
ટીમ ઈન્ડિયાનો ન્યુઝીલેન્ડ પ્રવાસ શાનદાર રીતે શરૂ થયો છે. બે વખતની ડિફેન્ડિંગ T20 વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાએ સતત ત્રણ મેચ જીતી T20 શ્રેણી પોતાને નામ કરી લીધી છે. હવે આ પાંચ મેચની શ્રેણીમાં ફક્ત બે મેચ બાકી છે. જોકે શ્રેણીમાં વાપસીની આશા રાખતી ન્યુઝીલેન્ડને ચોથી મેચ પહેલા મોટો ઝટકો લાગ્યો છે. તેમનો સ્ટાર ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસન અંતિમ બે મેચમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને મેથ્યુ ફિશરની પસંદગી કરવામાં આવી છે.
ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે ગુરુવાર, 29 ઓક્ટોબરના રોજ લોકી ફર્ગ્યુસનના છેલ્લી બે T20 મેચમાંથી બહાર થવાની જાહેરાત કરી હતી. બીજી T20 દરમિયાન ઇજાગ્રસ્ત થયેલા લોકી ફર્ગ્યુસનને સંપૂર્ણપણે સ્વસ્થ થવા માટે વધુ સમય લાગશે. ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે જણાવ્યું હતું કે બીજી T20માં બોલિંગ કરતી વખતે ફર્ગ્યુસનને તેના જમણા પગમાં દુખાવો થયો હતો. સ્કેનથી જાણવા મળ્યું હતું કે તેની ઈજા વધુ ગંભીર નથી, પરંતુ તેને લગભગ એક અઠવાડિયાનો આરામ કરવો પડશે.
લોકી ફર્ગ્યુસન શ્રેણીની પહેલી અને બીજી મેચમાં રમ્યો હતો, પરંતુ બંને મેચમાં તે ફ્લોપ રહ્યો હતો, તેને ઘણા રન આપ્યા હતા અને માત્ર એક જ વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. બીજી મેચમાં તે ઇજાગ્રસ્ત થયો અને ત્રીજી મેચમાં તેને બહાર કરવામાં આવ્યો હતો. પરંતુ 30 ઓક્ટોબરે ઓકલેન્ડમાં ચોથી T20 માટે તેની વાપસી થવાની અપેક્ષા હતી. પરંતુ હવે ફર્ગ્યુસન છેલી બે મેચમાંથી બહાર થઈ ગયો છે. ફર્ગ્યુસન હવે ODI શ્રેણીની અંતિમ બે મેચોમાં કમબેક કરશે. તેને ફક્ત આ બે મેચો માટે જ પસંદ કરવામાં આવ્યો હતો.
ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે ફર્ગ્યુસનના સ્થાને મેથ્યુ ફિશરની ટીમમાં પસંદગી કરી છે. ફિશર ન્યુઝીલેન્ડ A ટીમનો ભાગ હતો પરંતુ ત્રીજી T20 માટે તેને કવર તરીકે સામેલ કરવામાં આવ્યો હતો. ફર્ગ્યુસનની ઈજાને કારણે તે ત્રીજી મેચ રમ્યો હતો, પરંતુ તેણે ફક્ત એક જ ઓવર બોલિંગ કરી હતી જેમાં તેણે 23 રન આપ્યા હતા. જોકે, તેણે વૈભવ સૂર્યવંશીની વિકેટ પણ લીધી હતી. કુલ મળીને, 26 વર્ષીય ફિશરે અત્યાર સુધી બે T20માં પાંચ ઓવર ફેંકી છે, જેમાં તેણે 76 રન આપ્યા છે અને ફક્ત એક વિકેટ લીધી છે.
Published On - 4:43 pm, Thu, 29 October 26