ટીમ ઈન્ડિયાની જીત, આ બેટ્સમેને વૈભવ સૂર્યવંશી કરતા પણ ઝડપી બેટિંગ કરી સદી ફટકારી

ભારતીય અંડર 19 ટીમે ઓસ્ટ્રેલિયા અંડર 19 ટીમને હરાવી યુથ શ્રેણી જીતી લીધી હતી. જો કે આ મેચમાં 18 વર્ષીય ઓસ્ટ્રેલિયન ખેલાડીએ વિસ્ફોટક બેટિંગમાં 14 વર્ષીય વૈભવ સૂર્યવંશીને પાછળ છોડી દીધો હતો. જેડન ડ્રેપરે 107 રન બનાવ્યા, જોકે તેની ટીમ મેચ હારી ગઈ હતી.

ટીમ ઈન્ડિયાની જીત, આ બેટ્સમેને વૈભવ સૂર્યવંશી કરતા પણ ઝડપી બેટિંગ કરી સદી ફટકારી
Vaibhav Suryavanshi
Image Credit source: Getty Images
| Updated on: Sep 24, 2025 | 8:30 PM

ભારતની અંડર 19 ટીમે ઓસ્ટ્રેલિયા અંડર 19 ટીમ સામે સતત બીજી યુથ વનડે જીતી છે. આ જીત સાથે, ભારતીય અંડર 19 ટીમે ઓસ્ટ્રેલિયા સામે શ્રેણી પણ જીતી લીધી. આ જીતમાં વૈભવ સૂર્યવંશીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, તેણે આક્રમક 70 રન બનાવ્યા હતા. તેના સિવાય વિહાન મલ્હોત્રાએ પણ 70 રન બનાવ્યા હતા. વિકેટકીપર અભિજ્ઞાન કુંડુએ 71 રન બનાવ્યા હતા.

જેડન ડ્રેપરની 65 બોલમાં સદી

જોકે, ઓસ્ટ્રેલિયાની હાર છતાં, તેમનો એક ખેલાડી ચર્ચામાં આવ્યો છે. આ ખેલાડીનું નામ જેડન ડ્રેપર છે, જેણે આ મેચમાં શાનદાર સદી ફટકારી હતી. જયડેન ડ્રેપરે માત્ર 65 બોલમાં સદી ફટકારી હતી, જ્યારે તે છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો, જોકે, તે ટીમને જીત અપાવવામાં મદદ કરી શક્યો ન હતો.

ડેબ્યૂ મેચમાં શાનદાર સદી

જેડન ડ્રેપરે 72 બોલમાં 107 રન બનાવ્યા, જેમાં તેણે પાંચ છગ્ગા અને આઠ ચોગ્ગાની મદદથી સદી ફટકારી. ખાસ વાત એ છે કે આ ડ્રેપરનો યુથ વનડે ડેબ્યૂ હતો, અને તેણે તેની પહેલી જ ઈનિંગમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું. જોકે, તેની શાનદાર ઈનિંગ છતાં, ઓસ્ટ્રેલિયન ટીમ 249 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. પ્રથમ બેટિંગ કરતા, ભારતે 300 રન બનાવ્યા હતા. ભારતે આ મેચ 51 રનથી જીતી લીધી હતી.

 

મેચમાં કુલ 15 સિક્સર

બીજી યુથ વનડેમાં કુલ 15 છગ્ગા ફટકારવામાં આવ્યા હતા, જેમાં વૈભવ સૂર્યવંશીએ સૌથી વધુ 6 સિક્સર ફટકારી હતી. અભિજ્ઞાન કુંડુએ બે છગ્ગા ફટકાર્યા હતા. જેડન ડ્રેપર સિવાય ઓસ્ટ્રેલિયા તરફથી કોઈ છગ્ગા ફટકારી શક્યું ન હતું. ડ્રેપરે એકલા પાંચ છગ્ગા ફટકાર્યા હતા.

કેપ્ટન આયુષ મ્હાત્રેની ત્રણ વિકેટ

બેટ્સમેન ઉપરાંત, ભારતીય બોલરોએ પણ ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું. કેપ્ટન આયુષ મ્હાત્રેએ ચાર ઓવરમાં 27 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. કનિષ્ક ચૌહાણે બે વિકેટ લીધી હતી. શ્રેણીની છેલ્લી યુથ વનડે 26 સપ્ટેમ્બરે રમાશે.

આ પણ વાંચો: IND vs PAK : બે મેચ હાર્યા પછી પણ પાકિસ્તાની ખેલાડીની ‘અકડ’ તો જુઓ, ભારતને હરાવવાની આપી ધમકી

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો