ન્યુઝીલેન્ડ (New Zealand) માં ફ્લોપ, ઈંગ્લેન્ડ સામેની હોમ સિરીઝમાં ફ્લોપ, ઈંગ્લેન્ડની ધરતી પર પણ ફ્લોપ. અજિંક્ય રહાણે (Ajinkya Rahane) ની બેટિંગને લઈને ફ્લોપ શબ્દ સતત સંભળાઈ રહ્યો છે. કાનપુર ટેસ્ટ (Kanpur Test) માં પણ અજિંક્ય રહાણે ફ્લોપ રહ્યો છે. સારી શરૂઆત મળી પરંતુ તેની રમત 35 રન પર સમાપ્ત થઈ ગઈ. એવું માનવામાં આવે છે કે અજિંક્ય રહાણે માટે ફરી એકવાર નિષ્ફળ જવાથી સમય નિકળતો જઇ રહ્યો છે.રહાણે આ વખતે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની જેટલુ ખતરનાક આક્રમણ ઘરેલુ પરિસ્થિતીમાં ન હોવા છતાં સારો દેખાવ કરી શક્યો નથી. માત્ર રહાણે માટે જ નહીં પરંતુ ચેતેશ્વર પુજારા માટે પણ મુશ્કેલીઓ વધી છે.
પુજારા અને રહાણે બંને કાનપુરમાં ન્યુઝીલેન્ડ સામેની શરૂઆતની ટેસ્ટમાં સારી શરૂઆતનો લાભ ઉઠાવી શક્યા ન હતા. જ્યારે નવોદિત શ્રેયસ અય્યર અને શુભમન ગીલે અડધી સદી ફટકારી હતી. બંન્ને એક એવા એટેક સામે વહેલા આઉટ થઈ ગયા, જેમાં પ્રતિભાશાળી ટ્રેન્ટ બોલ્ટનો સમાવેશ થતો ન હતો. જેની સવારના ભેજ પર ઈનસ્વિંગ બેટ્સમેનોને રમવાનું મુશ્કેલ બનાવે છે. ટેસ્ટ મેચમાં અય્યરનું શાનદાર પદાર્પણ અને ઓપનર તરીકે ગીલના રન આ ટેસ્ટ મેચમાં કેપ્ટન (રહાણે) અને વાઇસ-કેપ્ટન (પુજારા) માટે ચોક્કસપણે ખતરાની ઘંટડી વગાડશે.
સાઉથ આફ્રિકા સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત પણ થોડા દિવસોમાં કરવામાં આવશે. જો આ બે અનુભવી ખેલાડીઓ જોહાનિસબર્ગ જવા માટે પસંદ કરવામાં આવે છે, તો કેપ્ટન વિરાટ કોહલી, હેડ રાહુલ દ્રવિડે તેમને પૂર્ણ સિરીઝમાં તક આપવા માટે ઘણો આત્મવિશ્વાસ બતાવવો પડશે. મોટી વાત એ છે કે હવે રહાણે અને પુજારાનો વિકલ્પ પણ દેખાઈ રહ્યો છે.
મિડલ ઓર્ડરમાં શુભમન ગીલને રમાડવાની ચર્ચા ચાલી રહી છે અને હવે શ્રેયસ અય્યર પણ ટેસ્ટ પ્લેઈંગ ઈલેવનમાં આવી ગયો છે. જો કેએલ રાહુલ ઇજાગ્રસ્ત ન થયો હોત તો કાનપુરમાં શુભમન ગિલ મિડલ ઓર્ડરમાં જોવા મળ્યો હોત. દક્ષિણ આફ્રિકામાં શુભમન ગીલને માત્ર મિડલ ઓર્ડરમાં જ તક આપવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે પાંચમાં નંબર પર બેટિંગ કરી રહેલી વેસ્ટ ઈન્ડિઝની A ટીમ માટે વિદેશી ધરતી પર ગિલનો સર્વશ્રેષ્ઠ ફર્સ્ટ ક્લાસ સ્કોર 204 છે.
અય્યરે પણ પોતાની ડેબ્યૂ ઇનિંગથી ઘણો આત્મવિશ્વાસ આપ્યો છે. જો તે કાનપુરમાં સદી ફટકારે છે તો પસંદગીકારો ચોક્કસપણે તેને દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર પસંદ કરશે. ત્યારે સવાલ એ થાય છે કે કોનું પત્તુ કપાશે?