
બે વાર રદ કર્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમનો બાંગ્લાદેશ પ્રવાસ હવે જાન્યુઆરી 2027 માં થઈ શકે છે. જાન્યુઆરી મહિનાના પહેલા અઠવાડિયામાં છ મેચની વાઇટ બોલ શ્રેણી માટે સંભવિત વિન્ડો તરીકે ઉભરી આવી છે. જોકે, ભારતીય ક્રિકેટ બોર્ડ કે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે સત્તાવાર રીતે આ વાતની પુષ્ટિ કરી નથી. સૂત્રો સૂચવે છે કે બંને બોર્ડ વચ્ચે ચર્ચાઓ સકારાત્મક રીતે આગળ વધી રહી છે, અને આ પ્રવાસ ટૂંક સમયમાં વાસ્તવિકતા બની શકે છે. પ્રસ્તાવિત શ્રેણીમાં ત્રણ ODI અને ત્રણ T20Iનો સમાવેશ થશે. જોકે, યોગ્ય સમય નક્કી કરવો પડકારજનક હોઈ શકે છે. ઝિમ્બાબ્વે 3 થી 9 જાન્યુઆરી દરમિયાન ભારતનો પ્રવાસ કરવાનું છે, ત્યારબાદ ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી રમવાનું છે, જે 21 જાન્યુઆરીથી શરૂ થશે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના તણાવપૂર્ણ રાજદ્વારી સંબંધોને ધ્યાનમાં રાખીને ભારત સરકાર પાસેથી અંતિમ મંજૂરી મેળવવાની જરૂર પડશે. BCCI હજુ પણ પ્રસ્તાવિત પ્રવાસને અંતિમ સ્વરૂપ આપવા માટે જરૂરી સરકારી મંજૂરીની રાહ જોઈ રહ્યું છે. જોકે, બાંગ્લાદેશમાં રાજકીય પરિવર્તન દ્વિપક્ષીય ક્રિકેટના સમીકરણો બદલાઈ શકે છે. આ વર્ષની સામાન્ય ચૂંટણીઓમાં બાંગ્લાદેશ રાષ્ટ્રવાદી પક્ષની જીતથી દેશના નેતૃત્વમાં પરિવર્તન આવ્યું, જેના કારણે બંને ક્રિકેટ બોર્ડ વચ્ચે સંબંધો સુધરવાની આશા જાગી. ભારત પ્રવાસ અગાઉ જુલાઈમાં મુલતવી રાખવામાં આવ્યો હતો. આ વર્ષે ભારતમાં T20 વર્લ્ડ કપ મેચ ન રમવાના બાંગ્લાદેશના નિર્ણયથી BCCI અને BCB વચ્ચેના સંબંધો વધુ તણાવપૂર્ણ બન્યા હતા.
બાંગ્લાદેશ બોર્ડના નેતૃત્વમાં મોટો ફેરફાર થયો છે. ભૂતપૂર્વ ઓપનર તમીમ ઇકબાલ ભૂતપૂર્વ કેપ્ટન અમીનુલ ઇસ્લામના સ્થાને પ્રમુખ બન્યો છે. સૂત્રો અનુસાર તમીમ ઇકબાલ BCCI સાધ દ્વિપક્ષીય ક્રિકેટની સાથે-સાથે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) સ્તરે સંબંધો સુધારવા માટે ઉત્સુક છે. BCB પ્રમુખ તમીમ ઇકબાલે ભારત પ્રવાસ અંગે આશાવાદ વ્યક્ત કર્યો છે. તેણે જણાવ્યું હતું કે બંને બોર્ડ વચ્ચે ચર્ચા યોગ્ય દિશામાં આગળ વધી રહી છે.
જો ભારત બાંગ્લાદેશનો પ્રવાસ કરે છે, તો સૌથી મોટો પ્રશ્ન ઝિમ્બાબ્વે સાથેની નિર્ધારિત ODI શ્રેણીનો હશે. સૂત્રો સૂચવે છે કે બાંગ્લાદેશ પ્રવાસ માટે ત્રણ મેચની શ્રેણી ફરીથી શેડ્યૂલ કરી શકાય છે, જોકે હજુ સુધી કોઈ સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો નથી. ઓસ્ટ્રેલિયા શ્રેણીની તૈયારીઓને પણ સુધારેલા શેડ્યૂલમાં ધ્યાનમાં લેવાની જરૂર પડશે. એવી અપેક્ષા છે કે ટીમ 21 જાન્યુઆરીની મેચ પહેલા તેની ટેસ્ટ તૈયારીઓ શરૂ કરશે. ભારતે છેલ્લે ડિસેમ્બર 2022 માં બાંગ્લાદેશનો પ્રવાસ કર્યો હતો, જેમાં ત્રણ ODI અને બે ટેસ્ટ રમી હતી.
Published On - 9:32 pm, Thu, 5 November 26