ચેન્નાઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમમાં રવિવારે 8મી ઓક્ટોબરે ભારત અને ઓસ્ટ્રેલિયા (Australia) વચ્ચે મુકાબલો થશે. આ સાથે ટીમ ઈન્ડિયા 2023ના ODI વર્લ્ડ કપ (World Cup 2023) માં પોતાના અભિયાનની શરૂઆત કરશે. ટૂર્નામેન્ટ પહેલા ટીમ ઈન્ડિયા ને ઓસ્ટ્રેલિયા સામે વનડે શ્રેણી રમીને તૈયારી કરવાની તક મળી. જો કે આ સિરીઝનું બહુ મહત્વ ન હતું, પરંતુ ટીમ ઈન્ડિયા (Team India) એ તેની તૈયારીની ઝલક ચોક્કસ દેખાડી અને 2-1થી જીત મેળવી. ટીમ ઈન્ડિયા છેલ્લી ODIમાં હારી ગઈ હતી અને આના કારણે ચોક્કસપણે થોડી મુશ્કેલીજનક સ્થિતિ સર્જાઈ છે.
રાજકોટમાં ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયાના હાથે 66 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. સૌરાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમની પીચ ખૂબ જ સપાટ હતી, જેમાં બેટ્સમેન માટે રન બનાવવા ખૂબ જ સરળ હતા. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરીને 352 રન બનાવ્યા હતા. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પણ ટોસ સમયે કહ્યું હતું કે બીજી ઇનિંગમાં બેટિંગ માટે પિચ સારી રહેશે. જ્યાં સુધી રોહિત પોતે રમી રહ્યો હતો ત્યાં સુધી એવું લાગતું હતું, પરંતુ થોડા સમય પછી ટીમ ઈન્ડિયા માટે એક મોટી સમસ્યા સામે આવી, જે વર્લ્ડ કપની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયા માટે પડકાર બની રહેશે.
આ સમસ્યા સ્પિન સામે બેટિંગની છે. ત્રીજી વનડેમાં જ્યાં સુધી ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલરો આક્રમણ પર હતા ત્યાં સુધી ભારતીય બેટ્સમેનો ખાસ કરીને કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી આરામથી રન બનાવી રહ્યા હતા. રોહિતે જોરદાર આકર્મક બેટિંગ કરી, જ્યારે કોહલી પણ આરામથી રન બનાવી રહ્યો હતો. ત્યારબાદ તનવીર સાંગા અને ગ્લેન મેક્સવેલ આક્રમણ પર આવતાની સાથે જ રનની ગતિ ધીમી પડી ગઈ હતી.
સાંગાએ બિનઅનુભવી હોવાને કારણે કેટલાક ખરાબ બોલ પણ ફેંક્યા પરંતુ પાર્ટ-ટાઇમ સ્પિનર હોવા છતાં, મેક્સવેલે બંને દિગ્ગજ બેટ્સમેનોને તેના ઓફ-બ્રેક સાથે બાંધી રાખ્યા. આ મેચમાં મેક્સવેલે રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર અને વોશિંગ્ટન સુંદરની વિકેટ લીધી હતી અને માત્ર 40 રન જ આપ્યા હતા. સાંગાએ 10 ઓવરમાં 61 રન આપ્યા અને 1 વિકેટ લીધી.
આ પણ વાંચો : World Cup 2023 : તમીમ ઈકબાલને પડતો મૂક્યા બાદ બાંગ્લાદેશના કેપ્ટને રોહિત શર્માનું નામ કેમ લીધું?
આ સમસ્યાનું કારણ એ છે કે ટીમ ઈન્ડિયાને ચેન્નાઈમાં આ ઓસ્ટ્રેલિયન ટીમ સામે રમવાનું છે અને ચિદમ્બરમ સ્ટેડિયમની પીચ હંમેશા સ્પિનરો અને ધીમા બોલરો માટે મદદરૂપ રહે છે. ટીમ ઈન્ડિયાએ પણ આ વર્ષે તેનો સ્વાદ ચાખ્યો હતો, જ્યારે ઓસ્ટ્રેલિયાએ માર્ચમાં ચેન્નાઈ વનડેમાં ભારતને 21 રને હરાવ્યું હતું. તે મેચમાં લેગ સ્પિનર એડમ ઝમ્પાએ 4 વિકેટ લીધી હતી, જ્યારે લેફ્ટ આર્મ સ્પિનર એશ્ટન અગરે પણ 2 વિકેટ લીધી હતી.
આ બંને સ્પિનરો રાજકોટ વનડેમાં રમ્યા નહોતા, પરંતુ 8 ઓક્ટોબરે ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયન ટીમની પ્લેઈંગ ઈલેવનમાં બંને બોલર હશે. તેની સાથે મેક્સવેલ અને પછી માર્કસ સ્ટોઈનિસ જેવા મધ્યમ ઝડપી બોલર પણ હશે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાની આ નબળાઈ તેમને વર્લ્ડ કપની પહેલી જ મેચમાં ખરેખર મુશ્કેલીમાં મૂકી શકે છે.