પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી રમાઈ રહી છે. ચેમ્પિયન્સ ટ્રોફીની મેચો પાકિસ્તાનના ત્રણ સ્ટેડિયમ, લાહોર, કરાચી અને રાવલપિંડીમાં યોજાઈ રહી છે. લાહોરમાં તાજેતરમાં યોજાયેલી મેચ દરમિયાન એક યુવાન ભારતીય રાષ્ટ્રધ્વજ લહેરાવતો જોવા મળ્યો હતો. સુરક્ષા કર્મચારીઓની નજર પડતા જ તેઓ આ યુવકની પાસે પહોંચી ગયા હતા અને તેની પાસેથી ત્રિરંગો લઈ લીધો હતો. એટલું જ નહીં, યુવકનો કોલર પકડીને તેને સ્ટેડિયમની બહાર લઈ જવામાં આવ્યો હતો. બાદમાં પોલીસે તેની ધરપકડ કરી હતી.
આ પહેલા સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં કરાચી સ્ટેડિયમમાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેનારા તમામ દેશોના ધ્વજ જોવા મળ્યા હતા, પરંતુ ભારતીય ધ્વજ જોવા મળ્યો ન હતો. એક સૂત્રએ આ બાબતની સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે ભારત ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન આવ્યું નથી અને તેથી સ્ટેડિયમમાં ભારતીય ધ્વજ ફરકાવવામાં આવ્યો નથી. જ્યારે પાકિસ્તાન આવેલી અન્ય સાત ટીમોના ધ્વજ ફરકાવવામાં આવ્યા છે. જોકે, આ મુદ્દા પર વિવાદ વધતો જોઈને, પાકિસ્તાનના સ્ટેડિયમમાં અન્ય દેશોના ધ્વજ સાથે ભારતીય ત્રિરંગો પણ ફરકાવવામાં આવ્યો હતો.
ભારત, પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશ આ ચાર ટીમો ગ્રુપ A માં છે. ભારત અને ન્યુઝીલેન્ડ બંનેએ પાકિસ્તાન અને બાંગ્લાદેશને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફીના સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો છે, જ્યારે પાકિસ્તાન અને બાંગ્લાદેશ બંને સતત બે મેચ હારીને બહાર થઈ ગયા છે. બંને હવે 27 ફેબ્રુઆરીએ એકબીજા સામે છેલ્લી ઔપચારિક મેચ રમશે.
સોશિયલ મીડિયા પર આ ઘટનાનો એક વીડિયો ખૂબ વાયરલ થયો છે. જેમાં એક યુવક સ્ટેડિયમમાં ભારતીય રાષ્ટ્રધ્વજ લહેરાવી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી મેચનો છે. આ દરમિયાન એક યુવક ભારતીય ધ્વજ લહેરાવતો જોવા મળ્યો હતો. સુરક્ષા ગાર્ડ્સ તે વ્યક્તિ પાસે ગયા, તેનું કોલર પકડી તેની સીટ પરથી ઉઠાવી બહાર લઈ ગયા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
આ પણ વાંચો: કેએલ રાહુલ વિરાટ કોહલી પાસેથી આ વસ્તુ ચોરી કરવા માંગે છે, પોતે કર્યો ખુલાસો
Published On - 5:53 pm, Tue, 25 February 25