
ભારતીય ક્રિકેટ ટીમ હાલના દિવસોમાં ઇંગ્લેન્ડના પ્રવાસે છે. ભારતીય ક્રિકેટ ટીમના કેટલાક ખેલાડીઓની ઇજાને લઈને ભારતીય ટીમની ચિંતા વધારી મૂકી છે. શ્રેણીમાં પહેલાથી જ 2-1થી પાછળ રહી ગયેલી ભારતની ટીમના ઘણા ખેલાડીઓ ઈજાગ્રસ્ત છે. ઋષભ પંત પછી, અર્શદીપ સિંહ અને હવે આકાશદીપને પ્રેકટીસ દરમિયાન ઇજા થઈ છે. ઈજાગ્રસ્ત ખેલાડીઓને કારણે ઈંગ્લેન્ડની ધરતી પર ચોથી ટેસ્ટમાં ભારતના પાછા ફરવાના માર્ગમાં અવરોધ સર્જાયો છે.
આવી સ્થિતિમાં, અંશુલ કંબોજને બેકઅપ પેસર તરીકે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. હરિયાણાના આ જમણા હાથના ફાસ્ટ બોલર આકાશ દીપ અને અર્શદીપ સિંહને ઈજા થવાના કારણે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
એજબેસ્ટનનો હીરો આકાશ ઈજામાંથી સ્વસ્થ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, તે માન્ચેસ્ટરમાં રમાનારી ચોથી ટેસ્ટમાંથી બહાર થઈ શકે છે. લોર્ડ્સમાં બીજી ઇનિંગમાં હેરી બ્રુકને આઉટ કરનાર આકાશ, ઇંગ્લેન્ડની ઇનિંગની 30મી ઓવર ફેંક્યા પછી થોડો દુખાવો થતો જોવા મળ્યો. તે કમર ઉપર હાથ દબાવીને ધીમે ધીમે પેવેલિયન તરફ ચાલતો જોવા મળ્યો.
આ પછી તે મેદાન છોડી ગયો. આકાશ થોડા સમય પછી મેદાનમાં પાછો ફર્યો, પરંતુ તેણે વધુ ઓવર ફેંકી નહીં. દિવસના અંતે ત્રણ વિકેટ પડ્યા પછી તે નાઈટ વોચમેન તરીકે બેટિંગ કરવા પણ મેદાનમાં આવ્યો અને 11 બોલ રમ્યો. અર્શદીપ ચોથી ટેસ્ટમાં ડેબ્યૂ કરી શક્યો હોત, પરંતુ તે પ્રેક્ટિસ દરમિયાન પણ ઘાયલ થયો હતો. ગુરુવારે નેટ સત્ર દરમિયાન ફોલો-થ્રુ પર સાઈ સુદર્શનના બોલને રોકતી વખતે તેને હાથની આગળી પર ઈજા થઈ હતી.
ઈંગ્લેન્ડ લાયન્સ સામે ઈન્ડિયા એ માટે બે મેચમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ કંબોજ બ્રિટન પરત ફર્યા છે. કંબોજે ઈંગ્લેન્ડ લાયન્સ સામે 2 મેચની 3 ઇનિંગ્સમાં 10 થી વધુ ઓવર બોલિંગ કરી અને 5 વિકેટ લીધી. એટલું જ નહીં, તેમણે 51 રન પણ બનાવ્યા. આવી સ્થિતિમાં, જો આકાશ દીપ અને અર્શદીપ સિંહ ચોથી ટેસ્ટ નહીં રમે, તો અંશુલ કંબોજને ડેબ્યૂ કરવાની તક મળી શકે છે.