Breaking News : ચેમ્પિયન્સ ટ્રોફીમાં મોટો અપસેટ, અફઘાનિસ્તાને ઈંગ્લેન્ડને હરાવી ટુર્નામેન્ટમાંથી કર્યું બહાર

ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારે રોમાંચક મેચમાં અફઘાનિસ્તાને ઈંગ્લેન્ડને હરાવી મોટો અપસેટ કર્યો હતો. સેમીફાઈનલમાં પહોંચવાની આશા જીવંત રાખવા માટે બંને ટીમોને જીતની જરૂર હતી. અફઘાનિસ્તાને આ કામ ખૂબ જ સારી રીતે કર્યું અને ભૂતપૂર્વ વિશ્વ ચેમ્પિયન ઈંગ્લેન્ડને ટુર્નામેન્ટમાંથી બહારનો રસ્તો બતાવ્યો હતો.

Breaking News : ચેમ્પિયન્સ ટ્રોફીમાં મોટો અપસેટ, અફઘાનિસ્તાને ઈંગ્લેન્ડને હરાવી ટુર્નામેન્ટમાંથી કર્યું બહાર
Afghanistan beat England
Image Credit source: PTI
| Updated on: Feb 26, 2025 | 11:17 PM

ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં અત્યાર સુધીની સૌથી રોમાંચક મેચમાં, અફઘાનિસ્તાને ઈંગ્લેન્ડને હરાવ્યું અને તેને ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકી દીધું. ઈબ્રાહિમ ઝદરાન (177) ની શાનદાર સદી અને અઝમતુલ્લાહ ઓમરઝાઈ (5 વિકેટ) ના શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શનની મદદથી, અફઘાનિસ્તાને છેલ્લી ઓવર સુધી ચાલેલી મેચમાં ભૂતપૂર્વ વિશ્વ ચેમ્પિયનને ફક્ત 8 રનના નજીકના માર્જિનથી હરાવ્યું. આ જીત સાથે, અફઘાનિસ્તાને સેમીફાઈનલમાં પહોંચવાની આશા જીવંત રાખી છે. ફરી એકવાર ઈંગ્લેન્ડનું ચેમ્પિયન્સ ટ્રોફી જીતવાનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું. પહેલી જ મેચમાં ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા સામે હારી ગયું હતું. સતત બે હાર સાથે, જોસ બટલરની ટીમ સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે.

ઈંગ્લેન્ડ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર

લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં બંને ટીમોની શરૂઆત ખરાબ રહી હતી અને પછી તેમણે બે બેટ્સમેનોની સદી સાથે વાપસી કરી હતી. સૌપ્રથમ, યુવા ઓપનર ઈબ્રાહિમ ઝદરાને અફઘાનિસ્તાન માટે આ કામ કર્યું. ઝદરાને ચેમ્પિયન્સ ટ્રોફીમાં અફઘાનિસ્તાન માટે પહેલી સદી ફટકારી અને પછી ટુર્નામેન્ટના ઈતિહાસમાં સૌથી મોટી ઈનિંગ રમી, જેમાં 177 રન બનાવ્યા. જવાબમાં, ઈંગ્લેન્ડના દિગ્ગજ બેટ્સમેન જો રૂટે જવાબદારી સંભાળી અને લગભગ 6 વર્ષની રાહ જોયા પછી ODI ક્રિકેટમાં સદી ફટકારીને ટીમને ફરીથી ફોર્મમાં લાવી. છતાં અફઘાનિસ્તાન જીતી ગયું અને ઈંગ્લેન્ડ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માંથી બહાર ફેંકાયું હતું.

 

ઝદરાનને 177 રન ફટકાર્યા

અફઘાનિસ્તાનની શરૂઆત ખરાબ રહી હતી અને નવમી ઓવર સુધીમાં ટીમે 3 વિકેટ ગુમાવી દીધી હતી. આ ત્રણ વિકેટ સ્ટાર ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરે લીધી હતી અને અફઘાનિસ્તાનને મુશ્કેલીમાં મૂકી દીધી હતી. પરંતુ અહીંથી, ઈંગ્લેન્ડની બોલિંગની હાલત ઓસ્ટ્રેલિયા સામે જેવી જ થઈ ગઈ. ઈબ્રાહિમ ઝદરાન, કેપ્ટન હશમતુલ્લાહ શાહિદી અને અઝમતુલ્લાહ ઓમરઝાઈ સાથે મળીને ટીમને 200 રનનો આંકડો પાર કરાવ્યો. અહીં જ ઝદરાને તેની ODI કારકિર્દીની છઠ્ઠી સદી પૂર્ણ કરી અને પછી મોહમ્મદ નબી સાથે મળીને તેણે માત્ર 55 બોલમાં 111 રનની વિસ્ફોટક ભાગીદારી કરી અને ટીમને 325 રનના મોટા સ્કોર સુધી પહોંચાડી.

 

જો રૂટની સદી એડે ગઈ

જવાબમાં, ઈંગ્લેન્ડની શરૂઆત પણ ખરાબ રહી હતી, તેણે માત્ર 30 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી, જો રૂટ ક્રીઝમાં આવ્યો અને પહેલા તેણે ઓપનર બેન ડકેટ સાથે અડધી સદીની ભાગીદારી કરી અને પછી કેપ્ટન જોસ બટલર સાથે મળીને તેણે ટીમને લક્ષ્ય તરફ દોરી. ડકેટ અને બટલર તેમની શરૂઆતને મોટા સ્કોરમાં રૂપાંતરિત કરવામાં નિષ્ફળ ગયા, જ્યારે હેરી બ્રુકે પણ એ જ ભૂલ કરી. જોકે, રૂટે લગભગ 6 વર્ષ પછી ODI ક્રિકેટમાં પોતાની પહેલી સદી ફટકારી. જ્યાં સુધી રૂટ ક્રીઝ પર હતો ત્યાં સુધી ઈંગ્લેન્ડની આશા જીવંત હતી પરંતુ ઓમરઝાઈએ ​​પહેલા રૂટ અને પછી જેમી ઓવરટનની વિકેટ લીધી અને ઈંગ્લેન્ડને હાર તરફ ધકેલી દીધું. પછી છેલ્લી ઓવરમાં, ઓમરઝાઈએ ​​આદિલ રશીદની વિકેટ લઈને ઈનિંગ અને મેચનો અંત લાવ્યો.

આ પણ વાંચો: Joe Root Century: જો રૂટે 2084 દિવસ પછી ફટકારી ODIમાં સદી, ચેમ્પિયન્સ ટ્રોફીમાં બીજી વખત કર્યો કમાલ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો