
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની શરૂઆત પહેલા પાકિસ્તાન તેની હરકતો બંધ કરી રહ્યું નથી. તાજેતરમાં કરાચી સ્ટેડિયમનો એક વીડિયો ખૂબ વાયરલ થયો હતો. જેમાં સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યું હતું કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા કરાચી સ્ટેડિયમમાં ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો ન હતો. કરાચીના ગદ્દાફી સ્ટેડિયમમાં ટુર્નામેન્ટની બાકીની તમામ 7 ટીમોના ધ્વજ દેખાતા હતા. હવે પાકિસ્તાનના ગદ્દાફી સ્ટેડિયમનો વધુ એક વીડિયો સામે આવ્યો છે, જેના પછી હોબાળો મચી ગયો છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો નવો વીડિયો કરાચીના ગદ્દાફી સ્ટેડિયમનો હોવાનું કહેવાય છે. આ વીડિયોમાં એક વ્યક્તિ ગદ્દાફી સ્ટેડિયમમાં ભારતીય ધ્વજ ફરકાવતો જોવા મળે છે. પરંતુ આ વ્યક્તિએ ભારતીય ધ્વજ ઊંધો લગાવ્યો હતો, જેના કારણે ફરી એકવાર વિવાદ થયો છે. આ વીડિયોમાં ભારત ઉપરાંત અન્ય દેશોના ધ્વજ પણ દેખાય છે, જે યોગ્ય રીતે મૂકવામાં આવ્યા છે. પરંતુ ત્રિરંગાને ઊલટો લગવવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં, ભારતીય ચાહકો માને છે કે પાકિસ્તાન જાણી જોઈને આવા કૃત્યો કરી રહ્યું છે.
તમને જણાવી દઈએ કે, અગાઉ જ્યારે ગદ્દાફી સ્ટેડિયમમાં ભારતીય ધ્વજ ન ફરકાવવા અંગે હોબાળો થયો હતો, ત્યારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પણ સ્પષ્ટતા આપી હતી. આ પાછળનું કારણ સમજાવતા પાકિસ્તાની મીડિયાએ કહ્યું, ‘ICCએ સલાહ આપી હતી કે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની મેચોમાં ફક્ત ચાર ધ્વજ હશે. એક ICC તરફથી એક યજમાન દેશ તરફથી અને બાકીના બે તે દેશો તરફથી જે વચ્ચે મેચ રમાઈ રહી છે. પરંતુ PCBના આ ખુલાસાથી પણ હોબાળો મચી ગયો કારણ કે સ્ટેડિયમમાં 4 થી વધુ ધ્વજ હતા.
BCCIએ ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન ન મોકલવાનો નિર્ણય લીધો હતો. જે બાદ ICC એ ટીમ ઈન્ડિયાની બધી મેચ દુબઈ શિફ્ટ કરી. ટીમ ઈન્ડિયા 20 ફેબ્રુઆરીથી આ ટુર્નામેન્ટમાં પોતાનું અભિયાન શરૂ કરશે. તેનો પહેલો મુકાબલો બાંગ્લાદેશ સામે હશે. આ પછી, ભારતીય ટીમ 23 ફેબ્રુઆરીએ પાકિસ્તાનનો સામનો કરશે, જેની દરેક ક્રિકેટ ચાહક રાહ જોઈ રહ્યો છે. ત્યારબાદ 2 માર્ચે ન્યુઝીલેન્ડની ટીમ સાથે ટક્કર થશે.
આ પણ વાંચો: USA જેવી નાની ટીમે ટીમ ઈન્ડિયાનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો, ક્રિકેટ ઈતિહાસમાં પહેલીવાર આવું બન્યું
ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
Published On - 9:31 pm, Tue, 18 February 25