
ભારતીય ક્રિકેટ ટીમના સ્પિનર રાહુલ ચહર અને તેની પત્ની ઈશાની અલગ થઈ ગયો છે. લગ્નના ચાર વર્ષ પૂર્ણ થાય તે પહેલાં જ રાહુલ અને ઈશાનીએ છૂટાછેડા લઈ લીધા છે. ભારતીય ક્રિકેટરે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક નિવેદન પોસ્ટ કરીને આ દુઃખદ સમાચાર પોતાના ચાહકો સાથે શેર કર્યા. છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય ટીમની બહાર રહેલા રાહુલ ચહરએ જણાવ્યું કે તેણે બધી કાનૂની ઔપચારિકતાઓ પૂર્ણ કરી લીધી છે અને પોતાના જીવનનો આ અધ્યાય પૂર્ણ કરી રહ્યો છે.
ટીમ ઈન્ડિયા માટે સાત આંતરરાષ્ટ્રીય મેચોમાં 10 વિકેટ લેનારા 26 વર્ષીય લેગ-સ્પિનર રાહુલ ચહરે શુક્રવાર, 20 ફેબ્રુઆરીના રોજ એક નિવેદનમાં ખુલાસો કર્યો કે આ પ્રક્રિયા છેલ્લા 15 મહિનાથી ચાલી રહી હતી. માત્ર 22 વર્ષની ઉંમરે લગ્ન કરનાર રાહુલે પોતાના નિવેદનમાં કહ્યું કે તેણે નાની ઉંમરે લગ્ન કર્યા હતા અને તે પોતાનું મૂલ્ય કે પોતાના જીવનને સંપૂર્ણપણે સમજી શક્યો ન હતો, પરંતુ તેનાથી તેને એવા પાઠ શીખવા મળ્યા જેની તેણે ક્યારેય અપેક્ષા નહોતી રાખી.
રાહુલ ચહર અને ઈશાની જોહરના લગ્ન 9 માર્ચ, 2022 ના રોજ ગોવામાં થયા હતા. આ લગ્નમાં ફક્ત તેમના પરિવારજનો જ હાજર રહ્યા હતા, જેમાં રાહુલના પિતરાઈ ભાઈ અને ભારતીય ફાસ્ટ બોલર દીપક ચહરનો પણ સમાવેશ થાય છે. તે સમયે આ લગ્નની ખૂબ ચર્ચા થઈ હતી, કારણ કે રાહુલ ત્યારે જ IPLમાં સ્ટાર બન્યો હતો અને ભારતીય ટીમમાં પોતાનું સ્થાન બનાવી રહ્યો હતો. તે સમયે તેની નાની ઉંમરની પણ ખૂબ ચર્ચા થઈ હતી. હવે, તેની ચોથી લગ્ન વર્ષગાંઠ પહેલા, તેના સંબંધોનો અંત આવી ગયો છે.
રાહુલ અને ઈશાનીએ તેમના નિવેદનમાં તેમના લગ્ન તૂટવા પાછળનું કોઈ કારણ આપ્યું નથી. જોકે, ભારતીય ક્રિકેટરે કહ્યું કે તે સંપૂર્ણ સ્પષ્ટતા સાથે આગળ વધી રહ્યો છે. રાહુલે લખ્યું, “છેલ્લા 15 મહિના કોર્ટમાંથી પસાર થયા છે. ધીરજ, સ્થિતિસ્થાપકતા અને સત્યમાંથી આવતી તાકાત શીખી રહ્યા છે. આજે, મારા જીવનમાં આ ચેપ્ટરનો અંત આવે છે. યોગ્ય કાનૂની પ્રક્રિયા પછી, ભારે કિંમત ચૂકવીને, કેસનો નિકાલ થયો છે, અને મારા જીવનનો આ તબક્કો સમાપ્ત થયો છે. હું આ પ્રકરણ ગુસ્સા કે અફસોસ સાથે નહીં, પરંતુ સ્પષ્ટતા સાથે બંધ કરું છું.”