ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની વરિષ્ઠ પસંદગી સમિતિના અધ્યક્ષ ચેતન શર્મા (Chetan Sharma) એ શુક્રવારે દક્ષિણ આફ્રિકા (South Africa) માં યોજાનારી ત્રણ મેચની વન-ડે શ્રેણી માટે ટીમની જાહેરાત કરી હતી. સાથે જ વિરાટ કોહલી (Virat Kohli) ના દાવાને ફગાવી દીધો હતો જેમાં કોહલીએ કહ્યું હતું કે T20 ના સુકાની પદ છોડવાથી તેને કોઈએ રોક્યો નથી.
ICC T20 વર્લ્ડ કપ પહેલા કોહલીએ કહ્યું હતું કે તે વર્લ્ડ કપ પછી રમતના સૌથી ટૂંકા ફોર્મેટમાં ટીમની કેપ્ટનશીપ છોડી દેશે. આ પછી બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) એ કહ્યું હતું કે બોર્ડે તેમને સુકાનીપદ નહી છોડવા અને પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરવા કહ્યું હતું. જો કે કોહલીએ આ વાતને નકારી કાઢી હતી અને ત્યારબાદ ગઈકાલે ચેતન શર્માએ ફરી નિવેદન આપ્યું હતું કે કોહલીને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પછી કોહલી જૂઠો સાબિત થતો જણાય છે.
ભારતના ભૂતપૂર્વ ઓપનર આકાશ ચોપરા (Akash Chopra) નું માનવું છે કે ચેતન શર્માના તાજેતરના નિવેદને કોહલી અને બોર્ડ વચ્ચેના ઝઘડાને વેગ આપ્યો છે. આકાશે એમ પણ કહ્યું કે જો કોહલી આ અંગે પોતાની વાત રાખે તો તેને આશ્ચર્ય થશે નહીં.
આકાશે તેના સોશિયલ મીડિયા વિડીયોમાં કહ્યું, આગમાં થોડું વધુ ઘી ઉમેરવામાં આવ્યું છે જે પહેલાથી જ હતુ. કારણ કે પસંદગી સમિતિના અધ્યક્ષ ચેતન શર્માને ટાંકીને BCCI તરફથી સ્પષ્ટતા આવી છે. 2022 માં કોઈ અફવાઓ અને સુત્રો હશે નહીં. ચેતન શર્માના નિવેદન બાદ જાણે ગોળી ફાયર થઇ છે અને શક્ય છે કે વિરાટ કોહલી આનો જવાબ આપે કારણ કે અત્યાર સુધી આવું જ થઈ રહ્યું છે. એક વ્યક્તિ કંઈક કહે છે અને બીજો તેનો ઇનકાર કરે છે. આ યોગ્ય નથી. પરંતુ જો આવું થાય તો આશ્ચર્ય પામવાની જરૂર નથી.
ચેતન શર્માએ શુક્રવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, જ્યારે મીટિંગ શરૂ થઈ, તે બધા માટે આશ્ચર્યજનક હતું. ટી-20 વર્લ્ડ કપની શરૂઆત પહેલા આવી વાત સાંભળીને શું રિએક્શન આવશે. મીટિંગમાં હાજર દરેકે તેને ટી20 કેપ્ટનશિપ છોડવાના નિર્ણય પર પુનર્વિચાર કરવા કહ્યું. તેની વાત વર્લ્ડ કપ પછી થઈ શકે છે. તે સમયે તમામ પસંદગીકારોને લાગ્યું કે આનાથી વર્લ્ડ કપના પ્રદર્શન પર અસર પડી શકે છે. વિરાટને ભારતીય ક્રિકેટ માટે કેપ્ટન રહેવા માટે કહેવામાં આવ્યું હતું. બોર્ડ પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહ સહિત મીટિંગમાં હાજર દરેકે આ વાત કહી.
Published On - 8:05 pm, Sat, 1 January 22