
ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામેની વનડે શ્રેણી માટે ટીમની જાહેરાત કરી છે. આ ટીમમાં શુભમન ગિલ અને શ્રેયસ અય્યરનું પુનરાગમન થયું છે, જ્યારે મોહમ્મદ સિરાજ પણ ફરી એકવાર ટીમમાં સામેલ થયા છે. જોકે, સૌથી મોટું આશ્ચર્ય એ રહ્યું કે હાર્દિક પંડ્યાનું નામ ટીમમાંથી બહાર રાખવામાં આવ્યું છે. મહત્વની વાત એ છે કે ટીમ મેનેજમેન્ટ હાર્દિક પંડ્યાને ODI શ્રેણી માટે ઇચ્છતી હતી, પરંતુ BCCI એ સાવચેતીના પગલા તરીકે તેને પસંદગીમાં સામેલ કર્યો નથી.
ટીમની જાહેરાત બાદ BCCI એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર હાર્દિક પંડ્યાને લઈને સ્પષ્ટતા કરી હતી. BCCI એ જણાવ્યું હતું કે BCCI CoE (Center of Excellence) તરફથી હાર્દિક પંડ્યાને એક મેચમાં 10 ઓવર બોલિંગ કરવાની મંજૂરી આપવામાં આવી નથી. આ કારણે તેને ODI શ્રેણી માટે પસંદ કરવામાં આવ્યો નથી. સાથે જ, આવનારા T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને તેના વર્કલોડનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.
હાર્દિક પંડ્યા હાલ ઉત્તમ ફોર્મમાં છે. શનિવારે રમાયેલી વિજય હજારે ટ્રોફીની મેચમાં તેણે વિદર્ભ સામે શાનદાર સદી ફટકારી હતી. નંબર 7 પર બેટિંગ કરતા પંડ્યાએ 92 બોલમાં 11 છગ્ગા અને 8 ચોગ્ગાની મદદથી 133 રન બનાવ્યા હતા. જોકે, તેના આ શાનદાર પ્રદર્શન છતાં બરોડા ટીમને 9 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો.
આ મેચમાં હાર્દિક પંડ્યાએ બોલિંગ પણ કરી હતી, જેમાં તેણે 2 ઓવર નાખી 15 રન આપ્યા હતા. ત્યારબાદ તેને બોલિંગ આક્રમણમાંથી દૂર રાખવામાં આવ્યો હતો, જે તેના વર્કલોડ મેનેજમેન્ટનો જ એક ભાગ માનવામાં આવી રહ્યો છે.
ન્યૂઝીલેન્ડ સામેની વનડે શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ ટીમનું નેતૃત્વ શુભમન ગિલ કરશે. ટીમમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, વોશિંગ્ટન સુંદર, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, હર્ષિત રાણા, પ્રસિદ્ધ કૃષ્ણ, કુલદીપ યાદવ, ઋષભ પંત, નીતીશ કુમાર, અરવિષ રેડ્ડી અને અરવિંદ સિંહનો સમાવેશ થાય છે.
Published On - 7:56 pm, Sun, 4 January 26