
ભારતીય ક્રિકેટમાં ફાસ્ટ બોલરોની શોધ એક શાશ્વત પ્રક્રિયા છે, અને હવે એક નવું નામ ઝડપથી ચર્ચામાં આવ્યુ છે: ગુરનૂર બ્રાર. BCCIના ચીફ સિલેક્ટર અજિત અગરકરે પંજાબના આ લાંબા-મજબુત ફાસ્ટ બોલરને “ભવિષ્ય ની સંભાવના” ગણાવ્યો છે. છ ફૂટ પાંચ ઇંચ ઊંચો, બ્રાર તેની રફ્તાર, બાઉન્સ અને રિવર્સ સ્વિંગ કરવાની ક્ષમતાથી સતત પ્રભાવિત કરી રહ્યા છે.
TOI ના અહેવાલ મુજબ, ક્રિકેટ ગુરનૂરનો પહેલો પ્રેમ નહોતો. શાળાના દિવસોમાં તે ફૂટબોલ અને ટેનિસ રમતો હતો; ક્રિકેટ ફક્ત મનોરંજન હતું. જોકે, એક મિત્રની સલાહથી તેનું જીવન બદલાઈ ગયું. તેના મિત્રએ સૂચવ્યું કે, તેના ઊંચા કદને કારણે, તે એક ઉત્તમ ફાસ્ટ બોલર બની શકે છે. આ પછી, 16 વર્ષની ઉંમરે, બ્રારે ક્રિકેટનો બોલ ઉપાડ્યો અને પછી ક્યારેય પાછળ વળીને ન જોયુ.
બાળપણથી, ગુરનુર દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ફાસ્ટ બોલર ડેલ સ્ટેઈનનો ખૂબ મોટો ચાહક રહ્યો છે. તે ઘણીવાર રસ્તો ક્રોસ કરતી વખતે પણ સ્ટેઈન, બ્રેટ લી અને શોએબ અખ્તરની બોલિંગ એક્શનની નકલ કરતો. બ્રારે નોંધ્યું કે સ્ટેનની ગતિ અને સ્કિલનું મિશ્રણ તેને બાકીના લોકોથી અલગ પાડે છે. આ જ કારણ છે કે તેણે ઝડપી બોલિંગ કરવાનું પસંદ કર્યું.
માત્ર બે વર્ષ ક્રિકેટ રમ્યા પછી, બ્રાર શુભમન ગિલને મળ્યો. તે સમયે, ગિલ ભારતીય અંડર-19 ટીમનો સભ્ય હતો. ગિલે કટોચ શીલ્ડ મેચ દરમિયાન બ્રારને બોલિંગ કરતા જોયો અને ખૂબ જ પ્રભાવિત થયો. કટોચ શીલ્ડ પંજાબ ક્રિકેટ એસોસિએશન (PCA) દ્વારા આયોજિત એક પ્રખ્યાત, મલ્ટી ડે સીનિયર પુરુષ ક્રિકેટ ટુર્નામેન્ટ છે જેનો ઉદ્દેશ્ય પંજાબ, ભારતમાં શ્રેષ્ઠ ઈન્ટર ડિસ્ટ્રીક્ટ ટીમને પસંદ કરવાનો છે.
ગિલની ભલામણને પગલે, બ્રારે તેની જિલ્લા ટીમમાં સ્થાન મેળવ્યું. ત્યારબાદ, તે મોહાલી માટે રમ્યો અને આખરે પંજાબ અંડર-23 ટીમમાં સ્થાન મેળવ્યું.
ગુર્જુરે 2021 માં પંજાબ માટે લિસ્ટ A માં ડેબ્યૂ કર્યું અને તે પછીના વર્ષે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ રમ્યો. જોકે તેના આંકડા ખાસ શાનદાર ન હતા, પરંતુ તેની પેસ એ IPL ફ્રેન્ચાઇઝીઓનું ધ્યાન ખેંચ્યું. પંજાબ કિંગ્સે તેને નેટ બોલર તરીકે કરારબદ્ધ કર્યો. આ કાર્યકાળ દરમિયાન જ તેણે શિખર ધવનને તેની ઝડપી ગતિથી પ્રભાવિત કર્યો.
બ્રારના જણાવ્યા મુજબ, ધવને તેમને કહ્યું હતું કે તે આખી સીઝન માટે ટીમ સાથે રહેશે. ત્યારબાદ, તેમને રાજ અંગદ બાવાના સ્થાને ટીમમાં સામેલ કરવામાં આવ્યા.
ગુરનુર બ્રારને લખનૌ સામે IPL ડેબ્યૂ કરવાની તક મળી. એક નોંધપાત્ર વાત એ હતી કે, ટોસ સમયે, શિખર ધવને તેમને કહ્યું કે તે નવા બોલથી પહેલી ઓવર ફેંકશે.
અર્શદીપ સિંહ, કાગીસો રબાડા અને સેમ કુરન જેવા ટોચના બોલરોની વચ્ચે નવો બોલ મેળવવો એ બ્રાર માટે આત્મવિશ્વાસ વધારવામાં મોટો ફાળો આપ્યો. તેણે તેની શરૂઆતની ઓવરમાં ફક્ત બે રન આપ્યા. જોકે, બીજી ઓવરમાં, નો-બોલ અને ત્યારબાદ ફ્રી હિટ પર તેને સતત છગ્ગા ફટકારવામાં આવ્યા. તે જ ક્ષણે તેને સમજાયું કે માત્ર ગતિ પૂરતી નથી.
બ્રારે ટિપ્પણી કરી, “આજના બેટ્સમેન 155 kmph ની ઝડપે બોલ ફેંકવાથી પણ ડરતા નથી. તમારે તમારી રણનીતિ બનાવવી પડશે.”
આઈપીએલ પછી, બ્રારને શેર-એ-પંજાબ ટ્રોફી દરમિયાન ડિસ્ક બલ્ઝનો સામનો કરવો પડ્યો, જે ઈજા પછીથી ફ્રેક્ચરમાં પરિણમી. આ ઈજાના પરિણામે, તે સમગ્ર 2023-24 સીઝનમાં ભાગ લઈ શક્યો ન હતો. તેણે સ્વીકાર્યું કે તેનામાં વર્કલોડ મેનેજમેન્ટ અને રિકવરી પ્રોટોકોલ અંગે જાગૃતિનો અભાવ હતો; વધુ પડતા બોલિંગ લોડ અને અપૂરતા રિકવરી સમયને કારણે ઈજા વધુ ખરાબ થઈ હતી.
જ્યારે બ્રાર ઈજાને કારણે બહાર થઈ ગયો હતો અને તેની પાસે IPL કરાર પણ નહોતો, ત્યારે શુભમન ગિલે તેને ગુજરાત ટાઇટન્સમાં નેટ બોલર તરીકે જોડાવાની તક આપી. ગિલે તેને કહ્યું, “તુ જા – ત્યાં ઘણું શીખશે.” આ જ સમયે બ્રારની કારકિર્દીએ એક નવી દિશા મળી.
ગુજરાતમાં આશિષ નેહરા બ્રારને માત્ર બોલિંગ પર માર્ગદર્શન નહોતા આપતા, પરંતુ બોડી મેનેજમેન્ટનું મહત્વ પણ સમજાવ્યુ. નેહરા વારંવાર પોતાની ઈન્જરીના કિસ્સાઓ કહેતા અને જણાવતા કે વર્કલોડ બેલેન્સ કરવુ કેટલુ જરૂરી છે.તેમણે શીખવ્યુ કે મહેનત જરૂરી છે પરંતુ એ સાથે શરીરનું સાંભળવુ પણ એટલુ જ જરૂરી છે.