
2027ના ODI વર્લ્ડ કપનું આયોજન કરનારા ત્રણ દેશો – નામિબિયા, ઝિમ્બાબ્વે અને દક્ષિણ આફ્રિકા હાલમાં T20 શ્રેણી રમી રહ્યા છે. આ ત્રિકોણીય T20 શ્રેણીનો ત્રીજો મુકાબલો ઝિમ્બાબ્વે અને નામિબિયા વચ્ચે 31 ઓગસ્ટના રોજ રમાયો હતો. આ મેચમાં બેટ્સમેનોનો દબદબો જોવા મળ્યો હતો. આ મેચમાં T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સાતમી વિકેટની સૌથી મોટી ભાગીદારીનો વર્લ્ડ રેકોર્ડ બે વખત તૂટ્યો હતો.
ઝિમ્બાબ્વેએ પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 6 વિકેટે 195 રન બનાવ્યા હતા. ટીમ માટે રાયન બર્લ અને બ્રેડ ઇવાન્સે શાનદાર બેટિંગ કરી હતી. બંનેએ સાતમી વિકેટ માટે અણનમ 94 રનની ભાગીદારી કરી હતી. આ સાથે તેમણે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સાતમી વિકેટની સૌથી મોટી ભાગીદારીનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.
આ પહેલા આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના ડેનિયલ સેમ્સ અને માર્કસ સ્ટોઇનિસના નામે હતો. બંનેએ 2021માં ન્યૂઝીલેન્ડ સામે સાતમી વિકેટ માટે 92 રનની ભાગીદારી કરી હતી. જોકે, ઝિમ્બાબ્વેના રાયન બર્લ અને બ્રેડ ઇવાન્સે 94 રનની ભાગીદારી કરીને આ રેકોર્ડ તોડી નાખ્યો હતો.
પરંતુ મેચમાં રેકોર્ડ તૂટવાની કહાની અહીં પૂરી થઈ નહોતી. 196 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી નામિબિયાની ટીમે પણ સાતમી વિકેટ માટે શાનદાર ભાગીદારી કરી. ઝેન ગ્રીન અને બુઇસિંગ વોલ્ચેન્કે 110 રન ઉમેરીને ઝિમ્બાબ્વેનો થોડા સમય પહેલાં જ બનેલો વર્લ્ડ રેકોર્ડ ફરી તોડી નાખ્યો હતો.
નામિબિયાની આ જોડીની શાનદાર ભાગીદારી છતાં ટીમને જીત મળી શકી નહીં. નામિબિયાની ટીમ 20 ઓવરમાં 190 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ સાથે ઝિમ્બાબ્વેએ રોમાંચક મુકાબલો માત્ર 5 રનથી જીતી લીધો હતો. આમ, એક જ T20 મેચમાં સાતમી વિકેટની ભાગીદારીનો વર્લ્ડ રેકોર્ડ બે વખત તૂટ્યો અને મેચ પણ અંતિમ ઓવર સુધી રોમાંચક રહી.
Published On - 7:40 pm, Tue, 1 September 26