જેમ-જેમ એશિયા કપ (Asia Cup 2023) અને વર્લ્ડ કપ (World Cup 2023) નજીક આવી રહ્યા છે તેમ તેમ ટીમ ઈન્ડિયાની તાકાત વધી રહી છે. પહેલા જસપ્રિત બુમરાહ અને પ્રસિદ્ધ કૃષ્ણા ફિટ થયા હતા અને હવે કેએલ રાહુલ (KL Rahul) પણ સંપૂર્ણ રીતે ફિટ થઈ ગયો છે. કેએલ રાહુલે બુધવારે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં આ ખેલાડીએ દમદાર પ્રેક્ટિસ કરી વિરોધીઓને ચેતવણી આપી છે.
હકીકતમાં, કેએલ રાહુલના આ વીડિયોમાં તે માત્ર બેટિંગ પ્રેક્ટિસ જ નહીં પરંતુ વિકેટકીપિંગની પ્રેક્ટિસ પણ કરતો જોવા મળી રહ્યો છે. કેએલ રાહુલ આ વીડિયોમાં વિકેટકીપરની તમામ પ્રેક્ટિસ કરી રહ્યો છે. તે ખૂબ જ સારી લયમાં દેખાઈ રહ્યો છે. એટલું જ નહીં આ ખેલાડી ડાઈવિંગ કરીને બોલ પણ પકડી રહ્યો છે. તે સ્પષ્ટ છે કે કેએલ રાહુલ હવે સુપરફિટ થઈ ગયો છે અને હવે આ ખેલાડી ટીમમાં કમબેક કરવા માટે તૈયાર છે.
કેએલ રાહુલ એશિયા કપમાં રમતો જોવા મળશે. એવું માનવામાં આવતું હતું કે એશિયા કપ પહેલા કેએલ રાહુલ મેચ પ્રેક્ટિસ માટે આયર્લેન્ડના પ્રવાસે જઈ શકે છે પરંતુ પસંદગીકારોની વિચારસરણી અલગ છે. હવે રાહુલ 30 ઓગસ્ટથી શ્રીલંકામાં શરૂ થઈ રહેલા એશિયા કપમાં રમતો જોવા મળશે. મોટી વાત એ છે કે ભારતે આ ટૂર્નામેન્ટમાં પહેલી મેચ પાકિસ્તાન સામે જ રમવાની છે. બંને ટીમો 2 સપ્ટેમ્બરે ટકરાશે.
કેએલ રાહુલની ફિટનેસ ટીમ ઈન્ડિયા માટે મોટા અને સારા સમાચાર છે. કારણ કે કેએલ રાહુલ વનડે ફોર્મેટમાં નંબર 5 પર રમવાની સાથે સાથે વિકેટકીપિંગની પણ ભૂમિકા નિભાવશે. તમને જણાવી દઈએ કે જે વનડેમાં કેએલ રાહુલ પાંચમા નંબર પર ઉતર્યો છે, તે તમામમાં તેના બેટથી રનનો વરસાદ થતો જોવા મળ્યો છે. રાહુલે વિકેટકીપર બેટ્સમેન તરીકે 16 મેચમાં 60.6ની સરેરાશથી 728 રન બનાવ્યા છે. એટલું જ નહીં તેનો સ્ટ્રાઈક રેટ પણ 100થી વધુ છે. તે સ્પષ્ટ છે કે જ્યારે રાહુલ વિકેટ કીપર હોય છે ત્યારે તે પીચના મૂડને સમજે છે અને તેની બેટિંગમાં ચમક આવે છે.