
વેસ્ટ ઇન્ડીઝની ટીમને તેના ઘરઆંગણે ટેસ્ટ અને વનડે શ્રેણીમાં માત આપ્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ હવે પાંચ મેચની ટી20 સીરીઝમાં વેસ્ટ ઇન્ડીઝની ટીમને હરાવવા મેદાન પર ઉતરશે. ટી20 શ્રેણીમાં હાર્દિક પંડયા (Hardik Pandya) ટીમનું નેતૃત્તવ કરશે. પાંચમાંથી પ્રથમ ત્રણ મેચ કેરેબિયન ધરતી પર રમાશે જ્યારે છેલ્લી બે મેચ અમેરિકાના ફ્લોરિડામાં રમાશે. 2024 માં ટી-20 વિશ્વ કપનું (T20 World Cup 2024) આયોજન સંયુક્ત રીતે અમેરિકા અને વેસ્ટ ઇન્ડીઝમાં થશે. તેથી અમેરિકામાં ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે છેલ્લી બે મેચનું અમેરિકામાં આયોજન થઇ રહ્યું છે.
અમેરિકામાં ટી-20 ક્રિકેટને પ્રેક્ષકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ ટીમનો ટી20 વિશ્વ કપમાં ઇતિહાસ સારો રહ્યો છે પણ છેલ્લા ઘણા સમયથી ભારતીય ટીમનો વેસ્ટ ઇન્ડીઝ સામે રેકોર્ડ ઉત્કૃષ્ઠ રહ્યો છે. વેસ્ટ ઇન્ડીઝ પાંચ મેચની શ્રેણી યુવા ભારતીય ટીમ સામે સારા પ્રદર્શનની આશા સાથે મેદાન પર ઉતરશે.
આ પણ વાંચો: IND vs WI: યુઝવેન્દ્ર ચહલ વેસ્ટ ઇન્ડીઝ સામે અનોખી સદી સાથે બની શકે છે પ્રથમ ભારતીય ખેલાડી
ભારત અને વેસ્ટ ઇન્ડીઝની અત્યાર સુધી 25 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં ટક્કર થઇ છે. ભારતીય ક્રિકેટ ટીમની 17 મેચમાં જીત થઇ છે અને 7 મેચમાં હાર થઇ છે, જ્યારે 1 મેચ અનિર્ણિત રહી છે. ગત વર્ષે 2022માં પાંચ મેચની ટી20 શ્રેણી વેસ્ટ ઇન્ડીઝ અને અમેરિકામાં યોજાઇ હતી. જેમાં ભારતે શાનદાર રમત દેખાડી 4-1 થી જીત મેળવી હતી. તે શ્રેણીમાં પણ અંતિમ બે મેચ અમેરિકામાં રમાઇ હતી. છેલ્લી 10 ટી-20 મેચમાં ભારતીય ટીમ 8 મેચમાં વિજયી રહી છે જ્યારે ફક્ત બે મેચમાં વેસ્ટ ઇન્ડીઝને જીત મળી છે.
ઓગસ્ટ 3- પ્રથમ ટી20 મેચ- બ્રાયન લારા સ્ટેડિયમ, ટ્રીનિડેડ
ઓગસ્ટ 6- બીજી ટી20 મેચ- પ્રોવીડેન્સ સ્ટેડિયમ, ગયાના
ઓગસ્ટ 8- ત્રીજી ટી20 મેચ- પ્રોવીડેન્સ સ્ટેડિયમ, ગયાના
ઓગસ્ટ 12- ચોથી ટી20 મેચ- સેન્ટ્રલ બ્રોવર્ડ રિજીયનલ પાર્ક સ્ટેડિયમ ટર્ફ ગ્રાઉન્ડ, ફ્લોરિડા
ઓગસ્ટ 13- પાંચમી ટી20 મેચ- સેન્ટ્રલ બ્રોવર્ડ રિજીયનલ પાર્ક સ્ટેડિયમ ટર્ફ ગ્રાઉન્ડ, ફ્લોરિડા
ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની પાંચ મેચની ટી20 શ્રેણીનું લાઇવ સ્ટ્રીમિંગ FanCode અને Jio Cinema એપ પર થશે. ફેન કોડ અને જિઓ સિનેમા એપ પર યૂઝર્સ આ શ્રેણીનું લેપટોપ, મોબાઇલ અને ટીવી પર લાઇવ સ્ટ્રીમિંગ કરી શકે છે. ટીવી પર તમામ મેચનું લાઇવ પ્રસારણ ડીડી સ્પોર્ટ્સ પર થશે. ડીડી પર મેચનું પ્રસારણ અલગ અલગ ભાષામાં જોઇ શકાશે.
ભારતીય ક્રિકેટ ટીમ: હાર્દિક પંડયા(કેપ્ટન), ઇશાન કિશન (વિકેટકિપર), શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (વાઇસ કેપ્ટન), તિલક વર્મા, યશસ્વી જયસ્વાલ, અક્ષર પટેલ, સંજુ સેમસન(વિકેટકિપર), અર્શદીપ સિંહ, આવેશ ખાન, કુલદીપ યાદવ, મુકેશ કુમાર, રવિ બિશ્નોઇ, ઉમરાન મલિક, યુઝવેન્દ્ર ચહલ
વેસ્ટ ઇન્ડીઝની ટીમ: રોવમેન પોવેલ (કેપ્ટન), બ્રેન્ડન કિંગ, જોન્સન ચાર્લ્સ, શિમરોન હેટમાયર, જેસન હોલ્ડર, કાઇલ માયર્સ (વાઇસ કેપ્ટન), ઓડિન સ્મિથ, રોમારિયો શેફર્ડ, રોસ્ટન ચેઝ, નિકોલસ પૂરન (વિકેટકિપર), શાઇ હોપ (વિકેટકિપર), અકીલ હોસિન, અલઝારી જોસેફ, ઓબેડ મેકકોય, ઓશાને થોમસ