Breaking News : મેલબોર્નમાં ભારત 17 વર્ષ પછી હાર્યું, ઓસ્ટ્રેલિયાએ 40 બોલ પહેલા જ મેચ જીતી લીધી

ભારત-ઓસ્ટ્રેલિયા T20 સિરીઝની બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 4 વિકેટથી હરાવ્યું હતું. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ પાંચ મેચની શ્રેણીમાં 1-0 થી લીડ મેળવી લીધી છે. શ્રેણીની પહેલી મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. હવે, ભારતીય ટીમને શ્રેણી જીતવા માટે બાકીની ત્રણેય મેચ જીતવી પડશે.

Breaking News : મેલબોર્નમાં ભારત 17 વર્ષ પછી હાર્યું, ઓસ્ટ્રેલિયાએ 40 બોલ પહેલા જ મેચ જીતી લીધી
| Updated on: Oct 31, 2025 | 10:48 PM

T20 શ્રેણીની બીજી મેચમાં ટીમ ઈન્ડિયાને મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયા સામે ચાર વિકેટથી હારનો સામનો કરવો પડ્યો. બેટિંગ ક્રમમાં એક વિચિત્ર ફેરફારને કારણે ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ બેટિંગ કરતી વખતે ટીમ ફક્ત 125 રનમાં જ આઉટ થઈ ગઈ. જોશ હેઝલવુડની ધારદાર બોલિંગ બાદ ઓસ્ટ્રેલિયન કેપ્ટન મિશેલ માર્શની ધમાકેદાર ઈનિંગને કારણે 40 બોલ પહેલા જ ઓસ્ટ્રેલિયાએ લક્ષ્ય હાંસલ કરી લીધું.

ભારતની ખરાબ બેટિંગ

31 ઓક્ટોબર, શનિવારના રોજ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી આ મેચમાં બે અલગ અલગ બેટિંગ શૈલીઓ જોવા મળી. એક જ પીચ પર ભારતીય બેટ્સમેન ઓસ્ટ્રેલિયા સામે વિકેટ ગુમાવતા રહ્યા, ત્યારે ઓસ્ટ્રેલિયાના ટોચના ક્રમે પાવરપ્લેમાં ઝડપથી રન બનાવ્યા, જેનાથી ભારતની હાર થઈ ગઈ. પરંતુ મુખ્ય તફાવત ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર જોશ હેઝલવુડનો હતો, જેણે ભારતીય ટીમ પર ભારે તબાહી મચાવી હતી.

ટીમ ઈન્ડિયા 125 રનમાં ઓલઆઉટ

પ્રથમ બેટિંગ કરતા, ભારતે આઠમા ઓવરમાં ફક્ત 49 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી. આનું કારણ હેઝલવુડના ચાર ઓવરના સ્પેલને કારણે હતું, જેમાં તેણે ફક્ત 13 રન આપ્યા હતા અને ત્રણ વિકેટ લીધી હતી, જેમાં શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ અને તિલક વર્માનો સમાવેશ થાય છે. આ દરમિયાન, અભિષેક શર્મા સરળતાથી બાઉન્ડ્રી ફટકારી રહ્યો હતો, અને હર્ષિત રાણાએ તેને ટેકો આપ્યો. બંનેએ 56 રનની ભાગીદારી કરી, જેનાથી ભારત 100 રનનો આંકડો પાર કરી શક્યું. જોકે, નીચલા ક્રમમાં કોઈ ખાસ મદદ કરી શક્યું નહીં, અને ટીમ 18.4 ઓવરમાં 125 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.

 

માર્શની કેપ્ટન ઈનિંગ

ભારતની બેટિંગથી વિપરીત, ઓસ્ટ્રેલિયાની ઓપનિંગ જોડી ટ્રેવિસ હેડ અને મિશેલ માર્શે વિસ્ફોટક બેટિંગ કરી. તેમણે પાંચમી ઓવરમાં ટીમને 50 રનની પાર પહોંચાડી દીધી. ટ્રેવિસ હેડને વરુણ ચક્રવર્તીએ આઉટ કર્યો, અને ત્યારબાદ માર્શે આક્રમક રમત શરૂ કરી, કુલદીપ યાદવની પહેલી ઓવરમાં 20 રન બનાવ્યા. જોકે તે જ ઓવરમાં માર્શ આઉટ થયો હતો, જો કે તેણે આઉટ થતા પહેલા ઓસ્ટ્રેલિયાની જીત નિશ્ચિત કરી દીધી હતી. ઓસ્ટ્રેલિયાએ 13.2 ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી લીધું.

મેલબોર્નમાં ભારત 17 વર્ષ પછી હાર્યું

મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર T20 મેચમાં ભારતની આ બીજી હાર છે. ભારત 17 વર્ષ પહેલા 2008માં મેલબોર્નમાં T20 મેચમાં ઓસ્ટ્રેલિયા સામે હર્યું હતું. ત્યારથી, ભારતીય ટીમે T20 મેચમાં સતત જીત નોંધાવી હતી, જેમાં ફક્ત એક જ મેચ ડ્રો રહી છે. આ જીત સાથે, ઓસ્ટ્રેલિયાએ પાંચ મેચની શ્રેણીમાં 1-0 થી લીડ મેળવી લીધી છે. પહેલી મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી, એટલે કે ટીમ ઈન્ડિયાએ હવે શ્રેણી જીતવા માટે બાકીની ત્રણેય મેચ જીતવી પડશે.

આ પણ વાંચો: IND vs AUS: મેલબોર્નમાં 9 બોલ પહેલા જ ટીમ ઈન્ડિયા ઓલઆઉટ, ચાર બેટ્સમેન ખાતું ન ખોલી શક્યા

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 5:17 pm, Fri, 31 October 25