બેંગ્લુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં વેસ્ટ ઝોન અને સાઉથ ઝોન વચ્ચે દુલિપ ટ્રોફીની ફાઈનલ મેચ રમાઈ રહી છે. વેસ્ટ ઝોનની સ્થિતી ખરાબ રહ્યા બાદ હવે સુકાની પ્રિયાંક પંચાલે મક્કમ રમત વડે બાજી પલટી છે. પંચાલ પાંચમા દિવસની શરુઆતે સદી નોંધાવવાની આશા સાથે ટીમને જીત નજીક પહોંચાડવાની આશા છે. પ્રિયાંક પંચાલની રમતે જ વેસ્ટ ઝોનની જીતની આશાઓ જીવંત કરી છે. એક સમયે પ્રથમ ઈનીંગમાં નબળા દેખાવ બાદ બીજી ઈનીંગમાં શરુઆત ખરાબ રહી હતી. પરંતુ એક છેડે ઓપનર પ્રિયાંકે સ્થિતી સંભાળી રાખી લડત આપી છે.
ગુજરાતી ખેલાડી પ્રિયાંક પંચાલે મહત્વના સમયે પોતાની રમતને દર્શાવી છે. તેણે જરુરીયાતના સમયે જ 92 રનની ઈનીંગ રમી છે. ચોથા દિવસની રમતના અંતે તે નોટ આઉટ રહ્યો હતો. વેસ્ટ ઝોનને અંતિમ દિવસે 116 રનની જરુર છે અને હાથ પર પાંચ વિકેટ છે. આ પહેલા પૃથ્વી શો, ચેતેશ્વર પુજારા અને સૂર્યકુમાર યાદવ ઝડપથી પેવેલિયન પરત ફરવાને લઈ મુશ્કેલીઓ સર્જાઈ હતી.
વેસ્ટ ઝોનના કેપ્ટન તરીકેને ભૂમિકામાં પ્રિયાંક પંચાલ મજબૂત ઈરાદાઓ દર્શાવતી રમત રમી રહ્યો છે. ચોથા દિવસની રમત દરમિયાન પંચાલે 92 રન નોંધાવ્યા છે. આ માટે તેણે 205 બોલનો સામનો કર્યો હતો. પંચાલે આ રન 11 ચોગ્ગાની મદદ વડે નોંધાવ્યા હતા. પંચાલને સરફરાઝ ખાને સારો સાથ આપતા 48 રનનુ યોગદાન આપ્યુ હતુ. સરફરાઝ અને પંચાલ વચ્ચે મહત્વની ભાગીદારી નોંધાઈ હતી. સરફરાઝ બાદ હવે અતીત શેઠ રમતમાં આવ્યો છે. અને તેની પાસેથી આવા જ સાથની અપેક્ષા રાખવામાં આવી રહી છે.
આ પહેલા ઓપનર પૃથ્વી શો માત્ર 7 રન નોંધાવીને બોલ્ડ થઈ પરત ફર્યો હતો. હાર્વિક દેસાઈ 4 રન નોંધાવીને પરત ફર્યો હતો. જ્યારે ચેતેશ્વર પુજારા 15 રન નોંધાવી પરત ફર્યો હતો. સુર્યકુમાર યાદવ 4 રન નોંધાવી વિકેટ ગુમાવી બેઠો હતો. આમ સ્ટાર ખેલાડીઓ જ ઝડપથી વિકેટ ગુમાવી દેતા મુશ્કેલી સર્જાઈ હતી. પુજારા અને સૂર્યા બંને ખેલાડીઓનુ પ્રદર્શન બંને ઈનીંગમાં ફ્લોપ રહ્યુ હતુ. પૃથ્વી શોએ પ્રથમ ઈનીંગમાં અડધી સદી નોંધાવી હતી.
ચોથા દિવસની રમતના અંતે વેસ્ટ ઝોનની ટીમનો સ્કોર 5 વિકેટ ગુમાવીને 182 રન પર પહોંચ્યો છે. શરુઆત ખરાબ છતાં સુકાની પ્રિયાંક પંચાલની રમતને લઈ મેચ હવે રોમાંચક સ્થિતીમાં પહોંચી છે. પાંચમાં દિવસની રમત દરમિયાન વેસ્ટ ઝોનને 116 રનની જરુર છે. હજુ હાથ પર પાંચ વિકેટ છે. આવી સ્થિતીમાં મેચ હવે રોમાંચક બની છે અને સાઉથ ઝોન લક્ષ્ય બચાવવા માટે પ્રયાસ કરશે.
વેસ્ટ ઝોને ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. સાઉથ ઝોને પ્રથમ ઈનીંગમાં 213 રન નોંધાવ્યા હતા. જ્યારે વેસ્ટ ઝોનની ટીમ પ્રથમ ઈનીંગમાં 143 રન નોંધાવી સમેટાઈ ગઈ હતી. પ્રથમ ઈનીંગમાં સૌથી વધુ ઓપનર પૃથ્વી શોએ 65 રન નોંધાવ્યા હતા. આ રન તેણે 101 બોલનો સામનો કરીને નોંધાવ્યા હતા. બીજી ઈનીંગમાં સાઉથ ઝોને 230 રન નોંધાવ્યા હતા. આમ 298 રનનુ લક્ષ્ય વેસ્ટ ઝોન સામે 67 રનની લીડ સાથે સાઉથ ઝોને રાખ્યુ હતુ.
Published On - 9:01 am, Sun, 16 July 23