આ વખતે Marylebone Cricket Club (MCC) માં આવું કંઇક બન્યું છે, જે છેલ્લા 234 વર્ષના ઇતિહાસમાં થયું નથી. MCC ના નવા અધ્યક્ષની પસંદગી કરવામાં આવી છે. આ પદની જવાબદારી ઈંગ્લેન્ડની મહિલા ટીમને એશિઝ સુધી પહોંચાડનાર કેપ્ટન ક્લેયર કોનોર (Clare Connor) પર આવી છે. તે લોર્ડ્સ ખાતે MCC ની જવાબદારી સંભાળશે. ક્લબના 234 વર્ષના ઇતિહાસમાં આ પ્રથમ વખત છે, જ્યારે કોઈ મહિલા MCC ના અધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવી હોય.
કોનોર ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) માં મહિલા ક્રિકેટના ડિરેક્ટર પણ રહી ચૂક્યા છે. તેમને 2020 માં યોજાયેલી MCC ની AGM માં આ ભૂમિકા માટે નામાંકિત કરવામાં આવ્યા હતા. પરંતુ કોવિડ-19 ને કારણે તેમનો કાર્યકાળ મોડો શરૂ થયો હતો. કુમાર સંગાકારા તેમની પહેલા આ પોસ્ટ પર હતા.
એક મીડિયા રિપોર્ટમાં કોનોરને ટાંકીને કહ્યું કે, MCC ના પ્રમુખ બનવાથી હું ખૂબ જ ખુશ અને સન્માનિત છું. આ માટે હું કુમાર સંગાકારાનો આભાર માનવા માંગુ છું. જેમણે મારામાં વિશ્વાસ મૂક્યો, જેથી હું જે રમતને સૌથી વધુ ચાહું છું તેના માટે હું સારું કરી શકું. હું ડ્રેસિંગ રૂમ અને બોર્ડરૂમમાં મેળવેલા અનુભવનો પૂરેપૂરો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરીશ. જેથી હું ક્લબને ટેકો આપી શકું અને બાકીના લોકો સાથે આગામી 12 મહિના સારી રીતે કામ કરી શકું. હું MCC ટીમનો ભાગ બનીને ખુશ છું.
કોનોરે 1995 માં 19 વર્ષની ઉંમરે ઇંગ્લેન્ડ માટે ડેબ્યૂ કર્યું હતું. તે 2000 માં ટીમની કેપ્ટન બની હતી. તેણે એક વર્ષ બાદ લોર્ડ્સ ખાતે ઓસ્ટ્રેલિયા સામે ઇંગ્લેન્ડની કેપ્ટનશીપ કરી હતી. તે લેફ્ટ આર્મ સ્પિન બોલર હતી. તેમની કેપ્ટનશીપ હેઠળ ઈંગ્લેન્ડે 2005 માં એશિઝ શ્રેણી 1-0 થી જીતી હતી. આ સાથે, તેણે 42 વર્ષોમાં પ્રથમ વખત તેની કેપ્ટનશીપ હેઠળ ઇંગ્લેન્ડને એશિઝ ટ્રોફી અપાવી હતી. આ શ્રેણી બાદ તે નિવૃત્ત થઈ હતી. 2009 માં, તે MCC ની માનદ આજીવન સભ્ય બની. તેણે 2014 માં ક્રિકેટ એડમિનિસ્ટ્રેશનમાં પહેલું પગલું ભર્યું હતું. ECB પહેલા, તે ICC માં પણ હતી. તે 2011 થી ICC મહિલા ક્રિકેટ સમિતિના અધ્યક્ષ તેમજ સસેક્સ ક્રિકેટના બોર્ડમાં ડિરેક્ટર છે.
MCC એ એમ પણ કહ્યું છે કે, બ્રુસ કાર્નેગી બ્રાઉન ક્લબના નવા અધ્યક્ષ બનશે. તે જેરાલ્ડ કોર્બેટની જગ્યા લેશે. તેઓ છ વર્ષ સુધી આ પદ પર હતા અને તેમનો કાર્યકાળ 30 સપ્ટેમ્બર 2021 ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. હાલમાં તે લોયડ્સ ઓફ લંડનના ચેરમેન છે. તેઓ સેન્ટેન્ડર બેંકિંગ ગ્રુપના વાઇસ ચેરમેન પણ છે. તેઓ 1997 થી MCC ના પૂર્ણ સમયના સભ્ય છે.