
ભારતીય ક્રિકેટ ટીમ ત્રીજી અને નિર્ણાયક મેચ રમવા માટે ઈન્દોર પહોંચી ગઈ છે. તાજેતરના સમયમાં ઈન્દોર સમગ્ર ભારતમાં ખૂબ જ ચર્ચામાં રહ્યું હતું. આનું કારણ અહીંનું દૂષિત પાણી હતું, જેના સેવનથી ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હતા.
આ મુદ્દો સતત ચર્ચામાં રહ્યો છે અને ટીમ ઈન્ડિયા પણ આ બાબતે સાવધ છે. માત્ર ટીમ ઈન્ડિયા જ નહીં પરંતુ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પણ આ મામલે સતર્ક છે અને ખેલાડીઓની સુરક્ષામાં કોઈ કસર બાકી રાખી રહ્યું નથી. આમ તો ટીમ ઇન્ડિયા ઇન્દોરની ફાઇવ સ્ટાર હોટલમાં રોકાઈ રહી છે. ફાઇવ સ્ટાર હોટલો પોતાની સ્વચ્છતા અને હાઈજીન (આરોગ્યપ્રદ સ્થિતિ) માટે જાણીતી હોય છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, શુભમન ગિલ દૂષિત પાણીથી બચવા માટે પોતાની સાથે ઈન્દોરમાં ત્રણ લાખ રૂપિયાનું વોટર પ્યુરિફાયર લઈને ગયો છે. આ પ્યુરિફાયર RO અને બોટલના પાણીને ફરીથી શુદ્ધ કરી દે છે.
સૂત્રોના હવાલેથી કહેવામાં આવ્યું છે કે, “આ ડિવાઇસ સામાન્ય સિસ્ટમ કરતા હાઇ લેવલ સુધી પાણી ફિલ્ટર કરે છે. જો કે, હોટલ સ્ટાફને આ મશીનની ટેકનોલોજી અથવા તેના દૈનિક ઉપયોગ વિશે વધુ માહિતી આપવામાં આવી નથી.”
ભારતીય ટીમના મીડિયા મેનેજરે આ મુદ્દા પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. ટૂંકમાં, આ પગલું તાજેતરમાં સામે આવેલા પાણીની ગુણવત્તા સંબંધિત મામલાઓને કારણે લેવામાં આવ્યું છે કે પછી આ કેપ્ટનની સામાન્ય સ્વાસ્થ્ય સાવચેતીઓનો એક ભાગ છે? તે વિશે સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
એવું જણાવવામાં આવી રહ્યું છે કે, ટીમ જે હોટલમાં રોકાઈ છે ત્યાં અને હોલ્કર સ્ટેડિયમ બંને જગ્યાએ પીવાના શુદ્ધ પાણી માટે આરો (RO) પ્લાન્ટ અને સીલબંધ બોટલના પાણી જેવી પૂરતી સુવિધાઓ પહેલેથી જ ઉપલબ્ધ છે.
હોટલમાં સુરક્ષિત પાણી માટે આરો (RO) થી લઈને બોટલના પાણી સુધીના તમામ પ્રકારના વિકલ્પ ઉપલબ્ધ છે પરંતુ ટીમ ઈન્ડિયા વધુ સાવચેતી રાખવા માંગે છે. પાણીને લઈને ભારતનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી હંમેશા સજાગ રહે છે. તે ‘ઇવિયન નેચરલ સ્પ્રિંગ વોટર’ (Evian Natural Spring Water) જ પીવે છે, જે ખાસ ફ્રાન્સથી આવે છે.