
દર વર્ષે, નવી IPL સિઝન શરૂ થાય તે પહેલા BCCI બધી ટીમો માટે નવા નિયમો અને ગાઈડલાઈન જાહેર કરે છે. કેટલીકવાર, ટુર્નામેન્ટ દરમિયાન નવા નિયમો રજૂ કરવામાં આવે છે, જ્યારે મેદાનની બહારના અન્ય નિયમો પણ સમજાવવામાં આવે છે. BCCI એ 2026 ની IPL સિઝન માટે તમામ 10 ટીમોને સમાન ગાઈડલાઈન જાહેર કરી છે, જેમાં ખેલાડીઓના પરિવારોના આવા-જવા અને પ્રેક્ટિસ સંબંધિત મહત્વપૂર્ણ નિયમોનો સમાવેશ થાય છે.
28 માર્ચથી શરૂ થઈ રહેલી IPLની 19મી સિઝન માટે બધી ટીમો છેલ્લા કેટલાક દિવસોથી પ્રેક્ટિસ કરી રહી છે . ઘણા ખેલાડીઓ તેમની પત્નીઓ, બાળકો અથવા ગર્લફ્રેન્ડ સાથે હોય છે, અને આ ટ્રેન્ડ સમગ્ર સિઝન દરમિયાન ચાલુ રહેશે. આવું દર વર્ષે થાય છે કારણ કે ખેલાડીઓ સતત બે મહિના વ્યસ્ત રહે છે, તેથી પરિવારોને સાથે રહેવાની મંજૂરી છે. જોકે, પરિવારના સભ્યો માટે પણ કેટલીક ગાઈડલાઈન છે.
એક રિપોર્ટમાં આ નિયમોનો ખુલાસો થયો છે. રિપોર્ટ અનુસાર, બોર્ડે તમામ ફ્રેન્ચાઇઝીઓને જાણ કરી છે કે પ્રેક્ટિસના દિવસોમાં ખેલાડીઓ ફક્ત ટીમ બસ દ્વારા જ સ્ટેડિયમ પહોંચશે, પરંતુ તેમના પરિવારના સભ્યો તેમની સાથે નહીં આવી શકે. પરિવારના સભ્યો અને મિત્રોએ અલગ વાહનોમાં સ્ટેડિયમમાં મુસાફરી કરવી પડશે. તેમને મેદાનમાં પણ પ્રવેશ આપવામાં આવશે નહીં અને તેઓ ફક્ત સ્ટેડિયમના હોસ્પિટાલિટી એરિયામાંથી જ પ્રેક્ટિસ જોઈ શકશે.
આ ઉપરાંત, BCCI એ પ્રેક્ટિસ સેશન અને ખેલાડીઓના ડ્રેસિંગ પર કેટલાક નિયંત્રણો લાદ્યા છે. બોર્ડે સ્પષ્ટતા કરી છે કે, મેચના દિવસે કોઈપણ ટીમને મેદાન પર પ્રેક્ટિસ સેશન યોજવાની મંજૂરી આપવામાં આવશે નહીં. મેચના દિવસે પિચની નજીકના કોઈપણ પ્રકારના ફિટનેસ ટેસ્ટ લઈ શકાશે નહીં.
ઓરેન્જ કેપ અને પર્પલ કેપની રેસમાં આગળ રહેલા ખેલાડીઓએ મેચ દરમિયાન ઓરેન્જ કેપ અને પર્પલ કેપ પહેરવી જ પડશે. જો કોઈ ખેલાડી કોઈ કેપ પહેરતો નથી, તો તેણે ઓછામાં ઓછી પ્રથમ બે ઓવર માટે એક કેપ પહેરવી જ પડશે જેથી બ્રોડકાસ્ટિંગ ટીમ તેને બતાવી શકે. વધુમાં, મેચ પછીની પ્રેઝેન્ટેશન દરમિયાન સ્લીવલેસ જર્સી અને ફ્લોપી ટોપીઓ પહેરવા પર પ્રતિબંધ છે. નિયમ તોડવા માટે પહેલીવાર ચેતવણી અને બીજી વાર દંડ ફટકારવામાં આવશે.