માન્ચેસ્ટર ટેસ્ટ (Manchester Test)ને લઈને ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે ગડબડ થઈ હોય તેવું લાગે છે. અહેવાલ છે કે ઈંગ્લેન્ડે ટીમ ઈન્ડીયા (Team India)ને કહ્યું કે જો તે પાંચમી ટેસ્ટ રદ કરવા ઈચ્છે છે તો છેલ્લી ટેસ્ટમાં હાર સ્વીકારો. પરંતુ BCCIએ આ વાતને નકારી છે. આ બાબત એટલા માટે ઉભી થઈ કારણ કે ભારતીય છાવણી હજુ પણ કોરોનાના કેસો સામે લડી રહી છે.
તેના સપોર્ટ સ્ટાફના ચાર લોકો કોરોનાની પકડમાં છે. આવી સ્થિતિમાં આ કટોકટી આગળ વધી રહી છે, કદાચ પાંચમી ટેસ્ટ ન પણ થઈ શકે. આ કારણે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે ભારતને છેલ્લી ટેસ્ટમાં તેને વોક ઓવર આપવા કહ્યું હતું.
ટીમ ઈન્ડીયા હાલમાં પાંચ મેચની શ્રેણીમાં 2-1થી આગળ છે. તે ઈતિહાસમાં ચોથી વખત અને 14 વર્ષમાં પ્રથમ વખત ઈંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણી જીતવાની નજીક છે. ભારતે લોર્ડ્સ અને ધ ઓવલ ખાતે આ શ્રેણી જીતી હતી. જો નોટિંગહામમાં પ્રથમ ટેસ્ટના છેલ્લા દિવસે વરસાદ ન આવ્યો તો ભારત પણ ત્યાં જીતવા માટે દાવેદાર હતું. તે મેચમાં ટીમ ઈન્ડિયાએ લક્ષ્યનો પીછો કરતા બીજી ઈનિંગમાં એક વિકેટ પર 52 રન બનાવ્યા હતા અને 157 વધુ રન બનાવવાના હતા.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે BCCI આ મામલે ટીમ મેનેજમેન્ટ અને વરિષ્ઠ ક્રિકેટરો સાથે સતત સંપર્કમાં છે. એવું કહેવાય છે કે ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને રોહિત શર્માએ સ્પષ્ટપણે કહ્યું છે કે ભારતીય ટીમ ટેસ્ટ મેચ નહીં છોડે. પછી ભલે તેને કોરોનાના ખતરા વચ્ચે રમવું પડે. તેમના તરફથી કહેવામાં આવ્યું છે કે જો કોરોનાને કારણે ટેસ્ટ કરવામાં નહીં આવે તો ભારત 2-1થી શ્રેણી જીતી જશે, અથવા જ્યારે પણ બંને બોર્ડ નિર્ણય કરશે ત્યારે તેઓ રમવા માટે તૈયાર છે.
પાંચમી ટેસ્ટના એક દિવસ પહેલા એટલે કે 9 સપ્ટેમ્બરે ભારતીય ક્રિકેટ ટીમના જૂનિયર ફિઝીયો યોગેશ પરમાર (Yogesh Parmar) કોરોના પોઝિટીવ જણાયા હતા. આવી સ્થિતિમાં ટીમે તેનું પ્રેક્ટિસ સત્ર રદ કરવું પડ્યું. ખેલાડીઓને તેમના રૂમમાં રહેવાનું કહેવામાં આવ્યું છે અને તેમના RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા છે. પરમાર પોઝિટિવ આવતા હવે ટીમ પાસે એક પણ ફિઝીયો નથી. શાસ્ત્રીને ઓવલ ટેસ્ટ મેચ દરમિયાન ચેપ લાગ્યા બાદ ચીફ ફિઝિયો નીતિન પટેલ આઈસોલેશનમાં છે. જાણવા મળ્યું છે કે BCCIએ ECBને ફિઝિયોની સેવાઓ પૂરી પાડવા કહ્યું છે.