
ભારતે અફઘાનિસ્તાનને ત્રણ મેચની T20 શ્રેણીમાં હરાવ્યું છે. પ્રથમ અને બીજી ટી20 છ-છ વિકેટે જીત્યા બાદ ટીમ ઈન્ડિયાએ ત્રીજી ટી20માં અફઘાનિસ્તાનને ડબલ સુપર ઓવરમાં હરાવ્યું. બંને ટીમો 20-20 ઓવર બાદ 212-212 રન બનાવી શકી હતી. આ પછી પ્રથમ સુપર ઓવરમાં બંને ટીમ 16-16 રન બનાવી શકી હતી. ત્યારબાદ ડબલ સુપર ઓવરમાં ભારતે પ્રથમ બેટિંગ કરીને 11 રન બનાવ્યા હતા. ત્યારબાદ અફઘાનિસ્તાનની ટીમે ત્રણ બોલમાં બે વિકેટ ગુમાવી દીધી અને આ રીતે ટીમ ઈન્ડિયાની જીત થઈ. ત્રીજી ટી20 મેચમાં રોહિત શર્માને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો, જ્યારે શિવમ દુબેને પ્લેયર ઓફ ધ સીરિઝ જાહેર કરવામાં આવ્યો.
બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રોહિત અને રિંકુનું તોફાન જોવા મળ્યું હતું. ત્રીજી ટી20માં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 212 રન બનાવ્યા હતા. એક સમયે ભારતે 22 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી રોહિત અને રિંકુએ પાંચમી વિકેટ માટે 95 બોલમાં 190 રનની અણનમ ભાગીદારી કરી હતી.
રોહિતે તેની T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની રેકોર્ડ પાંચમી સદી ફટકારી હતી. તે આ ફોર્મેટમાં સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી બની ગયો છે. તે 69 બોલમાં 11 ચોગ્ગા અને આઠ છગ્ગાની મદદથી 121 રન બનાવ્યા બાદ અણનમ રહ્યો હતો. રિંકુએ તેની T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની બીજી અડધી સદી ફટકારી. તે 39 બોલમાં 69 રન બનાવીને અણનમ રહ્યો હતો. પોતાની ઇનિંગમાં તેણે બે ચોગ્ગા અને છ છગ્ગા ફટકાર્યા હતા. વિરાટ કોહલી ટી20 ઈન્ટરનેશનમાં પહેલીવાર ગોલ્ડન ડક થયો હતો.
213 રનના ટાર્ગેટ સામે અફઘાનિસ્તાનની ટીમ 6 વિકેટ ગુમાવીને 212 રન બનાવી શકી હતી. અફઘાનિસ્તાનના ટોપ ઓર્ડરના ત્રણેય બેટ્સમેનોએ ફિફટી ફટકારી હતી. ગુલબદ્દીન નાઈબે સૌથી વધારે 55 રન બનાવ્યા હતા. અંતિમ ઓવરમાં જીત માટે 19 રનની જરુર હતી.20મી ઓવરમાં 18 રન બનાવતા જ મેચ ટાઈ થઈ હતી. જેને કારણે મેચ સુપર ઓવર સુધી પહોંચી હતી. વોશિંગ્ટન સુંદરે 3 ઓવરમાં 18 રન આપીને 3 વિકેટ લીધી હતી.
ભારતીય ટીમ ઘરઆંગણે છેલ્લી 15 ટી20 દ્વિપક્ષીય સીરિઝમાં હારી નથી.ભારતીય ટીમને છેલ્લે ફેબ્રુઆરી 2019માં હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારપછી ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમને 2 મેચની
ટી20 સીરિઝમાં 2-0થી ક્લીન સ્વિપ કર્યું હતું. ત્યારથી એટલે કે જૂન 2019થી ભારતીય ટીમ એક પણ ટી20 સીરિઝ હારી નથી. આજે ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાનને 3-0થી ક્લીન સ્વીપ કર્યુ.
રોહિત શર્માએ બેંગલુરુમાં અફઘાનિસ્તાન સામે શાનદાર સદી ફટકારી હતી. તેણે ઈન્ટરનેશનલ ટી20માં તેની પાંચમી સદી ફટકારી હતી. તે પાંચ સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો હતો. તેણે સૂર્યકુમાર યાદવ અને ગ્લેન મેક્સવેલને પાછળ છોડી દીધા. સૂર્યકુમાર અને મેક્સવેલના નામે ચાર-ચાર સદી છે. કેપ્ટન તરીકે, હિટમેન T20માં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો. તેણે 54 મેચમાં ટીમની કેપ્ટનશીપ કરી છે. કેપ્ટન તરીકે તેના ખાતામાં 1648 રન હતા. કોહલી આ મામલે ટોચ પર હતો.
રોહિત શર્મા કેપ્ટન તરીકે આંતરરાષ્ટ્રીય ટી-20માં સૌથી વધુ સિક્સર મારનાર ખેલાડી બની ગયો છે. આ મામલામાં તેણે ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન ઈયોન મોર્ગનનો રેકોર્ડ તોડ્યો હતો. ઈંગ્લેન્ડ માટે મોર્ગને 86 સિક્સર ફટકારી હતી. રોહિત શર્માએ 90 સિક્સર ફટકારી છે. ઓસ્ટ્રેલિયાના એરોન ફિન્ચે 82 સિક્સ ફટકારી હતી.
રોહિત શર્માએ રિંકુ સિંહ સાથે મળીને અણનમ 190 રનની ભાગીદારી કરી હતી. ટીમ ઈન્ડિયા માટે T20માં કોઈપણ વિકેટ માટે આ સૌથી મોટી ભાગીદારી છે. બંનેએ સાથે મળીને સંજુ સેમસન અને દીપક હુડ્ડાનો રેકોર્ડ તોડ્યો હતો. સેમસન અને હૂડાએ 2022માં ડબલિનમાં આયર્લેન્ડ સામે 176 રન જોડ્યા હતા.
આંતરરાષ્ટ્રીય ટી20ના ઈતિહાસમાં પહેલીવાર ડબલ સુપ ઓવર રમાઈ હતી. પ્રથમ સુપર ઓવરમાં અફઘાનિસ્તાનની ટીમે 1 વિકેટ ગુમાવીને 16 રન બનાવ્યા. ટીમ ઈન્ડિયા 17 રનના ટાર્ગેટ સામે 16 રન બનાવી શકી જેને કારણે સુપર ઓવર ટાઈ થઈ. બીજી સુપર ઓવરમાં ટીમ ઈન્ડિયાએ 2 વિકેટ ગુમાવીને 12 રનનો ટાર્ગેટ આપ્યો. રવિ બિશ્નોઈની ઓવરમાં અફઘાનિસ્તાનની ટીમ 2 વિકેટ ગુમાવીને માત્ર 1 રન બનાવી શકી.
આ પણ વાંચો : રિષભ પંતે 20 મિનિટમાં આપ્યું ખાસ અપડેટ, કોહલી-રોહિત સાથે કરી મસ્તી
Published On - 11:29 pm, Wed, 17 January 24