
IPL 2026 સિઝન માટે ઓક્શન 16 ડિસેમ્બરે અબુ ધાબીમાં યોજાશે. જોકે, આ ઓક્શન પહેલા ઘણા ખેલાડીઓએ IPLમાંથી નિવૃત્તિ લેવાની અથવા છોડવાની જાહેરાત કરી છે. હવે વધુ એક ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી છે.
પોતપોતાની ફ્રેન્ચાઇઝીમાંથી મુક્ત થયેલા કેટલાક સ્ટાર ખેલાડીઓએ આ વખતે ઓક્શનમાં ભાગ ન લેવાનો નિર્ણય લીધો છે. જોકે, એક ભૂતપૂર્વ ભારતીય બોલરે IPL સહિત ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ટીમ ઇન્ડિયા માટે વર્લ્ડ કપ રમનાર અને વિવિધ IPL ફ્રેન્ચાઇઝીનો ભાગ રહેનાર મોહિતે ક્રિકેટના તમામ ફોર્મેટ અને સ્તરોમાંથી નિવૃત્તિ લીધી છે.
હરિયાણાના ફરીદાબાદના રહેવાસી મોહિત શર્માએ બુધવાર, 3 ડિસેમ્બરના રોજ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પોસ્ટ કરેલા એક નિવેદનમાં નિવૃત્તિની જાહેરાત કરી. મોહિતે પોતાના નિવેદનમાં કહ્યું, “આજે, ભારે હૃદય સાથે, હું ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરું છું. હરિયાણાનું પ્રતિનિધિત્વ કરવાથી લઈને ભારતીય જર્સી પહેરવા અને IPLમાં રમવા સુધી, આ સફર કોઈ આશીર્વાદથી ઓછી રહી નથી.”
MOHIT SHARMA ANNOUNCED HIS RETIREMENT FROM ALL FORMS OF CRICKET pic.twitter.com/0sjeTOCwwP
— Johns. (@CricCrazyJohns) December 3, 2025
37 વર્ષીય મોહિત ગયા IPL સિઝનમાં દિલ્હી કેપિટલ્સનો ભાગ હતો, પરંતુ ફ્રેન્ચાઇઝીએ આ વખતે તેને રિલીઝ કર્યો હતો. ત્યારબાદ તેને ઓક્શનમાં પ્રવેશ કરીને લીગમાં પાછા ફરવાની તક મળી શકી હોટ, પરંતુ તે પહેલા જ મોહિતે નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો હતો. પોતાના નિર્ણય વિશે જણાવતા મોહિતે હરિયાણા ક્રિકેટ એસોસિએશનનો તક આપવા બદલ આભાર વ્યક્ત કર્યો.
તેણે એમ પણ લખ્યું, “BCCI, મારા કોચ, મારા સાથી ખેલાડીઓ, IPL ફ્રેન્ચાઇઝી, સપોર્ટ સ્ટાફ અને મારા મિત્રોનો તેમના સતત પ્રેમ અને સમર્થન બદલ આભાર.” મોહિતે આ સફરના ઉતાર-ચઢાવમાં સાથ આપવા બદલ તેની પત્નીનો પણ આભાર માન્યો અને ભવિષ્યમાં તે રમતમાં કંઈક યોગદાન આપી શકે તેવી આશા વ્યક્ત કરી.
મોહિતની કારકિર્દી 2011 માં શરૂ થઈ હતી જ્યારે તેણે હરિયાણા માટે રણજી ટ્રોફીમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે 2013 માં ODI ફોર્મેટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો, અને તે MS ધોનીની કેપ્ટનશીપ હેઠળ થોડા સમય માટે ODI ટીમનો મુખ્ય ભાગ હતો. આ સમય દરમિયાન, તે 2015 ના વર્લ્ડ કપમાં ભારતીય બોલિંગ આક્રમણનો આધાર હતો, તેણે ટુર્નામેન્ટમાં 13 વિકેટ લીધી હતી.
મોહિતે ટીમ ઈન્ડિયા માટે કુલ 34 વનડે અને T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી, જેમાં 37 વિકેટ લીધી હતી. પોતાની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીમાં, મોહિતે 44 મેચ રમી હતી અને 127 વિકેટ લીધી હતી. મોહિત IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ, પંજાબ કિંગ્સ, ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ માટે 120 મેચ રમ્યો હતો, જેમાં કુલ 134 વિકેટ લીધી હતી.
આ પણ વાંચો: 740 દિવસથી નથી જીતી ટીમ ઈન્ડિયા, સતત હારનો બનાવી દીધો શરમજનક રેકોર્ડ