
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે આંતરરાષ્ટ્રીય શ્રેણીની પહેલી મેચ 14 જુલાઈએ બર્મિંગહામના ઐતિહાસિક એજબેસ્ટન મેદાન પર રમાશે. આ હાઈ-વોલ્ટેજ મુકાબલા પહેલા ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ ટીમ ઈન્ડિયા સામે તેની મજબૂત પ્લેઈંગ ઈંલેવનની જાહેરાત કરી છે. કેપ્ટન હેરી બ્રુકની આગેવાની હેઠળની ઈંગ્લેન્ડ ટીમે આ પહેલી મેચ માટે તેની ટીમમાં કેટલાક રસપ્રદ અને આશ્ચર્યજનક ફેરફારો કર્યા છે, જેમાં એક નવી ઓપનિંગ જોડીનો પણ સમાવેશ થાય છે.
ભારતના વર્લ્ડ ક્લાસ બોલિંગ આક્રમણનો સામનો કરવા માટે ઈંગ્લેન્ડે તેના ટોચના ક્રમમાં એક મોટો અને આશ્ચર્યજનક ફેરફાર કર્યો છે. યુવા ઓલરાઉન્ડર જેકબ બેથેલને હાર્ડ હિટિંગ બેટ્સમેન બેન ડકેટ સાથે ઈનિંગની શરૂઆત કરવા માટે બઢતી આપવામાં આવી છે. તાજેતરમાં T20 શ્રેણી દરમિયાન અસાધારણ રીતે સારું પ્રદર્શન કરનાર બેથેલ હવે ઓપનર તરીકે રમશે. જ્યારે અનુભવી બેટ્સમેન જો રૂટ નંબર 3 સ્થાન પર બેટિંગ કરશે.
ઈંગ્લેન્ડના સૌથી આક્રમક ખેલાડીઓમાંના એક જોસ બટલરને મિડલ ઓર્ડરમાં ધકેલી દેવામાં આવ્યો છે. આ મેચમાં બટલર વિકેટકીપિંગની જવાબદારી પણ સંભાળશે. જોસ બટલર માટે આ મેચ ખૂબ જ ખાસ બનવાની છે. જ્યારે બટલર મંગળવારે ટીમ ઈન્ડિયા સામે મેદાનમાં ઉતરશે, ત્યારે તે ઈંગ્લેન્ડ માટે તેની 200 મી વનડે આંતરરાષ્ટ્રીય મેચ રમશે. બટલરે 21 ફેબ્રુઆરી, 2012 ના રોજ દુબઈમાં પાકિસ્તાન સામે પોતાનો ODI ડેબ્યૂ કર્યો હતો અને હવે, 14 વર્ષ પછી તે આ સીમાચિહ્ન પર પહોંચી રહ્યો છે.
એજબેસ્ટનની પિચ અને મજબૂત ભારતીય બેટિંગ લાઈન-અપને ધ્યાનમાં રાખીને ઈંગ્લેન્ડે સંતુલિત બોલિંગ આક્રમણ પસંદ કર્યું છે. સેમ કરન અને જોશ ટંગ પેસ આક્રમણનું નેતૃત્વ કરશે, જેની આગેવાની જોફ્રા આર્ચર કરશે. દરમિયાન, ભારતીય બેટ્સમેનોને તેમના સ્પિન જાળમાં ફસાવવા માટે ઈંગ્લેન્ડે પ્લેઈંગ ઈલેવનમાં ત્રણ સ્પિનરોનો સમાવેશ કર્યો છે. વિલ જેક્સ અને લિયામ ડોસન અનુભવી લેગ-સ્પિનર આદિલ રશીદ સાથે સ્પિન વિભાગને મજબૂત બનાવશે.
જેકબ બેથેલ, બેન ડકેટ, જો રૂટ, હેરી બ્રુક (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), સેમ કરન, વિલ જેક્સ, જોફ્રા આર્ચર, લિયામ ડોસન, જોશ ટંગ, આદિલ રશીદ.