
કુલદીપ યાદવે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક ક્લિપ શેર કરી હતી જેમાં તે વૃંદાવનની શેરીઓમાં ભકિતભાવનો આનંદ માણતો જોવા મળ્યો હતો. કુલદીપ યાદવે વીડિયોના કેપ્શનમાં લખ્યું હતું, ‘રાધે ગોવિંદા’, જેના પર ફેન્સે પણ કોમેન્ટ્સમાં ‘રાધે-રાધે’ લખી કોમેન્ટ્સ લખી હતી.
હાલ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ છુટ્ટીનો આનંદ માણી રહ્યા છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ બાદ હવે ભારતનો આગામી પ્રવાસ વેસ્ટ ઈન્ડિઝ છે, જ્યાં ટીમ ઈન્ડિયા બે ટેસ્ટ, ત્રણ વનડે અને પાંચ T20 મેચો રમશે. ભારતનો વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ 12 જુલાઇથી શરૂ થશે અને ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝમાં અંતિમ મેચ 13 ઓગસ્ટે રમશે. પહેલી ટેસ્ટથી બંને ટીમોની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ 2025ના સાયકલની શરૂઆત થશે.
આ પણ વાંચોઃ વર્લ્ડ કપ 2019 બાદ સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી બન્યો શાઈ હોપ, બાબર આઝમને પછાડ્યો
કુલદીપ યાદવનું કરિયર ઉતાર ચઢાવ ભર્યું રહ્યું છે. બે વર્ષ બાદ 2022માં કુલદીપે ટીમ ઈન્ડિયામાં સફળ કમબેક કર્યું હતું. બાંગ્લાદેશ સામે ટેસ્ટ મેચ, ઓસ્ટ્રેલિયા સામે વનડે સીરિઝ અને ન્યુઝીલેન્ડ સામે T20માં તેણે સારું પ્રદર્શન કર્યું હતું. IPLમાં પણ તેણે દિલ્હી તરફથી રમતા દસ વિકેટ ઝડપી હતી. હવે આગામી વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં કુલદીપ ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવી વધુ સારું પ્રદર્શન કરવાનો પ્રયાસ કરશે.