
શ્રીલંકાના દામ્બુલામાં ઈન્ડિયા A અને શ્રીલંકા A વચ્ચે રમાયેલી મેચ બાદ સર્જાયેલા વિવાદ પર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી અને શ્રીલંકાના સ્પિનર વિશન હલમગે વચ્ચે થયેલા ઝઘડાને લઈને સોશિયલ મીડિયા પર અનેક ચર્ચાઓ ચાલી રહી હતી, પરંતુ હવે BCCIએ સ્પષ્ટતા કરી છે કે બોર્ડ આ મામલે કોઈ અલગ કાર્યવાહી કરશે નહીં.
BCCIના સેક્રેટરી દેવજીત સૈકિયાએ જણાવ્યું હતું કે મેદાન પર બનેલી ઘટનાઓ અંગે નિર્ણય લેવાનો સંપૂર્ણ અધિકાર મેચ રેફરી અને અમ્પાયરો પાસે હોય છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે બોર્ડ સત્તાવાર પ્રક્રિયાનું સન્માન કરે છે અને મેચ અધિકારીઓના કાર્યક્ષેત્રમાં દખલ કરવાનું યોગ્ય માનતું નથી.
આ દરમિયાન મેચ રેફરી પ્રદીપ જયપ્રકાશે ઘટનાને ગંભીરતાથી લીધી હતી. અહેવાલો મુજબ વૈભવ સૂર્યવંશી અને વિશન હલમગે બંનેને આચારસંહિતાના ભંગ બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો. ઉપરાંત, બંને ખેલાડીઓને અલગ પાડવાનો પ્રયાસ કરનાર શ્રીલંકાના ખેલાડી નિરોશન ડિકવેલાને પણ દંડિત કરવામાં આવ્યો હતો.
દેવજીત સૈકિયાએ જણાવ્યું હતું કે ICC અને BCCI ના નિયમો અનુસાર આવી બાબતો માટે પહેલેથી જ મજબૂત વ્યવસ્થા છે. જો મેદાન પર કોઈ ઘટના બને તો તેના પર કાર્યવાહી કરવાની જવાબદારી મેચ રેફરી અને અમ્પાયરોની હોય છે. બોર્ડ દ્વારા અલગ હસ્તક્ષેપ કરવો યોગ્ય નહીં ગણાય અને તે ખોટી પરંપરા સ્થાપિત કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે સુપર ઓવરમાં ઈન્ડિયા A ની હાર બાદ શ્રીલંકા A ના ખેલાડીઓ ઉજવણી કરી રહ્યા હતા ત્યારે બંને ટીમના ખેલાડીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન વૈભવ સૂર્યવંશી અને વિશન હલમગે વચ્ચે ધક્કામુક્કી પણ થઈ હતી. જોકે હવે BCCIની સ્પષ્ટતા બાદ આ મામલે વધુ કોઈ આંતરિક કાર્યવાહી થવાની શક્યતા નથી.