ODI World Cup Qualifierમાં સૌથી મોટો અપસેટ, બે વારનું ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝ વર્લ્ડ કપમાંથી બહાર

વેસ્ટ ઈન્ડિઝને વર્લ્ડ કપમાં ક્વોલિફાય થવા માટે ટોપ-2માં સ્થાન મેળવવું જરૂરી હતું, પરંતુ આ ટુર્નામેન્ટમાં ત્રણ નાની ટીમો સામે હાર બાદ વેસ્ટ ઈન્ડિઝની ટીમ વર્લ્ડ કપમાં મોટો અપસેટનો શિકાર બની છે અને વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ છે.

ODI World Cup Qualifierમાં સૌથી મોટો અપસેટ, બે વારનું ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝ વર્લ્ડ કપમાંથી બહાર
West Indies out of World Cup
| Edited By: | Updated on: Jul 01, 2023 | 11:52 PM

વર્લ્ડ કપના ઈતિહાસમાં પ્રથમ વખત વેસ્ટ ઈન્ડિઝ વગર વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ યોજાશે. 48 વર્ષ પહેલા ક્રિકેટ ઈતિહાસમાં પ્રથમ બે વાર વર્લ્ડ કપ જીતનાર વેસ્ટ ઈન્ડિઝની ટીમ પહેલી વાર વર્લ્ડ કપનો ભાગ નહીં બને. વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં સ્કોટલેન્ડ સામે 7 વિકેટે કારમી હાર સાથે વેસ્ટ ઈન્ડિઝ વર્લ્ડ કપમાં પહોંચતા પહેલા જ બહાર થઈ ગયું હતું.

વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટનો ખરાબ તબક્કો

ઝિમ્બાબ્વેમાં રમાઈ રહેલી વર્લ્ડ કપ ક્વોલિફાયર ટૂર્નામેન્ટમાં બે ભૂતપૂર્વ ચેમ્પિયન અને મજબૂત ટીમો વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકાના તેમની સરખામણીમાં ઘણી નાની ટીમોનો સામનો કરી રહી છે. ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા એવું માનવામાં આવતું હતું કે આ બંને ટીમ સરળતાથી ક્વોલિફાય થઈ જશે. જેમાં હાલના સમયે શ્રીલંકા વર્લ્ડ કપની ટિકિટ મેળવવાની ખૂબ જ નજીક પહોંચી ગઈ છે, પરંતુ વિન્ડીઝ ટીમને તેના સૌથી ખરાબ તબક્કાનો સામનો કરવો પડ્યો છે.

વેસ્ટ ઈન્ડિઝ અપસેટનો શિકાર

પહેલા ઝિમ્બાબ્વે સામે અને પછી નેધરલેન્ડ સામે પરાજયનો સામનો કર્યા પછી વેસ્ટ ઈન્ડિઝની વર્લ્ડ કપમાં કવોલિફાય થવાની સંભાવનાઓ પહેલાથી જ તૂટી પડવાની શરૂઆત થઈ ગઈ હતી. આ પછી પણ જો થોડી આશા બાકી હતી, તેના માટે જીત ખૂબ જ જરૂરી હતી, પરંતુ કદાચ વેસ્ટ ઈન્ડિઝ અગાઉના આંચકાઓમાંથી બહાર નીકળી શક્યું ન હતું અને તે સ્કોટલેન્ડ સામે પણ હારી ગયું હતું.

આ પણ વાંચોઃ અર્શદિપ બાદ વધુ એક ભારતીય ખેલાડી ઈંગ્લેન્ડમાં રમશે કાઉન્ટી ક્રિકેટ, આ ટીમ સાથે જોડાયો

મેકમુલને ટોચના 3 બેટ્સમેનોને કર્યા આઉટ

સ્કોટલેન્ડે પ્રથમ બોલિંગ કરી શરૂઆતમાં જ વેસ્ટ ઈન્ડિઝને તોડી પાડ્યું હતું. ટુર્નામેન્ટમાં જોરદાર પ્રદર્શન કરી રહેલા ઓલરાઉન્ડર બ્રેન્ડન મેકમુલનેએ તેની પ્રથમ ત્રણ ઓવરમાં વેસ્ટ ઈન્ડિઝના ટોચના 3 બેટ્સમેનોને આઉટ કર્યા હતા. એક સમયે વેસ્ટ ઇન્ડિઝનો સ્કોર 30/4 પહોંચી ગયો હતો. કેપ્ટન હોપ અને નિકોલસ પૂરન સસ્તામાં ખૂબ જ જલ્દી આઉટ થતાં વિન્ડિઝ મુશ્કેલીમાં મુકાઇ ગયું હતું.

વેસ્ટ ઈન્ડિઝ 181 રનમાં ઓલઆઉટ

21મી ઓવર સુધી વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર 81/6  હતો. અહીંથી જેસન હોલ્ડર (45) અને રોમારિયો શેફર્ડ (36)એ ટીમની કમાન સંભાળી હતી. બંને વચ્ચે 77 રનની પાર્ટનરશિપ થઈ હતી, જેનાથી વેસ્ટ ઈન્ડિઝને મોટા સ્કોરની થોડી આશા બંધાઈ હતી પરંતુ બંને સતત બે ઓવરમાં આઉટ થયા બાદ ટૂંક સમયમાં જ આખી ટીમ 181 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

સ્કોટલેન્ડે રચ્યો ઈતિહાસ

સ્કોટલેન્ડને મેચ જીતવા 182 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેની સામે ઇનિંગ્સના પહેલા જ બોલ પર જેસન હોલ્ડરે સ્કોટલેન્ડના ઓપનર ક્રિસ્ટોફર મેકબ્રાઇડને આઉટ કરીને જોરદાર આંચકો આપ્યો હતો. જોકે ત્યારબાદ મેકમુલન અને ક્રોસે બાજી સંભાડી હતી અને 125 રનની ભાગીદારી કરી હતી. મેથ્યુ ક્રોસે 74 રનની ઇનિંગ રમી સ્કોટલેન્ડને યાદગાર જીત અપાવી હતી. સ્કોટલેન્ડે વેસ્ટ ઈન્ડિઝને હરાવી મોટો અપસેટ સર્જ્યો હતો, સાથે જ તેમણે વર્લ્ડ કપ 2023માં ક્વોલિફાય થવાની આશાને પણ જીવંત રાખી હતી. વેસ્ટ ઈન્ડિઝ સામે સ્કોટલેન્ડની આ પ્રથમ જીત છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 11:01 pm, Sat, 1 July 23