
વડોદરામાં ન્યૂઝીલેન્ડ સામે મેદાનમાં ઉતરતા જ વિરાટ કોહલીએ એક નવો રેકોર્ડ બનાવ્યો. જણાવી દઈએ કે, કોહલી હવે ભારત માટે સૌથી વધુ વન-ડે આંતરરાષ્ટ્રીય મેચ રમનારા ટોચના 5 ખેલાડીઓની યાદીમાં જોડાઈ ગયો છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી વન-ડે વડોદરાના બીસીએ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે.
વિરાટ કોહલીએ ટીમ ઈન્ડિયા માટે 309 વન-ડે રમી છે. તેણે આ રેકોર્ડમાં ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીને પાછળ છોડી દીધો છે. ગાંગુલીએ ભારત માટે 308 વન-ડે રમી છે. કોહલી ભવિષ્યમાં રાહુલ દ્રવિડ અને મોહમ્મદ અઝહરુદ્દીનને પણ પાછળ છોડી શકે છે. અઝહરુદ્દીને 334 વન-ડે રમી છે, જ્યારે દ્રવિડે 340 વન-ડે રમી છે.
સચિન તેંડુલકરે ભારત માટે સૌથી વધુ 463 વન-ડે આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આ એક વિશ્વ રેકોર્ડ પણ છે, જે તેને સૌથી વધુ વન-ડે મેચ રમવાનો ખેલાડી બનાવે છે. એમએસ ધોની, જેની કેપ્ટનશીપ હેઠળ ભારતે વર્ષ 2011 નો વન-ડે વર્લ્ડ કપ જીત્યો હતો, તે યાદીમાં બીજા ક્રમે છે. ધોનીએ 347 વન-ડે આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.
વડોદરામાં રમાનારી પહેલી વન-ડેમાં ભારતને જીતવા માટે 301 રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડે 300 રન બનાવ્યા. વિરાટ કોહલી આ મેચમાં બેટથી ઘણા રેકોર્ડ બનાવી શકે છે. જો તે 42 રન બનાવે છે, તો તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી તરીકે કુમાર સંગાકારાને પાછળ છોડી દેશે.
હાલમાં કુમાર સંગાકારાના 28,016 રન છે. 556 મેચમાં 27,975 રન સાથે ‘વિરાટ કોહલી’ સંગાકારાથી માત્ર 41 રન પાછળ છે. સંગાકારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોમાં બીજા ક્રમે છે.
સચિન તેંડુલકર 34,357 રન સાથે પ્રથમ ક્રમે છે. જો તે 94 રન બનાવે છે, તો તે ન્યૂઝીલેન્ડ સામે વન-ડેમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની જશે, જે હાલમાં સચિનના નામે છે.