
ઐતિહાસિક લોર્ડ્સના મેદાન પર ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચના છેલ્લા દિવસે ભારતીય ઓલ રાઉન્ડર રવીન્દ્ર જાડેજા અને ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર બ્રાઈડન કાર્સ વચ્ચે મેદાન પર ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ ઘટના ભારતના બીજા દાવની 35મી ઓવરના છેલ્લા બોલ દરમિયાન બની હતી . જોકે, આ મેચમાં બંને ટીમના ખેલાડીઓ વચ્ચે ઘણી વખત આવી ક્ષણો જોવા મળી છે.
ખરેખર, ટીમ ઈન્ડિયાની બીજી ઈનિંગની 35મી ઓવર બ્રાઈડન કાર્સે ફેંકી હતી. આ ઓવરના છેલ્લા બોલ પર જાડેજા રન લેવા માટે દોડી રહ્યો હતો, ત્યારે તે ઈંગ્લેન્ડના બોલર બ્રાઈડન કાર્સ સાથે અથડાઈ ગયો. આ ટક્કર પછી બંને ખેલાડીઓ વચ્ચે દલીલ શરૂ થઈ ગઈ અને વાતાવરણ થોડી જ વારમાં ગરમ થઈ ગયું.
બંને વચ્ચે દલીલ એટલી વધી ગઈ કે બાકીના ખેલાડીઓએ પણ આ બોલાચાલીમાં જોડાયા, ત્યારે પરિસ્થિતિને સંભાળવા માટે ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સને દરમિયાનગીરી કરવી પડી, જેથી મામલો વધુ ખરાબ થતો અટકાવી શકાય.
લોર્ડ્સ ટેસ્ટ મેચમાં આ પહેલીવાર નથી જ્યારે ખેલાડીઓ વચ્ચે ટક્કર થઈ હોય. ચોથા દિવસના અંતે બ્રાયડન કાર્સ અને આકાશ દીપ વચ્ચે પણ કંઈક આવું જ જોવા મળ્યું હતું . બ્રાયડન કાર્સ તે સમયે બેટિંગ કરી રહેલા આકાશ દીપને કંઈક કહેતો જોવા મળ્યો હતો, જેના તરફ આકાશ દીપ પણ કંઈક ઈશારો કરતો હતો.
ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયાના કેપ્ટન અને ઈંગ્લેન્ડના ઓપનર જેક ક્રોલી વચ્ચે દલીલ થઈ. દિવસના અંતે જેક ક્રોલી સમય બગાડી રહ્યો હતો . જેના પર શુભમન ગિલ ખૂબ ગુસ્સે થયો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો હતો.
આ પણ વાંચો: સૂર્યકુમાર યાદવ બનશે પિતા ? પત્ની દેવીશાએ હસીને કહ્યું- ‘આ યોગ્ય સમય છે’