
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ODI અને T20 શ્રેણી પૂર્ણ કર્યા પછી ભારતીય ટીમ ટેસ્ટ ફોર્મેટમાં વાપસી કરી રહી છે. પરંતુ આ વખતે પડકાર વેસ્ટ ઈન્ડીઝ કરતા પણ વધુ મુશ્કેલ છે, કારણ કે તેમનો સામનો વર્તમાન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન દક્ષિણ આફ્રિકા સામે છે. ટીમ ઈન્ડિયાને હવે આ શ્રેણી કેટલી મુશ્કેલ હશે તેની ઝલક મળી ગઈ છે.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણી 14 નવેમ્બરથી કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે શરૂ થશે. આ શ્રેણી પહેલા ઈન્ડિયા A અને દક્ષિણ આફ્રિકા A વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણી પણ રમાઈ હતી, જે રવિવાર, 9 નવેમ્બરના રોજ પૂર્ણ થઈ. દક્ષિણ આફ્રિકા A એ આ મેચ 5 વિકેટથી જીતીને 417 રનનો વિશાળ લક્ષ્યાંક હાંસલ કર્યો. આ જીત ખાસ હતી કારણ કે દક્ષિણ આફ્રિકાની ટીમે આ રન એવા જ બોલરો સામે બનાવ્યા હતા જે ટેસ્ટ શ્રેણીમાં ટીમનો ભાગ રહેશે.
દક્ષિણ આફ્રિકા A ટીમની જીતમાં અનુભવી બેટ્સમેન ટેમ્બા બાવુમાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. દક્ષિણ આફ્રિકાને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનું ગૌરવ અપાવનાર કેપ્ટન બાવુમા A શ્રેણીની ફક્ત બીજી મેચનો ભાગ હતો અને ફક્ત બેટ્સમેન તરીકે રમ્યો હતો. બાવુમાની શરૂઆત સારી રહી ન હતી, પ્રથમ ઈનિંગમાં તે પહેલા જ બોલ પર આઉટ થયો હતો અને ગોલ્ડન ડકનો શિકાર બન્યો. જોકે, બીજી ઈનિંગમાં મેચના ચોથા દિવસે બાવુમાએ પોતાની શાનદાર બેટિંગથી ટીમની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
બાવુમાએ લાંબો સમય ક્રીઝ પર વિતાવ્યો અને 101 બોલનો સામનો કરીને 59 રનની મજબૂત ઈનિંગ રમી. તેની ઈનિંગ મહત્વપૂર્ણ હતી કારણ કે તે ઈજાને કારણે ઘણા અઠવાડિયા સુધી બહાર રહ્યા બાદ મેચમાં પાછો ફરી રહ્યો હતો. વધુમાં, તેણે મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, કુલદીપ યાદવ અને પ્રસિદ્ધ કૃષ્ણા જેવા અનુભવી બોલરો સામે આ રન બનાવ્યા હતા. પ્રસિદ્ધ સિવાય અન્ય ત્રણ ટેસ્ટ શ્રેણીનો ભાગ છે અને સિરાજ અને કુલદીપ બંને ટેસ્ટમાં રમે તેવી પૂરી શક્યતા છે.
ભારત સામે, ખાસ કરીને ભારતમાં બાવુમાનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. 2015 માં ભારતના તેના પ્રથમ પ્રવાસ પછી બાવુમા ભારતમાં ફક્ત ચાર ટેસ્ટર રમ્યો છે, જેમાં એક અડધી સદીની મદદથી ફક્ત 152 રન બનાવ્યા છે. જોકે, આ વખતે પરિસ્થિતિ અલગ હોઈ શકે છે, કારણ કે બાવુમા છેલ્લા દોઢ વર્ષથી સતત સ્કોર કરી રહ્યો છે. આ દરમિયાન, તેણે સાત ટેસ્ટની 13 ઈનિંગ્સમાં 59 ની સરેરાશથી 711 રન બનાવ્યા છે. તેથી, આ વખતે દક્ષિણ આફ્રિકાનો કેપ્ટન ટીમ ઈન્ડિયા માટે ખતરો સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો: IPL સ્ટારે છોકરી પર બ્લેકમેલ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો, આંતરરાષ્ટ્રીય નંબરો પરથી મળી ધમકીઓ