ટીમ ઇન્ડીયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri) ગુરુવારે શરુ થઇ રહેલી મેચ પહેલા જ ભારતીય ટીમ (Team India) માટે મહત્વની વાતો કહી હતી. શાસ્ત્રીએ કહ્યુ હતુ કે, ટીમે લીડઝ (Leeds Test) માં મળેલી હાર અંગે વિચારવાને બદલે લોર્ડઝ (Lords Test) ની જીતમાંથી પ્રેરણા લેવી જોઇએ. શાસ્ત્રીએ સ્વિકાર કર્યો હતો કે, ત્રીજી ટેસ્ટ મેચમાં પ્રથમ દિવસે જ 78 રને ઓલઆઉટ થવુ એ નિર્ણાયક રહ્યુ હતુ. જોકે તેમણે કહ્યુ હતુ કે, સિરીઝ હજુ પણ છે.
એક મીડિયા રિપોર્ટમાં કહ્યુ હતુ કે, તે ખૂબ જ સરળ છે. તમે ફક્ત લોર્ડ્સ વિશે વિચારો. છેલ્લી મેચ ભૂલી જાઓ. હું જાણું છું કે કહેવું સહેલું છે પણ આપણે સારી ક્ષણોને પણ યાદ રાખવી જોઈએ. આવ બધું રમતમાં થાય છે. લોર્ડ્સમાં ઇંગ્લેન્ડનો હાથ ઉપર હતો પરંતુ અમે જીતી ગયા. તેમણે છેલ્લી મેચમાં શાનદાર બોલિંગ કરી અને પહેલા દિવસે અમારા પર દબાણ લાવ્યા. અમે પહેલા દિવસે જ બેકફૂટ પર હતા.
રવિ શાસ્ત્રી એ બાબતે ખુશ હતા કે, ટીમ ઇન્ડીયાએ બીજા દાવની રમતમાં સ્કોર 278 રનનો કર્યો હતો. તેમણે કહ્યુ કે, અમારામાં બીજા દાવમાં સંઘર્ષ જોવા મળ્યો હતો. પરંતુ પ્રથમ ઇનીંગમા 78 રન આઉટ થવાને લઇને મેચ સરકી ગઇ હતી. આમ છતાં પણ સિરીઝ હજુ પણ ખુલ્લી છે.
કોચે કહ્યુ કે, કોઈએ વિરાટ કોહલી (Virat Kohli) અને તેની ટીમને હળવાશથી લેવાની ભૂલ ન કરવી જોઈએ. તેમણે કહ્યું કે, ‘શ્રેણી 1-1 થી બરાબર છે અને અમે વિદેશમાં રમી રહ્યા છીએ. દબાણ ઇંગ્લેન્ડ પર છે. તેમને પોતાના જ દેશમાં જીતવાનુ છે. જ્યારે તે ભારતમાં રમી રહ્યા હતા ત્યારે અમે જે કરવાનું હતું તે કર્યું હતુ. બોલ હવે તેમની બાજુ છે, પરંતુ અમારે સારું કરવું પડશે, તેમાં કોઈ શંકા નથી.
T20 વર્લ્ડકપ બાદ રવિ શાસ્ત્રીનો ટીમ ઇન્ડિયા સાથે કોચ તરીકેનો કાર્યકાળ સમાપ્ત થવાનો છે. તેમણે આ વિશે પણ વાત કરી. વર્લ્ડ કપ બાદ જીવન સાથે જોડાયેલા સવાલ પર શાસ્ત્રીએ કહ્યું કે, હવે તેમની પાસે ટીમ ઇન્ડિયા સાથે 45 દિવસ છે. આવી સ્થિતિમાં તેમનું સંપૂર્ણ ધ્યાન આ બાબત પર છે. ભારતીય ટીમે રવિ શાસ્ત્રીના કોચ હેઠળ કોઈ આઈસીસી ટ્રોફી જીતી નથી. આવી સ્થિતિમાં, તે ઈચ્છશે કે ટીમ તેને T20 વર્લ્ડ કપ સાથે વિદાય આપે.