
રમત જગત માટે શરમજનક ઘટના સામે આવી છે. જમ્મુ-કાશ્મીરની મહિલા ક્રિકેટર ફરખંદા ખાન (30) અને તેના સાથીદારોએ મળીને મુંબઈના એક બિઝનેસમેનને પોતાની માયાજાળમાં ફસાવી તેની પાસેથી લાખો રૂપિયાની છેતરપિંડી આચરી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે આ મામલે કડક કાર્યવાહી કરીને ક્રિકેટર, તેના ભાઈ બાઝિલ ખાન (27) અને ઈમ્તિયાઝ વાણી (22)ની ધરપકડ કરી છે.
તપાસમાં બહાર આવ્યું છે કે વર્ષ 2024માં કોલાબાના 28 વર્ષીય વેપારી સાથે ફરખંદા ખાનનો ચેટિંગ દ્વારા સંપર્ક થયો હતો. વાતો-વાતોમાં સંબંધો આગળ વધ્યા અને બંને વચ્ચે કેટલીક ખાનગી (અશ્લીલ) વાતો પણ થઈ હતી. આ જ ચેટનો ઉપયોગ કરીને ફરખંદાએ વેપારીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું.
મુંબઈ પોલીસની તપાસમાં સેક્સટોર્શનના આ ખેલમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. પોલીસ રિપોર્ટ અનુસાર, આરોપીઓના દબાણ અને ધમકીઓને વશ થઈને વેપારીએ 30 એપ્રિલ 2024 થી 13 જાન્યુઆરી 2026 વચ્ચે 32 અલગ-અલગ બેંક ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ 23.61 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આ રકમનો મોટો હિસ્સો ઉદ્દીન ઈમ્તિયાઝ વાણીના ખાતામાં મોકલવામાં આવ્યો હતો, જ્યારે કેટલીક રકમ ફરખંદાના પિતા અબ્દુલ અજીઝ ખાનના ખાતામાં પણ જમા થઈ હતી. પોલીસ હવે આ તમામ બેંક ખાતાઓની કડક તપાસ કરી રહી છે જેથી નાણાકીય લેવડદેવડનું આખું નેટવર્ક પકડી શકાય.
ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં મોટો ખુલાસો થયો છે કે મામલો અહીં જ ન અટક્યો, ફરખંદાના ભાઈ બાઝિલ ખાન અને તેના સાથીદાર વાણીએ વેપારીને ખાનગી ચેટના સ્ક્રીનશોટ બતાવી જેલ મોકલી દેવાની ધમકી આપી હતી. આ સતત મળતી ધમકીઓથી ફફડી ઉઠેલા ફરિયાદીએ જાન્યુઆરી 2026માં વધારાના 40 લાખ રૂપિયા આરોપીઓને ટ્રાન્સફર કરી દીધા હતા. આ સમગ્ર કેસમાં પ્રથમ ટ્રાન્ઝેક્શન એપ્રિલ 2024માં માત્ર 20 હજાર રૂપિયાનું થયું હતું, જે છેલ્લે 63 લાખથી વધુની ખંડણીમાં પરિણમ્યું હતું. હાલમાં પશ્ચિમ ક્ષેત્ર સાયબર પોલીસ સ્ટેશનમાં BNS ની વિવિધ કલમો અને IT એક્ટ હેઠળ FIR નોંધીને દિલ્હી NCR ના અંકુર વિહારની રહેવાસી ફરખંદા અને તેના કાશ્મીરી સાથીદારોની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. મુંબઈ પોલીસે BNS અને IT એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટનાએ ફરી એકવાર સોશિયલ મીડિયા પર અજાણી વ્યક્તિઓ સાથે થતા સંપર્કો અને હનીટ્રેપના જોખમો અંગે લાલબત્તી ધરી છે.