Video: ચાલુ મેચમાં ઘૂસી ગયો વાંદરો, ખેલાડી પર કર્યો હુમલો, રોકવી પડી મેચ

નાગપુરમાં મહિલા અંડર-19 T20 ટ્રોફીની ક્વાર્ટર ફાઇનલ મેચ દરમિયાન એક વિચિત્ર ઘટના બની હતી. ચાલુ મેચમાં એક વાંદરો અચાનક મેદાનમાં ઘૂસી ગયો હતો અને મેદાનમાં ફિલ્ડિંગ કરી રહેલી ખેલાડી પર હુમલો કરી દીધો હતો. જે બાદ મેચ થોડીવાર માટે રોકવી પડી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

Video: ચાલુ મેચમાં ઘૂસી ગયો વાંદરો, ખેલાડી પર કર્યો હુમલો, રોકવી પડી મેચ
monkey attacks on Uma Kashvi
Image Credit source: X
| Updated on: Oct 23, 2026 | 8:26 PM

નાગપુરમાં મહિલા અંડર-19 T20 ટ્રોફીમાં કર્ણાટક અને વિદર્ભ વચ્ચે ક્વાર્ટર ફાઇનલ મેચ દરમિયાન એક વિચિત્ર ઘટના બની હતી. એક વાંદરો અચાનક મેદાનમાં આવી ગયો અને ફિલ્ડિંગ કરી રહેલી ખેલાડી પર અચાનક હુમલો કર્યો હતો. આ ઘટના 22 ઓક્ટોબર, ગુરુવારના રોજ નાગપુરમાં બની હતી.

ચાલુ મેચમાં ઘૂસી ગયો વાંદરો

ઉમા કાશવી બાઉન્ડ્રી પાસે ફિલ્ડિંગ કરી રહી હતી ત્યારે અચાનક એક વાંદરો તેની તરફ દોડી આવ્યો હતો. 15 વર્ષની કાશવીએ પોતાને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેણીએ પોતાનું સંતુલન ગુમાવ્યું અને તે મેદાનમાં પડી ગઈ હતી. વાંદરો તેની પાસેથી પસાર થઈ ગયો અને તે તરત જ ઉભી થઈ ગઈ હતી. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

 

ઉમા કાશવીનું શાનદાર પ્રદર્શન

આ અસામાન્ય ઘટના છતાં ઉમા કાશવીએ ધ્યાન કેન્દ્રિત રાખ્યું અને બોલ સાથે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણીએ ચાર ઓવરમાં માત્ર 18 રન આપીને ત્રણ મહત્વપૂર્ણ વિકેટ લીધી હતી. વિદર્ભ સામે કર્ણાટકના છ રનના રોમાંચક વિજયમાં તેના પ્રદર્શને મુખ્ય ભૂમિકા ભજવી હતી.

વિદર્ભને હરાવી કર્ણાટક સેમિફાઇનલમાં પહોંચ્યું

પ્રથમ બેટિંગ કરતા કર્ણાટકે 20 ઓવરમાં સાત વિકેટે 140 રન બનાવ્યા હતા. ખુશી સૂર્યકાંતે અણનમ 33 અને કર્ણિકા કાર્તિકે 23 રન બનાવ્યા હતા. જવાબમાં વિદર્ભ 20 ઓવરમાં સાત વિકેટે 134 રન જ બનાવી શક્યું, જેના કારણે કર્ણાટક મેચ જીતી ગયું હતું. કર્ણાટક હવે 24 ઓક્ટોબરે સેમિફાઇનલમાં બરોડા સામે ટકરાશે. બીજી સેમિફાઇનલ દિલ્હી અને હરિયાણા વચ્ચે રમાશે. બધી મેચ નાગપુરના લેડી અમૃતબાઈ ડાગા કોલેજ ગ્રાઉન્ડ પર રમાશે.

WPL હરાજીમાં કાશવી પર રહેશે નજર

ઉમા કાશવીનું આ પ્રદર્શન એવા સમયે આવ્યું છે જ્યારે તેણી 2027 મહિલા પ્રીમિયર લીગ (WPL) ની હરાજી માટે પહેલાથી જ નોંધણી કરાવી ચૂકી છે. તેની બેઝ પ્રાઈસ ₹10 લાખ છે. ઉમા કાશવીને આશા છે કે ઘરેલુ ક્રિકેટમાં તેનું પ્રભાવશાળી પ્રદર્શન WPL ફ્રેન્ચાઇઝીનું ધ્યાન આકર્ષિત કરશે અને તેને WPL માં તક મળશે.

Breaking News: BCCIએ નવા મુખ્ય પસંદગીકારની કરી જાહેરાત, આ ક્રિકેટરને મળી જવાબદારી

Follow Us
Loading...
Unable to load recommendations.