
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી વન-ડે મેચ 3 ડિસેમ્બરે રાયપુરમાં રમાનારી છે, પરંતુ તેના એક દિવસ પહેલાં જ ક્રિકેટ વિશ્વમાંથી દુઃખદ સમાચાર આવ્યા છે. ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ દિગ્ગજ બેટ્સમેન રોબિન સ્મિથનું 62 વર્ષની વયે અચાનક નિધન થયું છે. મંગળવારે તેમના પરિવારજનો દ્વારા આ સમાચારની પુષ્ટિ કરવામાં આવી. માહિતિ મુજબ, સ્મિથ પોતાના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળ્યા હતા, જોકે તેમના મોતનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી.
રોબિન સ્મિથ 1992ના વર્લ્ડ કપમાં રનર-અપ રહેલી ઇંગ્લેન્ડ ટીમનો મહત્વપૂર્ણ ભાગ હતા. ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે તેમને યાદ કરતાં કહ્યું કે સ્મિથ એક મહાન ક્રિકેટર હતા. તેમના નિધનના સમાચાર સાથે જ પૂર્વ ક્રિકેટરો અને ચાહકોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. મીડિયા અહેવાલો અનુસાર, સ્મિથ છેલ્લા દિવસોમાં કોઈ પણ ગંભીર બીમારીથી પીડાતા નહોતા, એટલે તેમના અચાનક અવસાનથી સૌ કોઈ આશ્ચર્યમાં છે.
રોબિન સ્મિથની ક્રિકેટ કારકિર્દી મજેદાર રહી હતી. તેમણે 1988 થી 1996 દરમિયાન 133 આંતરરાષ્ટ્રીય મેચોમાં ભાગ લીધો હતો અને કુલ 6500 થી વધુ રન બનાવ્યા હતા. તેમની બેટિંગમાં તાકાત, ટેક્નિક અને સ્થિરતા ત્રણેય ગુણો જોવા મળતા હતા, જેના કારણે તેઓ વિશ્વના ટોચના બેટ્સમેનમાં ગણાતા હતા. સ્મિથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 13 સદી અને 43 અડધી સદી ફટકારી હતી, જે તેમની બેટિંગ ક્ષમતાનો સાબિતીની સાબિતી છે.
ટેસ્ટ ક્રિકેટની વાત કરીએ તો સ્મિથે ઇંગ્લેન્ડ માટે 62 ટેસ્ટ મેચ રમી હતી. 112 ઇનિંગ્સમાં તેમણે 4236 રન બનાવ્યા હતા, જેમાં તેમનો સર્વોચ્ચ સ્કોર 175 રહ્યો હતો. તેમણે 9 ટેસ્ટ સદી અને 28 અડધી સદી ફટકારી. વન-ડેમાં પણ તેમનું પ્રદર્શન ઉત્કૃષ્ટ રહ્યું. 71 ODI મેચમાં સ્મિથે 2419 રન બનાવ્યા હતા, જેમાં 167 રન તેમનો સર્વોચ્ચ સ્કોર હતો. ચાર સદી અને 15 અડધી સદી સાથે તેઓ ઇંગ્લેન્ડ માટે મિડલ ઓર્ડરમાં સૌથી વિશ્વસનીય બેટ્સમેન ગણાતા.
રોબિન સ્મિથના અવસાનથી સમગ્ર ક્રિકેટ જગત શોકમાં છે. તેમના યોગદાનને યાદ કરતાં ખેલપ્રેમીઓ સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. તેમની અદભૂત બેટિંગ શૈલી અને સમર્પણથી ભરેલી કારકિર્દી હંમેશા યાદ રહેશે.
આ પણ વાંચો: Prithvi Shaw: વૈભવ સૂર્યવંશીની સદી પર ભારે પડી પૃથ્વી શોની 30 બોલમાં 66 રનની ઈનિંગ