
શ્રીલંકા સામેની બે મેચની ટેસ્ટ શ્રેણી પહેલા ભારતીય ટીમના શેડ્યૂલમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ભારતીય ટેસ્ટ ટીમ અને સ્થાનિક શ્રીલંકન 11 વચ્ચેની વોર્મ-અપ મેચમાં એક દિવસનો ઘટાડો કરવામાં આવ્યો છે. મૂળ ચાર દિવસ માટે નિર્ધારિત મેચ હવે ત્રણ દિવસની કરવામાં આવી છે. આ વોર્મ-અપ મેચ 7 થી 9 ઓગસ્ટ દરમિયાન કોલંબોના NCC ગ્રાઉન્ડ ખાતે રમાશે, જે SSC સ્ટેડિયમ નજીક સ્થિત છે, જે બીજી ટેસ્ટનું સ્થળ છે. ભારતીય ટીમ આ પ્રવાસ માટે 4 ઓગસ્ટે કોલંબો જવા રવાના થશે.
ટીમ પસંદગી દરમિયાન BCCI એ ચાર દિવસની વોર્મ-અપ મેચની જાહેરાત કરી હતી, પરંતુ હવે ટીમને આ ફેરફારની જાણ કરવામાં આવી છે. મેચ ટૂંકી કરવાનું ચોક્કસ કારણ જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ BCCI અને ટીમ મેનેજમેન્ટના સૂત્રોએ આ ફેરફારની પુષ્ટિ કરી છે.
ભારતે જૂન મહિનાથી એક પણ ટેસ્ટ મેચ રમી નથી, તેથી શુભમન ગિલની આગેવાની હેઠળની ટીમ માટે આ મેચ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ના વર્તમાન સર્કલના ભાગ રૂપે રમાઈ રહેલી આ શ્રેણી બંને ટીમો માટે મહત્વપૂર્ણ છે. ચાહકો માટે સારા સમાચાર એ છે કે આ વોર્મ-અપ મેચનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે.
3 દિવસીય વોર્મ-અપ મેચ: 7 થી 9 ઓગસ્ટ (NCC ગ્રાઉન્ડ, કોલંબો)
પહેલી ટેસ્ટ: 15 ઓગસ્ટથી શરૂ (ગેલે ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, કોલંબો)
બીજી ટેસ્ટ: 23 ઓગસ્ટથી શરૂ (SSC સ્ટેડિયમ, કોલંબો)
શ્રીલંકા પ્રવાસ પહેલા ભારતીય ટીમને બે ખેલાડીઓની ફિટનેસ અંગે પણ એક મોટી અપડેટ મળી છે. એક અહેવાલ મુજબ યુવા ડાબોડી બેટ્સમેન સાઈ સુદર્શન પગના અંગૂઠાની ઇજાને કારણે બેંગલુરુના સેન્ટર ઓફ એક્સેલન્સમાં રિહેબિટેશનમાં હતો. તે હવે ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે અને તેણે બેટિંગ પ્રેક્ટિસ ફરી શરૂ કરી દીધી છે. એવી અપેક્ષા છે કે સાઈ ટીમ રવાના થાય તે પહેલા સંપૂર્ણપણે ફિટ થઈ જશે. દરમિયાન, જસપ્રીત બુમરાહને પણ ઘૂંટણની સમસ્યા છતાં ફિટનેસ કન્ડીશનના આધારે ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો. તેણે પણ ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધી છે અને શ્રેણીમાં રમી શકશે.
શુભમન ગિલ (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રિષભ પંત (વિકેટકીપર), સાઈ સુદર્શન, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, માનવ સુથાર, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, ગુરનૂર બ્રાર, દેવદત્ત પડિકલ, સારાંશ જૈન.
Published On - 3:56 pm, Sat, 1 August 26