IND vs SA: 6 ફૂટ 8 ઇંચ ઊંચા ખેલાડીએ અડધી ટીમને કરી ધ્વસ્ત, 49 વર્ષ પછી બન્યો આ રેકોર્ડ

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની બીજી ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાના ઓલરાઉન્ડર માર્કો યાનસને તેની ધારદાર બોલિંગથી તબાહી મચાવી હતી. ગુવાહાટી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા પહેલી ઈનિંગમાં માત્ર 201 રનમાં ઓલઆઉટ થઇ ગઇ. દક્ષિણ આફ્રિકાના 6 ફૂટ 8 ઇંચ ઊંચા યાનસને ભારત સામે 6 વિકેટ ઝડપીને મોટો રેકોર્ડ બનાવ્યો હતો.

IND vs SA: 6 ફૂટ 8 ઇંચ ઊંચા ખેલાડીએ અડધી ટીમને કરી ધ્વસ્ત, 49 વર્ષ પછી બન્યો આ રેકોર્ડ
Marco Jansen
Image Credit source: ESPN
| Updated on: Nov 24, 2025 | 4:17 PM

માર્કો યાનસને ગુવાહાટી ટેસ્ટમાં પહેલા બેટથી ભારતીય ટીમને ત્રાસ આપ્યો હતો અને પછી બોલથી પણ તબાહી મચાવી. ડાબા હાથના આ ઝડપી બોલરે ગુવાહાટી ટેસ્ટના ત્રીજા દિવસે એકલા હાથે ટીમ ઈન્ડિયાની અડધી ઇનિંગ પૂરી કરી દીધી. યાનસને છ વિકેટ લઈને એક મોટો રેકોર્ડ બનાવ્યો હતો. યાનસનની ધારદાર બોલિંગને કારણે ટીમ ઈન્ડિયા માત્ર 201 રનમાં ઓલઆઉટ થઈ ગઈ, જેના કારણે દક્ષિણ આફ્રિકાને પ્રથમ ઇનિંગમાં 288 રનની મોટી લીડ મળી હતી.

યાનસને મચાવી તબાહી

ભારતીય પિચો સામાન્ય રીતે સ્પિનરોને મદદરૂપ હોય છે, પરંતુ ગુવાહાટીમાં ફાસ્ટ બોલર યાનસનની બોલિંગનો જાદુ ચાલ્યો. 6 ફૂટ 8 ઇંચ ઊંચા આ ખેલાડીએ તેના બાઉન્સરથી ભારતીય બેટ્સમેનોને મુશ્કેલીમાં મુક્યા. યાનસને ધ્રુવ જુરેલ, રિષભ પંત, રવિન્દ્ર જાડેજા, નીતિશ કુમાર રેડ્ડી, કુલદીપ યાદવ અને જસપ્રીત બુમરાહની વિકેટ લીધી. યાનસને છ માંથી પાંચ વિકેટ બાઉન્સરથી લીધી હતી.

 

યાનસને બનાવ્યો રેકોર્ડ

યાનસને ટેસ્ટ કારકિર્દીમાં ચોથી વખત પાંચ વિકેટ લીધી હતી. ભારત સામે આ તેની પહેલી પાંચ વિકેટ છે અને ભારતીય ધરતી પર આ તેનું શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન છે. યાનસન ટીમ ઈન્ડિયા સામે ભારતમાં પચાસથી વધુ રન અને પાંચ વિકેટ લેનાર દક્ષિણ આફ્રિકાનો પહેલો ડાબોડી બોલર ​​બન્યો છે. દુનિયામાં ફક્ત ત્રણ જ ખેલાડીઓએ આ સિદ્ધિ મેળવી છે. છેલ્લી વખત 1976માં ઈંગ્લેન્ડના જોન લીવરે આ સિદ્ધિ મેળવી હતી. ભારતમાં દક્ષિણ આફ્રિકાના કોઈ ખેલાડીએ પાંચ વિકેટ અને અડધી સદી ફટકાર્યાને 25 વર્ષ થઈ ગયા છે. માર્કો યાનસન પહેલા નિકી બોયોએ 2000 માં આ સિદ્ધિ મેળવી હતી.

આફ્રિકાએ ભારતને ફોલો-ઓન ન આપ્યું

માર્કો યાનસનની ઘટક બોલિંગ સામે ટીમ ઈન્ડિયા 201 રનમાં ઓલઆઉટ થઈ ગઈ, છતાં દક્ષિણ આફ્રિકાએ ફોલો-ઓન ન આપ્યું. આ પહેલીવાર છે જ્યારે કોઈ ટીમે ભારતમાં ટીમ ઈન્ડિયા સામે 288 રનની લીડ લીધી હોય અને ફોલો-ઓન ન આપ્યું.

આ પણ વાંચો: શ્રેયસ અય્યરની ઈજા અંગે મોટી અપડેટ, જાણો મેદાનમાં કમબેક કરવામાં કેટલો સમય લાગશે

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 4:16 pm, Mon, 24 November 25