કાઉન્ટી ક્રિકેટની આ ટીમમાં જોડાયો ચેતેશ્વર પૂજારા, ટીમ ઈન્ડિયામાં સ્થાન ન મળતા લીધો મહત્વનો નિર્ણય

સાઉથ આફ્રિકા સામેની સીરિઝ દરમ્યાન ચેતેશ્વર પુજારાના ખરાબ પ્રદર્શનના કારણે તેને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો અને જેને પગલે શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાં ટીમ ઇન્ડિયામાં તેને સ્થાન મળ્યું નહીં.

કાઉન્ટી ક્રિકેટની આ ટીમમાં જોડાયો ચેતેશ્વર પૂજારા, ટીમ ઈન્ડિયામાં સ્થાન ન મળતા લીધો મહત્વનો નિર્ણય
Cheteshwar Pujara (PC: ESPN)
| Edited By: | Updated on: Mar 11, 2022 | 1:21 PM

ટીમ ઈન્ડિયા (Team India) નો બેટ્સમેન ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) કાઉન્ટી ચેમ્પિયનશિપ અને રોયલ લંડન વન-ડે ટુર્નામેન્ટમાં રમશે. પૂજારા સસેક્સ ટીમ સાથે જોડાયેલો છે. તેને ટ્રેવિસ હેડની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. વર્કલોડ મેનેજમેન્ટને કારણે ટ્રેવિસ હેડ કાઉન્ટીમાંથી હટી ગયો હતો. પૂજારાને તાજેતરમાં તેના ખરાબ પ્રદર્શનને કારણે ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી માટે તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. પરંતુ સસેક્સ સાથેનું તેનું જોડાણ તેમના માટે રાહતના સમાચાર છે.

સસેક્સ સાથે પુજારાના જોડાણ પછી, ક્લબે તેના નિવેદનમાં કહ્યું કે પુજારા ટૂંક સમયમાં ટીમ સાથે જોડાશે. પુજારાને શ્રીલંકા સામે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો ન હતો. આ સાથે BCCI એ તેના કોન્ટ્રાક્ટના ગ્રેડમાં પણ ઘટાડો કર્યો છે. પૂજારા A+ થી B ગ્રેડમાં આવ્યો છે.

મહત્વની વાત એ છે કે ચેતેશ્વર પૂજારા ચોથી વખત કાઉન્ટી ટીમ સાથે જોડાઇ રહ્યો છે. તે આ પહેલા 2014 માં ડર્બીશાયર, 2015 અને 2018માં યોર્કશાયર, 2017માં નોટિંગહામશાયર તરફથી રમી ચૂક્યો છે. સસેક્સમાં જોડાયા બાદ પુજારાએ કહ્યું, “હું ટીમમાં જોડાયા બાદ ખૂબ જ ઉત્સાહિત અને સન્માનિત અનુભવું છું. હું ટૂંક સમયમાં સસેક્સ પરિવારમાં જોડાઈશ. મેં ખરેખર યુકેમાં કાઉન્ટી ક્રિકેટનો આનંદ માણ્યો છે.

ટીમ ઈન્ડિયા જુલાઈમાં ઈંગ્લેન્ડનો પ્રવાસ કરવાની છે. અહીં બંને ટીમો વચ્ચે T20 અને ODI શ્રેણી રમાશે. ત્યા ટીમ ઇન્ડિયા માત્ર એક ટેસ્ટ મેચ પણ રમાશે. પૂજારાને આ ટેસ્ટ મેચ માટે ભારતની ટેસ્ટ ટીમમાં જગ્યા મળી શકે છે. જો તે કાઉન્ટ ક્રિકેટમાં સારું રમે છે તો તેના ટીમ ઇન્ડિયા માટે તક મળી શકે છે. 34 વર્ષીય પૂજારાને દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાં ખરાબ પ્રદર્શનના કારણે ટીકાનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચો : પિંક બોલથી રમાયેલી ટેસ્ટ મેચોમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન કેવું રહ્યું ? અહીં જાણો

આ પણ વાંચો : IND vs SL: બેંગલુરુ ડે નાઇટ ટેસ્ટને લઇને દર્શકો માટે સારા સમાચાર, 2 વર્ષ બાદ 100 ટકા પ્રેક્ષકોને સ્ટેડિયમમાં પ્રવેશવાની છૂટ