ભારતની મહિલા ક્રિકેટ ટીમ (Indian Women Cricket Team) ની બે મોટી ખેલાડીને મંગળવારે આઈસીસીએ જાહેર થયેલ વન-ડે રેન્કિંગમાં નુકસાન થયું છે. વન-ડે ટીમની સુકાની મિતાલ રાજ (Mithali Raj) અને ઓપનર સ્મૃતિ માંધના (Smritu Mandhana) ને રેન્કિંગમાં નુકસાન થયું છે. મિતાલી રાજ હવે ચોથા ક્રમે આવી ગઇ છે. તો સ્મૃતિ માંધના 10માં સ્થાન પર ધકેલાઇ ગઇ છે. મિતાલી રાજના હાલ 718 પોઇન્ટ છે. જ્યારે સ્મૃતિ મંધનાના 670 પોઇન્ટ છે. આ બંને ખેલાડીઓ હાલ વન-ડે ટીમનો ભાગ છે.
પાકિસ્તાન સામે રમાયેલ પહેલી મેચમાં મિતાલી રાજ 9 રન બનાવીને આઉટ થઇ ગઇ હતી. જ્યારે સ્મુતિ મંધનાએ 52 બોલમાં 75 રન બનાવ્યા હતા. આ મેચમાં ભારતે શાનદાર પ્રદર્શન કરતા જીત મેળવી હતી. ભારતની હવે પછીની મેચ ગુરૂવારે ન્યુઝીલેન્ડ સામે રમાવાની છે.
પાકિસ્તાન સામેની મેચમાં ભારતને મુશ્કેલ સ્થિતિમાંથી બહાર લાવનાર સ્નેહ રાણા અને પુજાને રેન્કિંગમાં ફાયદો થયો છે. સ્નેહ રાણાએ 53 રનની અણનમ ઇનિંગ રમી હતી અને પુજાએ 67 રનની ઇનિંગ રમી હતી. આ બંને ખેલાડીઓ અને કારકિર્દીની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ મેળવી છે. પુજા 64માં સ્થાન પર આવી ગઇ છે. જોકે સ્નેહ રાણા હજુ ટોપ 100 માં આવી નથી.
અનુભવી ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામી બોલિંગ રેન્કિંગમાં ચોથા સ્થાન પર છે. તો સ્પિનર દીપ્તિ શર્મા ઓલરાઉન્ડરના રેન્કિંગમાં એક સ્થાનના નુકસાન સાથે છઠ્ઠા સ્થાન પર પહોંચી ગઇ છે. વિશ્વ કપમાં શરૂઆતની પાંચ મેચ બાદ ઘણા ઉતાર-ચડાવ જોવા મળ્યા છે. ઓસ્ટ્રેલિયાની સુકાની મેગ લેનિંગ બેટિંગ રેન્કિંગમાં બે સ્થાન આગળ આવી ગઇ છે. હવે તે પહેલા સ્થાન પર રહેનાર ઓસ્ટ્રેલિયા ટીમની તેની સાથીદાર એલિસા હિલીથી એક સ્થાન અને 15 પોઇન્ટ પાછળ છે.
મેગ લેનિંગે પહેલી મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડ સામે 110 બોલમાં 86 રનની ઇનિંગ રમી હતી. આ મેચમાં ટીમને જીત મળી હતી. 131 બોલમાં 130 રન બનાવનાર હાયનેસ છ સ્થાનના ફાયદા સાથે ટોપ 10 માં આવી ગઇ છે. તે સાતમાં સ્થાન પર પહોંચી ગઇ છે. નેટ સ્કાઇવર પાંચ સ્થાનના ફાયદા સાથે છઠ્ઠા સ્થાન પર આવી ગઇ છે.
વેસ્ટ ઇન્ડિઝની હેલે મેથ્યુજને બેટિંગ, બોલિંગ અને ઓલરાઉન્ડર એમ ત્રણેય રેન્કિંગમાં ફાયદો થયો છે. ન્યુઝીલેન્ડ સામે રમાયેલી મેચમાં તેણે દમદાર પ્રદર્શન કર્યું હતું અને પ્લેયર ઓફ ધ મેચ બની હતી. તેણે 119 રન બનાવ્યા હતા અને ત્રણ વિકેટ ઝડપી હતી. આ ઓલરાઉન્ડરની રેન્કિંગમાં તે ટોપ-5 માં આવી ગઇ છે. તે છ સ્થાનના ફાયદા સાથે ચોથા સ્થાને પહોંચી ગઇ છે. બેટિંગ રેન્કિંગમાં તે 12 સ્થાનના છલાંગ સાથે 20માં નંબર પર પહોંચી ગઇ છે. બોલરોના રેન્કિંગમાં તે 3 સ્થાન આગળના ફાયદા સાથે 10માં ક્રમ પર પહોંચી ગઇ છે.
આ પણ વાંચો : Women’s World Cup 2022: પાકિસ્તાને ભારત બાદ ઓસ્ટ્રેલિયા સામે પણ મેળવી હાર, ટૂર્નામેન્ટમાંથી બહાર થવાની અણી પર
Published On - 6:57 pm, Tue, 8 March 22