
પંજાબ ક્રિકેટ એસોસિએશને હાલમાં પોતાની નવી લીગ શેર-એ પંજાબ ટી20 લીગની જાહેરાત કરી છે. આ લીગનું પહેલા ઓક્શન શાનદાર રહ્યું છે. અહી ખેલાડીઓ પર પૈસાનો વરસાદ થયો છે. ઓક્શનમાં ઓલરાઉન્ડર સનવીર સિંહ સૌથી મોંઘો ખેલાડી બની સામે આવ્યો છે. ફાઝિલ્કા ફાલ્કન્સે સનવીર સિંહને ખરીદવા માટે 13.20 લાખ રુપિયાની સૌથી મોટી બોલી લગાવી હતી. રસપ્રદ વાત એ છે કે, સનવીર સિંહને આ લીગના માર્કી ખેલાડીઓથી પણ સૌથી વધારે રકમ મળી છે.
ફાઝિલ્કા ફાલ્કન્સે ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગિલને પોતાનો માર્કી ખેલાડીના રુપમાં ટીમમાં સાથે જોડ્યો છે. લીગના નિયમો મુજબ તમામ માર્કી ખેલાડીઓને 10 લાખ રુપિયાની રકમમાં સામેલ કરવામાં આવ્યા છે. ત્યારે ઓક્શનમાં ખરીદાયેલા સનવીર સિંહને શુભમન ગિલથી પણ વધારે રકમ મળી છે. હવે સનવીર અને શુભમન ગિલ બંને એક જ ફ્રેન્ચાઈઝી માટે રમતા જોવા મળશે.
29 વર્ષના સનવીર સિંહ એક ઓલરાઉન્ડર છે. જે ઘરેલું ક્રિકેટમાં પંજાબ કિંગ્સ માટે રમે છે. આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમનો ભાગ રહી ચૂક્યો છે. સનવીરે અત્યારસુધી 46 ટી20 મેચમાં 32.94 રનની સરેરાશથી 180.06ની ધમાકેદાર સ્ટ્રાઈક રેટ સાથે 56 રન બનાવ્યા હતા. આ સિવાય તેમણે 13 વિકેટ પણ પોતાને નામ કરી હતી. તેમણે 25 ફર્સ્ટ ક્લાસ અને 41 લિસ્ટ એ મેચ પણ રમી છે. તેના ઓલરાઉન્ડર પ્રદર્શનના કારણે ઓક્શનમાં ટીમો વચ્ચે તેને ખરીદવા રેસ લાગી હતી.
લીગમાં પંજાબના અનેક દિગ્ગજ ખેલાડીઓ માર્કી ખેલાડીના રુપમાં જોવા મળશે. જેમાં શુભમન ગિલ સિવાય અભિષેક શર્મા, અર્શદીપ સિંહ,પ્રભસમિરન સિંહ,રમણદીપ સિંહ અને ગુરનુર બ્રાર સામેલ છે. તમામ માર્કી ખેલાડીઓને 10-10 લાખ રુપિયાની કિંમતમાં ટીમની સાથે જોડવામાં આવ્યા હતા. તો ઓક્શનમાં સનવીર સિંહ સિવાય નમન ધીર,અમોલપ્રીત સિંહ, હરનૂર સિંહ અને અશ્વની કુમાર જેવા ખેલાડીઓ છવાયા હતા.
નમન ધીરને અમૃતસર સૂર્માજે 10.80 લાખ રુપિયામાં ખરીદ્યો છે. અમોલ પ્રીત સિંહ પણ 8.20 લાખ રુપિયામાં મોહાલી કિંગ્સ સાથે જોડાયેલો છે. તો હરનૂર બ્રાર સિંહ અને અશ્વની કુમાર 7-7 લાખ રુપિયામાં ખરીદ્યા છે. તેમજ સુખદીપ બાજવાને જલંધર વોરિયર્સે 6 લાખમાં ખરીદ્યો છે. હરપ્રીત બ્રારને મોહાલી કિંગ્સે 4 લાખ રુપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે.