
T20 ક્રિકેટમાં એક બહુ મોટો વર્લ્ડ રેકોર્ડ તૂટી ગયો છે. આ ફોર્મેટમાં આશરે 12 વર્ષ સુધી સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનનો તાજ પોતાની પાસે રાખનારા ક્રિસ ગેલ આખરે ટોપ પોઝિશન પરથી બીજા સ્થાને સરકી ગયા છે.
તેમની જગ્યા હવે વેસ્ટઈન્ડિઝના ધાકડ ઓલરાઉન્ડરે લઈ લીધી છે. આ ધાકડ ખેલાડી બીજું કોઈ નહીં પણ 39 વર્ષના પોલાર્ડ છે, જેમણે T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
અમેરિકામાં રમાઈ રહેલી મેજર લીગ ક્રિકેટ એટલે કે MLC 2026 દરમિયાન MI ન્યૂયોર્ક તરફથી રમતા પોલાર્ડએ તોફાની સદીની ઇનિંગ રમીને આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે.
ડલાસમાં રમાયેલી મેચમાં તેમણે 56 બોલમાં 100 રનની ઇનિંગ રમી હતી અને ક્રિસ ગેલના 14,562 રનના વર્લ્ડ રેકોર્ડને પાછળ છોડીને T20 ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડી બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે.
ક્રિસ ગેલ લાંબા સમય સુધી T20 ક્રિકેટના સૌથી મોટા બેટ્સમેન માનવામાં આવતા રહ્યા. તેમણે વર્ષ 2014 T20 વર્લ્ડ કપ પછીથી સતત ટોચના સ્થાન પર કબજો જમાવી રાખ્યો હતો. તેમની આ બાદશાહત એક દાયકા કરતાં પણ વધુ સમય સુધી કાયમ રહી.
ગેલના નામે T20 ક્રિકેટમાં 14,562 રન નોંધાયેલા છે, જ્યારે પોલાર્ડ હવે 14,582 રન સાથે તેમનાથી આગળ નીકળી ગયા છે. આ સિદ્ધિ સાથે પોલાર્ડે T20 ઇતિહાસમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરોમાં નોંધાવી દીધું છે.
કાયરોન પોલાર્ડનું નામ માત્ર એક મોટા હિટર તરીકે જ નથી લેવાતું. તેઓ T20 ક્રિકેટના સૌથી સફળ ઓલરાઉન્ડરોમાં પણ જોડાયેલા છે. 736 T20 મેચ રમનારા પોલાર્ડ આ ફોર્મેટમાં સૌથી વધુ મેચ રમનારા ખેલાડી છે.
રસપ્રદ વાત એ છે કે, હજુ સુધી કોઈ બીજો ખેલાડી 600 મેચના આંકડાને પણ અડી શક્યો નથી. પોલાર્ડના નામે T20 ક્રિકેટમાં 14 હજારથી વધુ રન અને 333 વિકેટ નોંધાયેલ છે. તેઓ આ ફોર્મેટમાં 10,000 થી વધુ રન અને 300 થી વધુ વિકેટ લેનારા દુનિયાના એકમાત્ર ખેલાડી છે.
પોલાર્ડે પોતાની કરિયરમાં 405 કેચ પણ ઝડપ્યા છે, જે T20 ક્રિકેટમાં કોઈ પણ ખેલાડી દ્વારા સૌથી વધુ છે. આ સાથે જ તેમના નામે 986 સિક્સર નોંધાયેલી છે. આ બાબતમાં તેઓ માત્ર ક્રિસ ગેલથી પાછળ છે. ગેલના ખાતામાં 1056 સિક્સર નોંધાયેલી છે.
આ ઉપરાંત, પોલાર્ડ 18 T20 ફાઇનલ જીતનારી ટીમોનો હિસ્સો રહી ચૂક્યા છે, જે પોતાનામાં એક રેકોર્ડ છે. પોલાર્ડ T20 વર્લ્ડ કપ, IPL, કેરેબિયન પ્રીમિયર લીગ, બાંગ્લાદેશ પ્રીમિયર લીગ, ILT20 અને મેજર લીગ ક્રિકેટ જેવી મોટી ટૂર્નામેન્ટમાં ખિતાબ જીતી ચૂક્યા છે.