ઈંગ્લેન્ડ પ્રવાસ (England Tour) પર ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) ના ફાસ્ટ બોલરોએ પોતાનો દમ દેખાડી બતાવ્યો છે. ઈંગ્લેન્ડના બેટ્સમેનોને અનેક વખત પોતાનો શિકાર બનાવ્યા છે. આ જ કારણ છે કે લીડ્ઝ (Leeds Test) માં રમાઈ રહેલી શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ 4 ઝડપી બોલરો અને એક સ્પિનર સાથે ઉતરી હતી. ભારતીય ઝડપી બોલરોએ લીડ્ઝ ટેસ્ટ પહેલા, નોટિંગહામ અને લોર્ડ્સમાં ઈંગ્લેન્ડની લગભગ તમામ વિકેટ પોતાને નામ કરી લીધી હતી. જેના કારણે સ્પિનર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) ને વધારે બોલિંગ કરવાની તક મળી ન હતી.
પરંતુ લીડ્ઝમાં પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી અને તેને ખૂબ બોલિંગ કરવી પડી હતી સાથે જ વિકેટ પણ મેળવી. જાડેજાને શ્રેણીમાં પ્રથમ વખત વિકેટ મળી અને આ સાથે લગભગ 32 વર્ષ જૂનો એક અનોખો રેકોર્ડ પણ તૂટી ગયો હતો.
વિશ્વના નંબર વન સ્પિનર રવિચંદ્રન અશ્વિનની જગ્યાએ ટીમમાં એકમાત્ર સ્પિનર તરીકે રવિન્દ્ર જાડેજા રમી રહ્યો છે. જાડેજાએ લીડ્ઝ ટેસ્ટના બીજા દિવસે હસીબ હમીદને બોલ્ડ કરીને પોતાની પ્રથમ વિકેટ લીધી હતી. આ શ્રેણીમાં જાડેજાની આ પ્રથમ વિકેટ હતી. દેખીતી રીતે આ રીતે આ શ્રેણીની 5 ઇનિંગ્સમાં ભારતીય સ્પિનર માટે પ્રથમ વિકેટ હતી. કારણ કે અત્યાર સુધી એક રન આઉટ સિવાય તમામ વિકેટ ભારતીય ઝડપી બોલરોએ મેળવી હતી.
જાડેજાની આ વિકેટે 1989-90માં ભારતીય ટીમે બનાવેલો રેકોર્ડ તોડી નાખ્યો હતો. ખરેખર, આ શ્રેણીમાં ઇંગ્લેન્ડની 41 વિકેટ બાદ પ્રથમ વખત ભારતીય સ્પિનરને વિકેટ મળી છે. આ 41 વિકેટમાંથી 40 ઝડપી બોલરોએ લીધી હતી, જ્યારે 1 રન આઉટ થયો હતો. અગાઉ ટેસ્ટ શ્રેણીમાં ભારતીય સ્પિનરોએ વિકેટ માટે આટલી લાંબી રાહ જોવી પડી ન હતી. 1989-90માં પાકિસ્તાન પ્રવાસ પર ભારતીય સ્પિનરોને 25 વિકેટ બાદ પ્રથમ વિકેટ મળી હતી. આ એ જ શ્રેણી હતી જેમાં સચિન તેંડુલકરે ડેબ્યૂ કર્યું હતું.
લીડ્ઝ ટેસ્ટનો બીજો દિવસ પણ ભારત માટે ખૂબ જ ખરાબ રહ્યો હતો. ઇંગ્લેન્ડના બેટ્સમેનોએ જબરદસ્ત સ્કોર કર્યા બાદ ભારત ઉપર 345 રનની વિશાળ લીડ મેળવી હતી. કેપ્ટન જો રૂટની સદીની મદદથી ઇંગ્લેન્ડે દિવસની રમતના અંતે 8 વિકેટે 423 રન બનાવ્યા હતા. ભારત માટે મોહમ્મદ શામીએ સૌથી વધુ 3 વિકેટ પોતાના નામે કરી હતી. જ્યારે મોહમ્મદ સિરાજ અને જાડેજાને 2-2 અને જસપ્રીત બુમરાહને 1 વિકેટ મળી હતી. ટીમ ઈન્ડિયાનો પ્રથમ દાવ માત્ર 78 રનમાં સમેટાઈ ગયો હતો.