
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીની બાયોપિક દાદા ધ સૌરવ ગાંગુલીની સ્ટોરીનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. ફિલ્મના પહેલા પોસ્ટરમાં રાજકુમાર રાવ સૌરવ ગાંગુલીના સૌથી યાદગાર પળને રીક્રિએટ કરતો જોવા મળ્યો હતો.પોસ્ટરમાં રાજકુમાર રાવનો લુક યુવા સૌરવ ગાંગુલીની યાદ અપાવી રહ્યો છે. આ માટે અભિનેતાની હેરસ્ટાઈલ, ચેહરાનો ભાવ અને બોડી પર ખુબ કામ કર્યું છે. ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરવાની સાથે મેકર્સે ફિલ્મની રિલીઝ ડેટની પણ જાહેરાત કરી છે. આ ફિલ્મ 14 મે 2027ના રોજ રિલીઝ થશે.
ગાંગુલીની બાયોપિકની ચર્ચા છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી છે. પહેલા એ નક્કી કરાયું ન હતુ કે, કોણ આ ફિલ્મમાં તેનું પાત્ર નિભાવશે. ત્યારબાદ રાજકુમાર રાવ આ ફિલ્મમાં દાદાના પાત્રમાં જોવા મળશે. આ વર્ષે ફિલ્મનું શૂટિંગ શરુ તયું છે અને હવે આ ફિલ્મનું પહેલું પોસ્ટર સામે આવ્યું છે. આ ફિલ્મનું નિર્દેશન વિક્રમાદિત્ય મોટવાણી કરી રહ્યા છે. નિર્માતા લવ રંજન અને અંકુર ગર્ગ છે. ફિલ્મને ટી-સીરિઝ,ડીબીએલ અને લવ ફિલ્મ સાથે મળી બનાવી રહ્યું છે.
ફિલ્મમાં ગાંગુલીના ક્રિકેટ કરિયરના મહત્વના પડાવો દેખાડવામાં આવશે. જેમાં તે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન બનવાથી લઈ જીવન સંધર્ષ અને ભારતીય ક્રિકેટમાં તેનું યોગદાન દેખાડવામાં આવશે.
આ ફર્સ્ટ-લૂક પોસ્ટરની વાત કરીએ તો, તે 13 જુલાઈ 2002ના રોજ ભારતે નેટવેસ્ટ ટ્રોફીની ફાઇનલ જીતી હતી તે ક્ષણને કેદ કરે છે. જીત પછી, ગાંગુલીએ પોતાની જર્સી ઉતારી અને લોર્ડ્સની બાલ્કનીમાં તેને લહેરાવી. આ ઉજવણીએ તે સમયે ઘણી ચર્ચા જગાવી હતી. ગાંગુલીની કેપ્ટનશીપ હેઠળ, ટીમ ઇન્ડિયાનો આત્મવિશ્વાસ વધ્યો, અને ટીમે વિદેશમાં સતત સારું પ્રદર્શન કર્યું.
સૌરવ ગાંગુલીએ ભારત માટે કુલ 113 ટેસ્ટ મેચ રમી છે. 7212 રન બનાવ્યા છે. જેમાં 35 અડધી સદી પણ સામેલ છે. વનડેમાં તેના બેટમાંથી 311 મેચમાં 11363 રન કર્યા છે. આ સાથએ તેમણે ટેસ્ટમાં 32 અને વનડેમાં 100 વિકેટ લીધી છે. આ સિવાય તે 2008 થી 2012 સુધી આઈપીએલનો ભાગ રહ્યો હતો અને કોચની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે.